તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાઉ-તે સામે તૈયારી:કચ્છમાં સંભવિત વાવાઝોડું ત્રાટકવાની શક્યતાના પગલે તંત્ર સાબદૂ, 53 જેટલા ગામોને એલર્ટ કરાયા

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચ્છમાં સંભવિત તાઉ-તે વાવાઝોડું ત્રાટકવાની શક્યતાને પગલે જાનમાલની સુરક્ષા માટે જિલ્લા વહીવટી તંત્ર બન્યું કાર્યશીલ
  • કચ્છના કોસ્ટલ વિસ્તારના 0 થી 5 કિલોમીટરની ત્રીજયામાં આવતા ગામોને કરાયા એલર્ટ

રાજ્યમાં અને ખાસ કરીને સમગ્ર કચ્છ પર તૌકતે વાવાઝોડુ આવવાની સંભાવનાની ભારતીય હવામાન વિભાગ દ્વારા પ્રસારિત કરાયેલા તાજેતરના બુલેટીનના પગલે જિલ્લાના કાંઠાળા વિસ્તારોના સાત તાલુકાના 123 ગામ માટે અગમચેતી અને પૂર્વ તૈયારી રૂપે કરાયેલી વ્યવસ્થા અંગેનો તાગ મેળવવા આ સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ તકે કલેક્ટરએ તમામ તાલુકાના અધિકારીઓ પાસેથી સંભવિત અસર પામે તેવા ગામડા અને લોકોની સંખ્યા,તેમના માટે કોરોનાની ગાઈડલાઈન મુજબ ઉભા કરાયેલ આશ્રયસ્થાનો વગેરેની વિગતો મેળવી હતી. તેમજ તત્કાલ ઘટતી કાર્યવાહી કરવા તાકીદ કરી હતી.

ઉપરાંત કોવિડ હોસ્પિટલ્સમાં ઓક્સિજનના અભાવની સ્થિતી ન સર્જાય તે માટે અગાઉથી ઓક્સિજનનો જથ્થો આરક્ષિત રાખવા જણાવ્યું હતું. તમામ તાલુકાઓમાં રસ્તા પર મોટા હૉર્ડિંગ્સ હટાવી લેવા જે તે તાલુકાના અધિકારીઓને તેમજ આર એન્ડ બી વિભાગને સુચના આપી હતી. પાણી પુરવઠો ન ખોરવાય તે અંગે જરૂરી વ્યવસ્થા ઉભી કરવા પાણી પૂરવઠા વિભાગને સુચના આપી હતી. તમામ વિસ્તારોમાં માછીમારો અને અગરીયાઓ ને સ્થળાંતરિત કરવા માટે તેમજ તેમની તમામ બોટ પરત બોલાવવા માટે ફિશરિઝ ડિપાર્ટમેન્ટને સુચના આપી હતી.

જે અંગે મદદનિશ ફિશરીઝ નિયામક તરફથી જણાવાયું હતું કે આજ સાંજ સુધીમાં તમામ બોટ પરત આવી જશે. કંડલા તેમજ મુંદ્રા ખાતે આવેલા મુખ્ય બે પોર્ટ પર પણ સંભવિત વાવાઝોડા સામેની પુર્વ તૈયારી અંગે પણ સમીક્ષા કરવામાં આવી. કલેક્ટરએ સંભવિત અસર પામનારા સ્થળો પરથી 17મી મે સુધીમાં સ્થળાંતરના આદેશ આપ્યા હતા. જિલ્લામાં NDRF ની બે તેમજ SDRFની એક ટીમની ફાળવણી કરાઇ છે.

