તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જેલ સુધારણા કદમ:પાલારા-ગળપાદર જેલના તમામ કેદીઓને ટેલિફોનબુથની સુવિધા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કેદીઓ વચ્ચે એકસૂત્રતા આવશે,ચોરીછુપે મોબાઈલ રાખવાનું દુષણ અટકશે
  • અગાઉ બળાત્કાર, આતંકવાદ, લૂંટ, હત્યા સહિતના ગુનાઓમાં સંડોવાયેલા કેદીઓને ટેલિફોન સેવાનો હતો પ્રતિબંધ

રાજ્યની જેલોમાં સજા કાપતા કેદીઓને અત્યારસુધી અમુક શરતોને આધારે ટેલિફોનની સુવિધા મળતી હતી તેમાં પણ અમુક ગુનામાં સંડોવાયેલા કેદીઓને ટેલિફોન કરવા પર પ્રતિબંધ હતો જેથી અમુક કેદીઓ વાત કરવા માટે ચોરીછુપે મોબાઈલ મેળવતા હતા ત્યારે આ દુષણને કાયમી રીતે ડામવા માટે નવો પ્રયાસ કરવામાં આવ્યો છે હવેથી કચ્છ સહિત રાજ્યભરની જેલોમાં સજા કાપતા કાચા અને પાકા કામના તમામ કેદીઓને ટેલિફોન બુથની સુવિધા મળશે જેની અમલવારી પાલારા અને ગળપાદર જેલમાં શરૂ પણ થઈ ગઈ છે.

આ અંગેની વિગતો મુજબ,રાજ્યમાં ગૃહ વિભાગ દ્વારા વર્ષ 2014માં ઠરાવ પસાર કરી બંદીવાનોને ટેલિફોન બુથની સુવિધા આપવાનો નિર્ણય કરાયો હતો તે સમયે અઠવાડિયામાં બે વખત સુવિધા અપાતી હતી બાદમાં 2017 માં આ સુવિધા ત્રણ વખત આપવામાં આવતી હતી.

પણ આ નિર્ણયમાં અમુક કેદીઓને બાકાત રખાયા હતા જેમાં પ્રથમ વખત સજા ભોગવતા,પ્રથમ વખત જેલમાં આવતા બંદીવાનો ઉપરાંત દેશવિરોધી ગુના,અરાજકતા ફેલાવી હોય, આતંકવાદી પ્રવુતિ,ખંડણી-અપહરણ, હત્યા, એસિડ એટેક, લૂંટ, બળાત્કાર, એનડીપીએસ, હથિયાર સહિતના વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા અપરાધિઓને આ સેવા આપવામાં આવતી ન હતી દરમિયાન કોવિડના સમયગાળામાં રૂબરૂ મુલાકાતો અટકી ગઈ હતી જેથી કેદી અને પરિવાર વચ્ચે સંપર્ક ન તૂટે અને માનસિક પરિસ્થિતિ મજબૂત રહે એ માટે તમામ કેદીઓને ટેલીફોન બુથની સેવા આપવાનો નિર્ણય કર્યો હતો.

જોકે કોવિડનું સંક્રમણ ઘટી જતાં તાજેતરમાં જ ફરી જૂનો નિયમ અમલી બનાવાયો હતો પરંતુ જેલોના વડા દ્વારા સરકારમાં રજૂઆત કરાતા આ નિર્ણયને હવે કાયમી કરવામાં આવ્યો છે જેથી હવે તમામ કાચા - પાકા કામના કેદીઓ અઠવાડિયામાં ત્રણ વખત પોતાના સ્વજન અને વકીલ સાથે પાંચ મિનિટ (એક વખત માટે) વાતચીત કરી શકે છે આ નિર્ણયથી બંદીવાનોમાં પણ ખુશી વ્યાપી ગઈ છે.

