વેક્સિનેશન:કચ્છમાં 7 દિ’માં 2.59 લાખ ડોઝ આપવા ટાર્ગેટ

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હર ઘર દસ્તક અભિયાન અંતર્ગત 20 દિવસમાં જે કામગીરી ન થઈ તે હવે સપ્તાહમાં કરવાનો આદેશ

કચ્છ જિલ્લામાં કોરોના રસીકરણ અભિયાનને આગળ વધારવા માટે તંત્ર દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ અને તબિબો પણ વેકસીનેશન અભિયાનના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે મહેનત કરી રહ્યા છે ત્યારે બીજા ડોઝથી વંચિત હોય તેવા લાભાર્થીને રસી આપવા માટે જિલ્લામાં ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જેમાં આગામી 7 દિવસમાં 2.59 લાખ લોકોને રસી આપવાનો લક્ષ્યાંક અપાયો છે.જોકે હર ઘર દસ્તક અભિયાન અંતર્ગત 20 દિવસમાં જે કામગીરી ન થઈ તે હવે સપ્તાહમાં કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.એકતરફ રસીકરણની કામગીરી મરજિયાત છે. બીજી તરફ તંત્રને ફરજિયાત વેકસીનેશન માટે દબાણ કરવામાં આવે છે.જે વલણને લઈને કચવાટ પણ ફેલાયો છે.

આ અંગેની વિગતો મુજબ, જે લોકોએ પ્રથમ ડોઝ ન મુકાવ્યો હોય તેમજ બીજા ડોઝની મુદત વીતી જવા છતાં રસી ન લીધી હોય તેવા લોકોને વેકસીન આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 3 નવેમ્બર થી 30 નવેમ્બર સુધી હર ઘર દસ્તક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જોકે આ અભિયાન હેઠળ આરોગ્ય કર્મચારીઓ ઘર ઘર ફરી રહ્યા છે છતાં લોકો રસી મુકાવતા નથી.રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોર્પોરેશન અને જિલ્લાઓમાં 24 નવેમ્બરથી 30 નવેમ્બર સુધીના સપ્તાહ દરમ્યાન રસીકરણનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે.આખા રાજ્યમાં 60 લાખ ડોઝ 1 સપ્તાહમાં આપવાનું આયોજન છે.જેમાં કચ્છમાં આ 7 દિવસ દરમ્યાન 2,59,000 રસીના ડોઝ આપવાનો ટાર્ગેટ અપાયો છે. આ સંખ્યા પ્રથમ ડોઝ બાકી હોય અને બીજો ડોઝ ડયુ હોય તેવા લાભાર્થીઓની છે. દરમ્યાન જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તમામ તાલુકા હેલ્થ ઓફિસર,પીએચસી અને સીએચસીના મેડિકલ ઓફિસરને હર ઘર દસ્તક અભિયાનની એસઓપી મુજબ રસીકરણનું માઈક્રો પ્લાનિંગ કરી તે મુજબની કામગીરી કરવા જણાવાયું છે.

ઘરે ઘરે રસીમા વેકસીનનો બગાડ વધ્યો
ઘરે ઘરે રસી આપવા માટેનો તંત્રનો અભિગમ સારો છે પણ અભિયાનની અમલવારીમાં રસીનો બગાડ થઈ રહ્યો છે.કારણકે એક વાયલમાં 10 ડોઝ આપી શકાય.જો ટીમ એક વ્યક્તીને રસી આપવા માટે વાયલનું સિલ તોડે અને આસપાસમાં અન્ય 9 વ્યક્તિઓ કે પૂરતા લાભાર્થીઓ ન મળે તો રસીનું વાયલ ફેઈલ જાય તેમ છે. જેથી વેકસીનનો બગાડ પણ થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...