મુન્દ્રામાં 32 પરિવારોને ખસેડાયા : નાના જહાજોને પરત બોલાવી લેવાયા
મુન્દ્રામાં પણ સ્થાનિક પ્રશાસન હરકતમાં આવ્યું છે.અને આવનારી સંભવિત વિપદા સામે બાથ ભીડવાની તૈયારીઓ આરંભી દીધી છે.જેના ભાગરૂપે માછીમારો અને નાના વહાણધારકોને દરિયો ન ખેડવાની સપષ્ટ સૂચના અપાતાં સમુદ્રી સફર પર નીકળેલા 200 થી 700 ટન સુધીના નાના જહાજો મુન્દ્રા સ્થિત જુના બંદર ખાતે પરત ફરતા જેટી નજીક વહાણોનો ખડકલો થઇ ગયો છે. જયારે અદાણી પોર્ટ ખાતે વાવાઝોડા સામે આગોતરી તૈયારી રૂપે સરકારના આદેશોનું પાલન કરી માસ્ટર પ્લાન ઘડી કાઢવા બેઠકોનો દોર ચાલુ હોવાનું પીઆરઓ જયદીપ શાહે જણાવ્યું હતું.

ઉપરાંત મુન્દ્રાના નીચાંણ વાળા વિસ્તાર નાગ તલાવડીમાંથી 32 જેટલા પરિવારોનો સુરક્ષિત જગ્યાએ ખસેડી નગરના મુખ્ય માર્ગો પર લાગેલા ભયસૂચક હોર્ડિગ્સ હટાવાવની કામગીરી હાથ ધરાઈ હોવાની બાબત પર સુધરાઈ પ્રમુખ કિશોરસિંહ પરમારે પ્રકાશ પાડ્યો હતો. વિશેષમાં તંત્ર સાથે સ્ટેન્ડ બાય રહેવા માટે રાજ્યની ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ(એસડીઆરએફ)ની યુવા મહિલાઓની ટુકડીને ઉતારવામાં આવી છે. અને તમને બસ સ્ટેન્ડ નજીક આવેલી દરજી સમાજવાડીમાં ઉતારો આપી સુસજ્જ રહેવાનો આદેશ અપાયો હોવાના અહેવાલ સાંપડ્યા છે.

વાવાઝોડાની ચેતવણીના પગલે ભચાઉ APMCમાં ખેતપેદાસ યોગ્ય જગ્યાએ ખસેડાઇ
વાવાઝોડા અને વરસાદની આગાહીના પગલે ભચાઉ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ સ્થાનિક વેપારીઓને ચેતવણી રૂપે વિવિધ તૈયારીઅો કરી હતી. અહીંના ગ્રાઉન્ડમાં રખાયેલા ખેતપેદાસના જથ્થાને યોગ્ય જગ્યાએ ખસેડવા માટે વેપારીઓને સૂચના આપી દેવામાં આવી હતી. વરસાદ વાવાઝોડાથી નુકસાન ન થાય તે હેતુથી આ જથ્થો યોગ્ય જગ્યાએ રાખવા માટે વેપારીઓને તાકીદ કરવામાં આવી હતી.

જખાૈમાં બહારના માછીમાર વતન ચાલ્યા ગયા: સ્થાનિક લોકોનું આજે સ્થળાંતર કરાશે
પ્રાંત અધિકારીએ જખૌ બંદર ખાલી કરવાની સૂચના અાપી હતી. તેવામાં પોલીસ સહિતની સરકારી ટીમો બંદરને ખાલી કરવાની તજવીજ હાથ ધરી હતી. જિલ્લા બહારના મોટાભાગના માછીમારો પોતના વતન જવા રવાના થઈ ગયા છે. પણ અમુક માછીમાર પરિવારો બાકી રહી ગયા હોવાથી તેમનેે રહેવાની તથા સ્થળાંતર માટે વાહનની વ્યવસ્થા કરવાની ખાતરી આપતા માછીમારો પરિવાર સ્થળાંતર માટે રાજી થયા હતા. પોતાનું સમાન અને પોતાના માછીમારીના સાધનો સુરક્ષિત રાખી અને 16/5ના સવારે 11વાગ્યે સ્થળાંતર માટે સૂચના આપવામાં આવી છે તેવુ તેવું પીઅાઇ બારોટે જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...