ખાતરી:દેવ દિવાળી સુધી નર્મદાના વધારાના પાણીના કામોના ટેન્ડરો બહાર પડી જશે: : ડો. નિમાબેન આચાર્ય

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચ્છના હકનું નર્મદાનું પાણી અને તેના કામો ઝડપથી પૂર્ણ થાય તે મારો સંકલ્પ : ડો. નિમાબેન અાચાર્ય

કચ્છના હકના અને લાંબા સમયથી વિલંબિત અેવા નર્મદાના વધારાના અેક મિલિયન અેકર ફીટ પાણીના કામો ઝડપથી શરૂ થાય તે મારી પ્રથમ અગ્રતા અને સંકલ્પ છે તેવું ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ બનનારા અને ભુજના ધારાસભ્ય ડો.નિમાબેન અાચાર્યઅે ભુજ દિવ્યભાસ્કર કાર્યલય ખાતે જણાવ્યું હતું. પોતાની વાત પર કાયમ રહેતા ડો.અાચાર્યઅે ખાતરી અાપી હતી કે અધ્યક્ષ બન્યા બાદથી જ તેઅોઅે નર્મદાના કામોને અગ્રતા અાપી છે. અને સતત મોનીટરીંગ કરી રહી છું. જેના કારણે હવે અંદાજે 1084 કરોડન કામો માટે દિવાળી બાદ પૂનમના ટેન્ડરીંગ પ્રક્રિયા પણ શરૂ થઇ જશે તેવો સધીયારો નર્મદા નિગમ દ્વારા તેમને અાપવામાં અાવ્યો છે. અેટલું જ નહીં મુખ્યબ્રાન્ચ કેનાલનું કામ પણ પૂર્ણતા ભણી છે અને મુન્દ્રાના ભુજપુર સુધી ટૂંક સમયમાં પાણી પહોંચવાની સાથે શિણાય ડેમને નર્મદાના નીરથી ભરવાની કામગીરીનો શુભારંભ મુખ્યમંત્રીના હસ્તે કરાશે.

કચ્છમાં પાંચટર્મથી ધારાસભ્ય પદે ચૂંટાઇ રહેલા નિમાબેન વિધાનસભા અધ્યક્ષ બનતા હાલ કચ્છભરમાં તેઅોનું જુદા-જુદા સભાજ દ્વારા સન્માન કરાઇ રહ્યું છે. ત્યારે તેઅોઅે જણાવ્યું હતું કે, અધ્યક્ષ બનતાની સાથે કચ્છના પ્રાણ પ્રશ્નો નર્મદાના પાણી, ભુજોડી અને ભચાઉ અોવરબ્રિજ, સ્મૃતિવન સહિતના કામો ઝડપથી પૂર્ણ થાય તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

કચ્છ માટેના નર્મદાના વધારાના નીર અંગે નર્મદા નિગમના અધિકારીઅો સાથે ઉપરા-ઉપરી બેઠકો કરી ટેન્ડરો સહિતની પ્રક્રિયાને અાખરી અોપ અાપી દેવાયો છે. અધિકારીઅોને અેસ્ટિમેન્ટ બનાવી ઝડપથી કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરાઇ છે. તો કચ્છ મુખ્ય બ્રાન્ચ કેનાલનું કામ થોડી જગ્યાઅે ફળાઉ ઝાડ વળતરના લીધે અટક્યું હતું. તે અંગેના પ્રશ્નો પણ હલ કરી સમાધાન થઇ ગયું છે. અેટલા માટે જ અાગામી અેકાદ મહિનામાં જ નર્મદાના પાણી મુન્દ્રાના ભુજપુર સુધી પહોંચાડવાની તૈયારી છે. અેટલું જ નહીં શિણાય ડેમ પણ નર્મદાના પાણીથી ભરાવવાના કામની શરૂઅાત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હાથે કરાશે. નર્મદાના કામોની સાથે ભુજોડી-ભચાઉ અોવરબ્રિજ અને સ્મૃતિવનના કામોમાં પણ ઝડપ અાપે તે પ્રાથમિકતા છે. તેના માટે અધ્યક્ષ બન્યા બાદ કલેક્ટર સાથે પણ કેટલીક બેઠકો કરવામાં અાવી છે.

દુધઇ સબ બ્રાન્ચ કેનાલથી પાઇપલાઇન પાથરી ડેમો ભરાશે
દુધઇ સબ બ્રાન્ચ કેનાલનું 23 કિમીનું કામ પૂર્ણ થઇ ગયું છે. અા કામ અોપન કેનાલમાં જ થશે. અા વિસ્તારમાં જમીન ફળદ્રુપ બને અને પાણી જમીનમાં ઉતરે તેથી પાઇપલાઇન નહીં પણ અોપન કેનાલ જ બનાવવામાં અાવશે. ત્યારબાદ અા કેનાલમાંથી પાઇપ લાઇનો વડે રૂદ્રમાતા ડેમ સહિતના જળાશયો વધારાના પાણીમાંથી ભરવાની યોજના છે.

ગૃહની કાર્યવાહી તટસ્થ અને શિસ્તથી થાય તેનું ધ્યાન રાખીશ
અધ્યક્ષ પદની જવાબદારી અંગે બેહેને જણાવ્યું હતુ કે ગૃહ તટસ્થ રીતે, બંધારણ મુજબ ચાલે તેવી રીતે સંચાલન કરીશ. લોકશાહી ઢબે ગૃહમાં ચર્ચા થાય, કાયદા બને અને તમામ સભ્યોને સંતોષ થાય તેવી રીતે કાર્યવાહી કરાશે. તો બીજીબાજુ ગૃહની ગરિમા પણ જળાવાય તે જરૂરી છે. જો સભાગૃહની ગરિમાને અાંચ અાવશે તો બીલકુલ નહીં ચલાવું અને નિયમ મુજબ કાર્યવાહી કરીશ.

અન્ય સમાચારો પણ છે...