સામાન્ય બાબતમાં મારામારી:રાપરમાં ઘોડીના માલિક પાસે એક શખ્સે સવારી કરવાની માગ કરી, માલિકે ના પાડી તો માર માર્યો

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપી ફરિયાદીના ઝભ્ભાનું ખિસ્સું તોડી એક હજાર રૂપિયા લઈ ગયો

કચ્છના રાપરમાં ઘોડીના માલિક પાસે એક વ્યકિતએ આંટો મારવા માટે ઘોડી માગી હતી. પરંતુ, ગોડીના માલિક દ્વારા ઈન્કાર કરી દેતા ઉશ્કેરાયેલા શખ્સે ઘોડીના માલિક પર હુમલો કર્યો હતો. આ મામલે હુમલો કરનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

રાપર નગરના અયોધ્યાપુરી વિસ્તારના હનુમાન વાસ ખાતે રહેતા 42 વર્ષીય પ્રકાશ નવીનચંદ્ર સોની પોતાના ઘરેથી ઘોડી પર નીકળી વાડીએ કામસર ગયા હતા. વાડીએથી ફરતી વેળાએ અયોધ્યાપુરી સર્કલ પાસે આરોપી દશરથસિંહ પ્રતાપસિંહ સોઢાએ તેમની ઘોડીનો આંટો મારવાની માગ કરી હતી. ફરિયાદીએ ઘોડી બીમારી હોવાનું જણાવી ઘોડીનો આંટો મારવાની ના કહેતા આરોપીએ ગાળો બોલી ઘર સુધી પીછો કરી ફરિયાદી સાથે મારકૂટ કરી હતી. આ વેળાએ ઝઘડામાં ફરિયાદીની પત્ની વચ્ચે પડતા તેમને પણ આરોપીએ ધક્કો મારી જમીન પર પાડી દીધા હતા.

આરોપીએ ફરિયાદીએ પહેરેલા ઝભ્ભાનું ખિસ્સું તોડી તેમાં રહેલા 1 હજાર રૂપિયા લઈ ફરાર થઈ ગયો હોવાની ફરિયાદ રાપર પોલીસ મથકે નોંધાઇ છે. પોલીસે ઘોડો ચાલવવાના શોખીન આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...