કોરોનાનો કહેર:ભુજ-મુંબઇ ફ્લાઇટને ત્રીજા દિને પણ પેસેન્જર તો ન જ મળ્યા

ભુજ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઇતિહાસમાં પ્રથમ વખત લોકો હવાઇ સેવાથી દૂર રહ્યા

ભુજથી મુંબઇ આવવા-જવા માટે પેસેન્જર જ ન મળતાં સતત ત્રીજા દિવસે હવાઇ સેવા કેન્સલ કરાઇ હતી. કોરોનાને પગલે ઇતિહાસમાં પ્રથમ વખત યાત્રીઓ ન મળવાથી ફ્લાઇટ રદ કરાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.

ફરી ચાલુ થયેલી હવાઇ સેવાને પૂરતા પેસેન્જર નથી મળતા
કોરોનાના કહેર વચ્ચે લાંબો સમય હવાઇ સેવા બંધ રહ્યા બાદ શરૂ તો થઇ પરંતુ હવે પેસેન્જર ન મળવાથી ફરીથી બંધ કરી દેવાઇ છે. સરકારે શરતોને આધીન માત્ર ઘરેલુ હવાઇ સેવા ચાલુ રાખવાની મંજૂરી આપી છે. એક સમય એવો હતો કે, કચ્છના ભુજ અને કંડલાથી મુંબઇ જવા માટે એર ઇન્ડિયા અને સ્પાઇસ જેટની ફ્લાઇટ ઉપડતી અને ભુજ-મુંબઇથી આવ-જા કરતા લોકોના બુકિંગનું પણ લાંબું લીસ્ટ જોવા મળતું પરંતુ લોકડાઉનમાં લાંબા સમય સુધી બંધ રહ્યા બાદ ફરી ચાલુ થયેલી હવાઇ સેવાને પૂરતા પેસેન્જર નથી મળતા, જેથી લોકોમાં હવાઇ સેવા ચાલુ થઇ છે તે અંગેની જાણ નહીં હોય તેવી ચર્ચા જોવા મળી રહી છે. વાહનો મારફતે કચ્છથી મુંબઇ આવ-જા કરતા લોકોની દરરોજ લાઇનો લાગતી હોય છે ત્યારે પૂરતા યાત્રીઓ ન મળવાથી ફ્લાઇટ કેન્સલ કરાઇ હોય એવું ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું છે. સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ કવોરેન્ટાઇન થવું પડશે તેવા ડરના કારણે લોકો મુસાફરી ટાળી રહ્યા છે.

કંડલા-અમદાવાદ સેવા તા.28,31ના બંધ, મુંબઇ માટે તા.31થી ફ્લાઇટ શરૂ થાય તેવી શક્યતા
કંડલા-અમદાવાદ હવાઇ સેવામાં બુધવારે યાત્રીઓમાં મહદઅંશે વધારો નોંધાયો હતો પરંતુ તા.28 અને 31 એમ બે દિવસ આ સેવા પણ બંધ રહેશે અને તા.31મી બાદ કંડલા-મુંબઇ સેવા ચાલુ થાય તેવી શક્યતા હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. વધુમાં તા.27/5ના અમદાવાદથી 18 ઉતારુ આવ્યા હતા તો કંડલાથી અમદાવાદ 13 યાત્રીઓ ગયા હતા.

બુધવારે ભુજમાં વહેલી પરોઢે નાનું ખાનગી પ્લેન આવી પહોંચ્યું
બુધવારે વહેલી સવારે ભુજ એરપોર્ટના રન-વે પર એક વિમાને ઉતરાણ કર્યું હતું પરંતુ તે મુંબઇથી નહીં પરંતુ અમદાવાદથી આવ્યું હતું જોકે, તે પેસેન્જર વિમાન નહીં અદાણીનું ખાનગી પ્લેન હતું. ભુજમાં કાંઇ કામ હશે જેથી અમદાવાદથી ઉડાન ભર્યા બાદ સીધા મુન્દ્રા જવાના બદલે ભુજ એરપોર્ટના રન વે પર  ઉતરાણ કર્યું હોવાનું સત્તાવાર સુત્રોમાંથી જાળવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...