તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેકેશન પૂર્ણ છતાં વેકેશન:આજથી પ્રાથમિક શાળામાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે

રાયધણજર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓફલાઇન શૈક્ષણિક કાર્ય કરાવાનું હોવાથી છાત્રો રહેશે ગેરહાજર

આવતી કાલથી પ્રાથમિક શાળામાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ રહી છે. પરંતુ, કોરોના મહામારીના કારણે હજી સતત બીજી વખત શૈક્ષણિક સત્રના પ્રારંભે વિદ્યાર્થીઓના “ચલો સ્કુલ ચલે હમ” નહિ સંભળાય. ગત 2020ના જૂન મહિનાથી તમામ શાળાઓ વિદ્યાર્થીઓના કલરવ વિના સુમસામ થઈ ગઈ હતી. પરંતુ, શાળામાં અભ્યાસ સમય દરમિયાન સતત રણકાર કરતાં શાળાના ઘંટનો રણકાર હજી પણ સાંભળવા નહીં મળે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગત વર્ષે શાળામાં પહેલા ધોરણથી પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓ કોરોનાના કારણે શાળાઅે એક દિવસ પણ જઈ શક્યા નહોતા.

જોકે, શાળા દ્વારા ઓન લાઇન શિક્ષણ, ઘરે શીખીએ, યુ ટ્યુબ લિંક, તેમજ બાયસેગ ચેનલ વગેરે રીતે શિક્ષણ મેળવતા હતા. ત્યારબાદ માસ પ્રમોશન મેળવી બીજા ધોરણમાં પ્રવેશ પણ મેળવી ચુક્યા છે. ગત શૈક્ષણિક વર્ષમાં ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ શાળામાં શિક્ષકો મારફતે એક દિવસ પણ પ્રત્યક્ષ શિક્ષણ મેળવી શક્યા નથી. વચ્ચેના સમયમાં પરિસ્થતિ થાળે પડતાં ફેબ્રઆરી માસથી એપ્રિલ માસના પ્રથમ સપ્તાહ સુધી ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓને શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ અપાયું હતું.

પરંતુ, કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં ચિંતાજનક સતત વધારો થતાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ કરવાની ફરજ પડી હતી. ત્યારબાદ કોરોનાના કારણે પ્રત્યક્ષ વાર્ષિક મૂલ્યાંકન પણ થઈ શકે એવા સંજોગો ન હોવાથી તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન સાથે ઉપલા ધોરણમાં ચઢાવી દેવાયા છે.

કોરોના મહામારીના કારણે બાળકોને પ્રત્યક્ષ શિક્ષણ અને વાસ્તવિક હાજરી બાબતે તંત્ર દ્વારા, જાહેર આરોગ્યના હિતને ધ્યાનમાં લઈને કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આવતી કાલથી નવા સૈક્ષણિક સત્રની શરૂઆત થઈ રહી છે. પરંતુ, કોરોનાના કારણે શાળામાં વિદ્યાર્થીઓની વાસ્તવિક હાજરી હાલના સંજોગોમાં જોવા નહીં મળે. અલબત્ત, વિદ્યાર્થીઓ માટે ગત વર્ષની જેમ ઓન લાઇન શિક્ષણ ચાલુ કરી દેવામાં આવશે.

છાત્રોને શાળામાં બોલાવવા નહીં
રાજ્ય સરકાર દ્વારા અન્ય કોઈ સૂચના ન મળે, ત્યાં સુધી ઓનલાઇન શિક્ષણ કાર્ય ચાલુ રાખવાનું રહેશે. કોઈ પણ સંજોગોમાં વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવામાં રહેશે નહીં. તેવું ગુજરાત રાજ્યના રાજ્યપાલના હુકમથી અને તેમના નામે, નાયબ સચિવ શિક્ષણ વિભાગ દ્વારા લેખિત આદેશ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...