ટેક્સ:એસટીના કર્મીઓના પીએફના 2.5 લાખથી વધુ થશે તો વ્યાજ પર ટેક્સ

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટેક્સ મર્યાદામાં અાવવા ન માંગતા હોય અેમને વિકલ્પો અપાયા
  • નિગમની મધ્યસ્થ કચેરીના મુખ્ય હિસાબી અધિકારી વાકેફ કર્યા

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની મધ્યસ્થ કચેરીના મુખ્ય હિસાબી અધિકારીઅે તમામ વિભાગીય નિયામકોને પત્ર લખી જણાવ્યું હતું કે, ભવિષ્યનિધિની કપાત પૈકી કર્મચારીનો પોતાનો ફાળો અને સ્વૈચ્છિક કપાતની રકમ 2 લાખ 50 હજારથી વધુ થશે તો તેના ઉપર મળવાપાત્ર વ્યાજની રકમ કરપાત્ર ગણાશે, જેથી ટેકસ કાપવાનો રહેશે. જોકે, ટેક્સ મર્યાદામાં અાવવા ન માંગતા હોય અેમને બે વિકલ્પો પણ સૂચવાયા છે.

પત્રમાં જણાવાયું છે કે, અાર.પી.અેફ.સી. કચેરી દ્વારા પી.અેફ. ટ્રસ્ટના ઈ-મેઈલથી જણાવાયા મુજબ, મિનિસ્ટ્રી અોફ ફાઈનાન્સ (ડિપાર્ટમેન્ટ અોફ રેવન્યૂ)અે 2021ની 31મી અોગસ્ટે નોટિફિકેશન પ્રસિદ્ધ કર્યું છે, જેમાં થયેલા સુધારા મુજબ કર્મચારીની ભવિષ્યનિધિની કપાપ પૈકી કર્મચારીનો પોતાનો ફાળો અને સ્વૈચ્છિક કપાતની રકમ 2 લાખ 50 હજારથી વધુ થશે તો તેના ઉપર મળવાપાત્ર વ્યાજની રકમ કરપાત્ર ગણાશે અને નિયમોનુસાર ટેક્સ કાપવાનો રહેશે.

હાલમાં કાર્યરત પદ્ધતિ મુજબ દર માસે સભાસદના પગારમાંથી કર્મચારીના ભવિષ્યનિધિને સંલગ્ન કપાતો શિડ્યૂલ દ્વારા અત્રે પી.અેફ. ટ્રસ્ટને મોકલી અાપવામાં અાવે છે. જે મુજબ સભાસદના ખાતામાં જમા કરવામાં અાવે છે. પરંતુ, હવે નાણાકીય વર્ષમાં જે માસથી સભાસદની ભવિષ્યનિધિની કપાત પૈકી કર્મચારીનો પોતાનો ફાળો અને સ્વૈચ્છિક કપાતની રકમ 2 લાખ 50 હજારથી વધુ થાય તે માસથી વધારાની રકમ ઉપર મળવાપાત્ર વ્યાજની રકમમાંથી નિયમાનુસાર ટેક્સ કપાત કરવાની રહે છે. નાણાકિય વર્ષ 2021/22માં નિયત મર્યાદાથી વધુ કપાત થયેલ હોય અને જો સભાસદો ટેક્સ મર્યાદામાં અાવવા માંગતા ન હોય તો સ્વૈચ્છિક રીતે પોતાનો વી.પી.અેફ. બંધ કરાવી શકે અથવા ઘટાડો કરી શકે છે, જેથી ટેક્સની જવાબદારી ઊભી ન થાય.

અન્ય સમાચારો પણ છે...