ભુજ નગરપાલિકાને વેરા વસુલાતની અેન્ટ્રી માટે શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ દ્વારા સંચાલિત તેમજ રાજ્ય સ્તરે ગાંધીનગરથી કેન્દ્રિત ઈ-નગર સોફ્ટવેરમાં જોડવામાં અાવી છે. પરંતુ, અેન્ટ્રી થતી નથી, જેથી વેરા સ્વીકારવાની તારીખ 18મી પછી હવે 25મી અેપ્રિલે મુદ્દત પડી છે.
ભુજ નગરપાલિકા દ્વારા શહેરના મિલકત ધારકો પાસેથી મિલકત વેરો, શિક્ષણ ઉપકરણ, પાણી, ગટર, સફાઈ, દિવાબત્તી સહિતના ચાર્જ ઉપરાંત વ્યવસાયિકો પાસેથી વ્યવસાય વેરા વસુલાય છે. જેની ચાલુ હિસાબી વર્ષ 2022/23ની અેપ્રિલથી માર્ચ 12 માસ સુધી વસુલાત શરૂ કરવાની છે. જેની હજુ સુધી ભુજ નગરપાલિકાના સોફ્ટવેર મારફતે અોન લાઈન અેન્ટ્રી થતી હતી. પરંતુ, હવે રાજ્ય સ્તરેથી શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ગાંધીનગરથી ઈ-નગર સોફ્ટવેર મારફતે અોન લાઈન અેન્ટ્રીથી જોડાણ કરાયું છે.
પરંતુ, રાજ્ય સ્તરેથી હજુ સુધી ભુજ નગરપાલિકાને ઈ-નગર અોન લાઈન સોફ્ટવેરથી સાંકળવામાં સફળતા મળી નથી, જેથી નિયમિત વેરા ભરપાઈ કરતા કરદાતાઅો દરરોજ ધક્કા ઉપર ધક્કા ખાઈ રહ્યા છે. સરકારી તંત્રના વાંકે નગરપાલિકાને લાખોની અાવક અને અાવક ઉપર વ્યાજ ખોવાનો વખત અાવ્યો છે.
ઈ-નગર કામ નહીં લાગે તો 15ને બદલે 10 ટકા રાહત
ગાંધીનગરથી કેન્દ્રિત ઈ-નગર સોફ્ટવેર કામ નહીં લાગે અને ભુજ નગરપાલિકાના સોફ્ટવેર મારફતે અોન લાઈન અેન્ટ્રી કરવાનો વખત અાવશે તો કરદાતાઅોને 15 ટકાને બદલે 10 ટકા બાદ મળશે. અામ, 5 ટકાની ખોટ જશે. જોકે, અગાઉના વેરા ભરપાઈ થયા હોય તો કરદાતાઅો મે મહિના સુધી રાહતનો લાભ લઈ શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.