નોંધનીય છે કે,એક કેદીને ટેલિફોનની સુવિધા મળે અને બીજા કેદીને સુવિધા ન મળે તો તે પોતાના પરિચિત સાથે વાત કરવા માટે ચોરીછુપે મોબાઈલ મેળવવાનો પ્રયાસ કરશે આ નિર્ણયથી તમામ કેદીઓને છૂટ મળતી હોવાથી ચોરીછુપે મોબાઈલ રાખવાનું દુષણ મહદઅંશે અટકી જશે તેવું માનવામાં આવે છે.

ટેલિફોન અને ઇ-મુલાકાતના નિયમોમાં થયા ફેરફાર, ફોન કરવા કેન્ટીનમાંથી રૂ.5 નું કુપન લેવું પડે : પાલારા જેલ અધિક્ષક
પાલારા ખાસ જેલના અધિક્ષક રાજેન્દ્ર રાવે જણાવ્યું કે,વર્ષ 2014ના ઠરાવની શરતમાંથી 11 અને 12 નંબરની શરત રદ કરાઈ છે સાથે ટેલિફોન અને ઇ મુલાકાત માટેના નિયમોમાં સુધારા કરવામાં આવ્યા છે 25 ઓગસ્ટ 2021ના પરિપત્રથી કોઈ પણ કેદી અઠવાડિયામાં ત્રણ વખત પોતાના સ્વજન અને વકીલ સાથે પાંચ મિનિટ સુધી વાત કરી શકે છે જેઓના નંબર અગાઉથી જેલમાં નોંધાયેલા હોય છે.

ફોન કરવા માટે કેદીએ જેલની કેન્ટીનમાંથી રૂ.5 નું કુપન લેવું પડે છે જેથી તે પાંચ મિનિટ વાત કરી શકે ઉપરાંત જેલમાં આવતા કેદીઓ માનસિક રીતે સ્વસ્થ બને અને જેલમાંથી બહાર જાય ત્યારે રોજગારી મેળવવા સક્ષમ હોય અને આદર્શ નાગરિકની રીતે જીવન વિતાવે એ માટે કેદી સુધારણા કાર્યક્રમ પણ પાલારામાં ચાલુ હોવાનું જણાવ્યું હતું.

ફોન રેકોર્ડીંગ થાય છે તેની કેસેટ પણ બને છે : ગળપાદર જેલ અધિક્ષક પૂર્વ કચ્છની ગળપાદર જેલના અધિક્ષક ડી.એમ.ગોહિલે જણાવ્યું કે,કેદીઓ જેની સાથે વાત કરવા ઇચ્છતા હોય તે સ્વજન અને વકીલનો નંબર અમારી પાસે નોંધાયેલ હોય છે તેમાં જ તે વાત કરી શકે છે જો નંબર ન લાગે તો બીજા મોબાઈલ નંબર લગાવી અપાય છે કેદીઓ જેમની સાથે વાત કરે છે તે ટેલિફોન રેકોર્ડીંગ થાય છે અને તેની કેસેટ પણ બને છે જે પુરાવા રૂપે સાચવી રાખવામાં આવે છે તમામ કેદીઓને ટેલિફોનબુથની સુવિધા આપવાની અમલવારી જેલમાં શરૂ થઈ ગઈ છે વધુમાં વિડિઓ કોલથી અઠવાડિયામાં એક વખત 15 મિનિટ સુધી ઇ મુલાકાત પણ આપવામાં આવે છે.કેદીઓ જેલમાં રહી પરિવાર સાથે સંપર્કમાં રહે છે. બંને જેલોમાં 640 કેદી કાપે છે સજા પાલારા જેલના અધિક્ષક રાજેન્દ્ર રાવ સાથે વાતચીત કરતા તેઓએ કહ્યું કે,હાલમાં જેલમાં 320 કેદીઓ સજા કાપે છે જેમાં 242 કાચા કામના અને 56 પાકા કામના તેમજ 22 અટકાયતી કેદીઓ મળી કુલ 310 પુરુષ અને 10 સ્ત્રી કેદીનો સમાવેશ થાય છે તેવું ઉમેર્યું હતું તો ગળપાદર જેલના અધિક્ષક ડી.એમ.ગોહિલે જણાવ્યું કે,હાલ જેલમાં 304 પુરુષ અને 16 મહિલા કેદી સજા કાપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...