જળ સંગ્રહમાં નહીંવત વધારો:કચ્છમાં સરેરાશ વરસાદ 50 ટકાથી વધુ, પરંતુ ડેમોની સપાટી માત્ર 24 ટકા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • પાછોતરો વરસાદ જારી છતા ડેમોના જળ સંગ્રહમાં નહીંવત વધારો
  • જિલ્લામાં મધ્યમ કક્ષાના ડેમો ઓવરફ્લો થવા હજી વધુ 66 ટકા વરસાદ જોઈએ

વરસાદની આગાહીને પગલે કચ્છમાં ક્યાંક વધુ તો ક્યાંક ઓછો વરસાદ પડ્યો છે. ભુજ અને અંજારમાં સો ટકા વરસાદ પડી ગયો છે, તો લખપતમાં સૌથી ઓછો 46 ટકા વરસાદ પડ્યો છે. મધ્યમ કદના ડેમ પૂર્ણ થવા હજી વધુ 66 ટકા વરસાદ જોઈએ. ડેમની પરિસ્થિતિ સરેરાશ પચાસ ટકા વરસાદ પછી પણ ખાસ સુધરી નથી. જળાશયોમાં રાજ્યમાં સૌથી ઓછું 23.88 ટકા પાણી રહ્યું છે. જેમ તળાવોની પરીસ્થિતિ જેમ ડેમોમાં પણ પાણીની સપાટી ખાસ ઊંચી નથી આવી.વરસાદી પાણી અગાઉ જે રીતે સ્ત્રાવ ક્ષેત્રથી ડેમમાં ઠલવાતું તે હવે અનેક ચેક ડેમ બનતા ઘટાડો થયો છે.

કચ્છ જિલ્લામાં નાની સિંચાઇ અને મધ્યમ સિંચાઇ યોજના એમ બે પ્રકારની સિંચાઇ યોજના આવેલી છે જે અંતર્ગત નાની સિંચાઇ યોજનાના 180 ડેમ આવેલા છે જ્યારે મધ્યમ સિંચાઇ યોજનાના 20 ડેમ આવેલા છે. જેમાં સૌથી વધુ ગેટેડ ડેમ ટપ્પરમાં જળાશયની પૂર્ણ સપાટી 40.85 મીટર જેટલી છે. જે વરસાદી પાણી ઉપરાંત નર્મદાના પાણી ઠલવાતા સંપૂર્ણ સપાટીએ છે. જ્યારે લખપતમાં સાનધ્રો ડેમમાં માત્ર 1.99 ટકા જળ સંગ્રહ છે. ઑક્ટોબરથી પાંચ મહિના માટે ખેડૂતોની જરૂરિયાત મુજબ કેનાલ વાટે પાણી સિંચાઇ વિભાગ છોડે છે.

અત્યારની પરિસ્થિતિ જોતા બેથી ચાર ડેમ સિંચાઇ માટે કામ આવી શકશે. ભુજ તાલુકામાં મહત્તમ વરસાદ પડે છે, તો પણ ડેમ મુજબ જોતા રુદ્રમતા ડેમમાં 10.58 ટકા, કાયલામાં 3.97 ટકા, કાસવતીમાં 7.32 ટકા પાણી છે. વરસાદ સારા પ્રમાણમાં પડ્યો છે, તો પણ ડેમ જળ સંગ્રહ પૂરતા પ્રમાણમાં ન આવતા સરકારે ગત મહિને જ પીવાના ઉપયોગ માટે રિઝર્વ રાખવા જાહેરાત કરી હતી. તો બીજી તરફ નર્મદાના જળ કચ્છ સુધી પહોંચાડવા પ્રયાસો વધારે તેવી શક્યતા છે.

એકસાથે દસથી બાર ઇંચ વરસાદ ખાબકે તો જ ડેમો છલકાય
કચ્છમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ પડતો હોય છે. તેમાં પણ ડેમ ભરવા માટે એકસાથે વરસાદ પાડે અને ચોતરફના સ્ત્રાવ ક્ષેત્રથી ડેમમાં પાણી ઠલવાય તો ઓવરફ્લો થાય. તાલુકાના અનેક વિસ્તારોમાં ડેમના આવ વિસ્તારમાં નાના નાના અસંખ્ય ચેકડેમ બની ગયા છે. સરદાર પટેલ જળસંગ્રહ યોજના હેઠળ ખેડૂતોના ખેતરમાં બોરના પાણી ઊંચા આવે તથા જમીન સુધરે તેવા ઉદ્દેશ સાથે લાગુ કરાયેલી આ યોજનામાં આડેધડ અસંખ્ય ચેક ડેમ બન્યા, જે આજે મુખ્ય ડેમમાં પાણીની આવને રોકે છે. આ કારણથી ડેમ ઓવરફ્લો નથી થતા. માટે જ જાણકારોના મત્તે એકસાથે દસથી બાર ઇંચ જેટલો વરસાદ પડે તો જ ડેમ છલકાય.

જળાશયનો કુલ સંગ્રહ ટકાવારી મુજબ

ડેમટકાવારી
ટપ્પર43.08
ગોધાતડ25.55
સાનન્ધ્રો1.99
રુદ્રમાતા10.58
નરા25.72
નિરોણા15.75
ભુખી7.17
કંકાવટી20.05
મથલ8.75
કાયલા3.97
સુવી34.99
કાસવતી7.32
ગજોડ39.81
જંગડીયા22.69
ફતેહગઢ40.86
બેરાચીયા39.47
ગજણસર17,01
કાલાઘોઘા75.5
ડોણ31.1
મીટ્ટી40.47
સરેરાશ23.88
(ટકાવારી)
અન્ય સમાચારો પણ છે...