બાઇક રેલીનુ આયોજન:એકતાનો સંદેશો લઇ પોલીસની 25 બાઇક આજે લખપતથી કેવડીયા માટે પ્રસ્થાન કરશે

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્યામજી કૃષ્ણવર્મા સ્મારક ગયા બાદ બીજે દિવસે ભુજ ટાઉનહોલ ખાતે સ્વાગત

ગુજરાત પોલીસ દ્વારા 31મી ઓક્ટોબરના રાષ્ટ્રીય એકતા દિવસના અનુસંધાને લખતપથી કેવડીયા સુધી બાઇક રેલીનુ આયોજન કરાયુ છે. એકતાનો સંદેશ આપવા માટે યોજાયેલી બાઇક રેલીને લખપતથી આજે મંગળવારના રોજ જિલ્લા કલેકટર, રેન્જ આઇજીપી, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ વડા, અબડાસા ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખની ઉપસ્થિતીમાં ભુજના ધારાસભ્ય 25 બાઇકને લીલીઝંડી આપશે. સાંજે માંડવીના શ્યામજી કૃષ્ણવર્મા સ્મારક પહોંચ્યા બાદ રાત્રી રોકાણ કરી બીજા દીવસે ભુજ ટાઊનહોલ ખાતે સ્વાગત કરવામાં આવશે.

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવા માટે ઇન્ટો તિબેટ બોર્ડર પોલીસ, બીએસએફ, એસએસબી વેસ્ટ બંગાળ, સીઆઇએસએફ, સીઆરપીએફ, તમિલનાડુ પોલીસ, જમ્મુ કાશ્મીર પોલીસ, ગુજરાત પોલીસ મોટરસાઇકલ અને એનએસસી કાર રેલીનું અલગ-અલગ પ્રદેશથી આયોજન કરી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી રેલી પહોંચનાર છે. સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા આપવામાં આવેલા એકતાના સંદેશને વિશ્વ ફલક પર પહોંચાડવાનું હેતુથી આયોજન કરાયું છે. લખપતથી પશ્ચિમ કચ્છ પોલીસની 25 બાઇકને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય પ્રસ્થાન કરાવશે, આ વેળાએ જિલ્લા કલેકટર પ્રવિણી ડીકે, રેન્જ આઇ.જી.પી જે.આર. મોથાલીયા, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને જિલ્લા પંચાયત પ્રમુખ પારુલબેન કારા હાજર રહેશે.

આ બાઈક રેલી સાંજે માંડવીના શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક ખાતે પહોંચશે જ્યાં માંડવી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સ્વાગત કરશે. ત્યાં રાત્રે રોકાયા બાદ બુધવારે ભુજના ટાઉનહોલ ખાતે બાઇક રેલીનું સાંસદ વિનોદ ચાવડાના હસ્તે પ્રસ્થાન કરાવાશે. આ બાઈક રેલી ગાંધીધામ, રાજકોટ, અમદાવાદ, નડિયાદ, આણંદ, ભરૂચ, સુરત થઈ તા. 26મીના કેવડિયા નર્મદા ખાતે પહોંચશે અને વિશ્વ રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમમાં ભાગ લેશે.

અન્ય સમાચારો પણ છે...