આત્મનિર્ભર યોજના:બેંકને કોઇના પર નિર્ભર ન રહે તે રીતે લોન આપશે

ભુજ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આત્મનિર્ભર યોજના માટે રાજકોટ નાગરિક સહકારી બેંકની તૈયારી પુરજોશમાં
  • 1લી તારીખ બાદ પોર્ટલ બની જશે એટલે કામગીરી શરૂ થશે

લોકડાઉનમાં ધંધો-રોજગાર પાયમાલ થઇ ગયો છે ત્યારે ફરીથી બેઠા થવા માટે ગુજરાત સરકાર દ્વારા આત્મનિર્ભર સહાય યોજના અંતર્ગત ભુજની રાજકોટ નાગરીક સહકારી બેંક 36 માસથી મુદ્દત માટે 1 લાખ રૂપિયાની લોન આપવાની તૈયારીઓ પુરજોશમા ચાલી રહી છે અને 1લી તારીખ બાદ પોર્ટલ બની જશે એટલે કામગીરી શરૂ થઇ જશે તેવો સુર વ્યકત કરાયો હતો. 

મકાન, પ્લોટ કે દુકાનના દસ્તાવેજની નકલ લેવાશે પણ મોરગેજ તરીકે નહીં
આત્મનિર્ભર યોજના સહકારી બેંકો પાસેથી મેળવવાની રહેશે. ભુજની રાજકોટ નાગરીક બેંકના દીલીપ ત્રિવેદી, પ્રવીણ પિંડોરીયા સહિતના સભ્યોએ બોલાવેલી કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, 2 ટકાના વ્યાજ દરથી નાના માણસો લોન આપવામાં આવશે જેમાં 6 મહિના સુધી કોઇ પણ હપ્તા ભરવાના રહેશે નહીં. તો બીજી તરફ આ લોનનો લાભ સરકારી, અર્ધસરકારી કે કોર્પોરેશન કર્મચારીઓ લઇ શકશે નહીં. સહકારી બેંકના નિયમ મુજબ 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર નોમીનલ સભ્યપદથી વાળંદ, દરજી, સુથાર, ચાની લારીવાળા, શાકભાજીવાળા સહિતના નાના ધંધાર્થીઓ લાભ લઇ શકશે. બેંક દ્વારા ધંધાનો આધાર તેમજ એક જામીન, પાન કાર્ડ અને આધાર કાર્ડ સહિતના જરૂરી સાધનીક કાગળો અને સેલ્ફ ડિક્લેરેશન લેવાશે. નાના સભ્યોની મોટી બેંક એ રાજકોટ નાગરીક બેંકના સુત્રથી આ આત્મનિર્ભર સહાય યોજનાની કામગીરીને આગળ ધપાવાશે. વધુમાં જણાવાયું હતું કે, 36 બ્રાન્ચની બે દીવસ પૂર્વે વિડીયો કોન્ફરન્સથી મીટિંગ થઇ હતી જેમાં તમામ શાખા માટે 525 કરોડ રૂપિયા આત્મનિર્ભર સહાય યોજના માટે ફાળવવાનું નક્કી કરાયું હતું. બેંક પાસે શેરહોલ્ડરોના પૈસા હોવાથી તેમની સલામતી જળવાઇ રહે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. 

એસો.નો ભલામણ પત્ર પણ માન્ય રહેશે
બેંક દ્વારા જણાવાયું હતું કે, નાના ધંધાર્થી હોય જેવા કે પ્લમ્બર, હાર્ડવેર કારીગર, હોટેલ સંચાલક કે અન્ય ધંધાર્થી પોતાના એસો.ના તેમજ તે ધંધાર્થી જયાંથી માલ ખરીદતા હોય તે પેઢીનું ભલામણ પત્ર પણ માન્ય રહેશે. મોટાભાગે શાકભાજીવાળા કે કારીગરો પાસે ધંધાનો કોઇ આધાર પુરાવા ન હોવાથી લોન માટેના આધાર રજુ કરવામાં મુંઝવણ ઉભી થઇ હતી. 

જો જણાશે તો સ્થળ તપાસ પણ થશે
લોન માટે અરજી કરનાર અરજદારે કાગળોમાં જે ધંધો બતાવ્યો હશે તેની તપાસ પણ જરૂર જણાશે તો કરાશે. જેમ કે, શાકભાજી કે ચાયની હોટેલ વાળાએ ધંધાનો જે આધાર બતાવ્યો હશે ત્યાં જઇ સ્થળ ચકાસણી પણ થશે. 

600થી વધુ ફોર્મ વિતરણ થઇ ગયા
આત્મનિર્ભર લોન લેવા માટે બેથી ત્રણ સહકારી બેંકમાં ફોર્મ વિતરણ શરૂ થઇ ગયું છે ત્યારે રાજકોટ નાગરીક બેંકમાં અત્યાર સુધી 600થી વધુ ફોર્મ ઉપડી ગયા હોવાનું જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...