બહેને મોદી પાસે મદદ માગી:ભૂલમાં કચ્છની બોર્ડરથી પાકિસ્તાન પહોંચી ગયેલા આર્મીના કેપ્ટન 23 વર્ષે પણ લાપતા

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેપ્ટન સંજિતની ફાઇલ તસવીર. - Divya Bhaskar
કેપ્ટન સંજિતની ફાઇલ તસવીર.
  • 1997માં લખપતના રણમાં પેટ્રોલિંગ વખતે કેપ્ટન અને લાન્સ નાયક પરત આવી જ ન શક્યા
  • બન્ને જવાનને પાક.ના હૈદરાબાદમાં પૂછપરછ માટે લઈ ગયા બાદ કોઈ વિગતો નહીં, પાકિસ્તાન આવા કોઈ કેદીની વાત સ્વીકારતું નથી

દેશ હાલ 1971ના યુદ્ધના ભવ્ય વિજયની સુવર્ણ જયંતી ઊજવી રહ્યું છે, પરંતુ આ ઉજવણીમાં ભારતના લાપતા સૈનિકોના પરિવારોનું દુ:ખ ભૂલવા જેવું નથી. 1971 યુદ્ધમાં તો ભારતના અનેક જવાનો લાપતા બન્યા હતા, પરંતુ એ પછી પણ લાપતા થયેલા અનેક ભારતીય સૈનિકો અને અર્ધલશ્કરી જવાનો પાકિસ્તાની જેલમાં નર્ક જેવી સ્થિતિમાં જીવી રહ્યા છે. તેઓ જીવિત છે કે નહીં એની માહિતી જવાનોના પરિવાર તો ઠીક ખુદ સરકારને પણ નથી.

23 વર્ષ પહેલાં કચ્છની બોર્ડર પરથી લાપતા થઈને પાકિસ્તાન પહોંચી ગયેલા લશ્કરના કપ્ટન સંજિત ભટ્ટાચાર્યજી અને એક લાન્સ નાયક રામ બહાદુર થાપાનો 23 વર્ષ બાદ પણ હજુ સુધી કોઇ પત્તો લાગ્યો નથી. તાજેતરમાં લાપતા કેપ્ટનનાં બહેને ફરી વડાપ્રધાન મોદી સમક્ષ સોશિયલ મીડિયાના માધ્યમથી ભાઇને શોધવાની વિનંતી કરતાં મામલો તાજો થયો છે.

આ મામલાની વિગત એવી છે કે વર્ષ 1997ની 19મી એપ્રિલની રાત્રિએ નિયમિત પેટ્રોલિંગ માટે ભારતીય જવાનોની એક ટુકડી સરહદ પર નીકળી હતી. ત્યારે પિલર નં. 1162થી 1165 વચ્ચે રણમાં અચાનક પાણી વધતાં કેપ્ટન સંજિત ભટ્ટાચાર્યજી તથા લાન્સ નાયક રામ બહાદુર થાપા લાપતા બની ગયા હતા. જ્યારે અન્ય 15 જવાનો પરત આવવામાં સફળ રહ્યા હતા. આ દરમિયાન કેપ્ટન સંજિત અને લાન્સ નાયક થાપાને પાકિસ્તાની માછીમારોએ બચાવી લઇ પાકિસ્તાની આર્મીને હવાલે કર્યા હતા. ત્યાર બાદ બન્ને ભારતીય સૈનિકની પૂછપરછ માટે સિંધના હૈદરાબાદ લઇ જવાયા હતા. ત્યાર બાદ આ બન્ને સૈનિકની કોઇ વિગત બહાર આવી નથી. કેપ્ટનના પરિવારે સરકારમાં અનેક વખત રજૂઆત કરી, પણ કોઇ માહિતી મળી શકી નથી.

આ મામલાને હવે 23 વર્ષ વીતી ગયા છે. પોતાના પુત્રની 23 વર્ષની રાહ જોયા બાદ સંજિતના પિતા નવેમ્બર માસમાં આ દુનિયાથી વિદાય લઇ ગયા છે, પરંતુ તેમનાં માતા હજુ પણ પુત્રની રાહ જોઇ રહ્યા છે. હવે સંજિતનાં બહેને પણ ભાઇ અંગે તપાસ કરવા વડાપ્રધાન પાસે સહાયતા માગી છે. દેશની રક્ષા માટે લાપતા થયેલા પોતાના ભાઇ મુદ્દે કોઇ પગલાં ભરવા સોશિયલ મીડિયા પર સુસ્મિતા ભટ્ટાચારજીએ માગ કરી છે.

ભારત સરકારે યાદી આપી, પણ પાકિસ્તાનનો સ્પષ્ટ ઇનકાર: કહ્યું જલમાં જ નથી
સરકારે વખતોવખત જેલમાં કેદ લાપતા કેદીઓની યાદી પાકિસ્તાનને સોંપી છે, પરંતુ પાકિસ્તાન હંમેશાં આવા કોઇ કેદી પોતાની જેલમાં નથી એવું જણાવી દે છે. છેલ્લે, ચાલુ વર્ષના ફેબ્રુઆરીમાં લોકસભામાં પણ વિદેશ મંત્રાલય દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી હતી, જેમાં યુદ્ધ કેદીઓ સહિત કુલ 83 રક્ષા કર્મચારી પાકિસ્તાની જેલમાં બંધ હોવાનું કહેવામાં આવ્યું હતું. જોકે પાકિસ્તાને આ કેદીઓની વાતનો સ્વીકાર કર્યો નથી.

2005માં સરકારે મૃત જાહેર કરી 2010માં ફરી લાપતાની યાદીમાં સામેલ કર્યા !
વર્ષ 2005માં સરકારે સંજિતને મૃત જાહેર કરી દીધો હતો. તેવામાં વળી 2010માં રાષ્ટ્રપતિના કાર્યાલય તરફથી પરિવારને એક પત્ર મળ્યો હતો, જેમાં કેપ્ટન સંજિત ભટ્ટાચારજી સરકારે લાપતાની યાદીમાં સામેલ કરી દીધા છે, જે પાકિસ્તાની જેલમાં છે.

અન્ય સમાચારો પણ છે...