બે સૈકા પૂર્વે સ્વામિનારાયણ ભગવાને વડતાલના પંચાળામાં યોજેલા પ્રથમ રાસોત્સવને 200 વર્ષ પૂર્ણ થતાં હોઇ ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિર દ્વારા છતરડી વાળા તળાવમાં શુક્રવારે છઠ્ઠી મેએ મહારાસોત્સવનું આયોજન કરાયું છે. આ ઉત્સવમાં દેશભરના 15 હજાર જેટલા ખેલૈયાઓ ઝુમશે તેની સાથે કચ્છમાં અત્યાર સુધી યોજાયેલા 6 રાસોત્સવની સાથે 51,151 ખેલૈયાઓ રાસ રમ્યા હોય તેવો વિક્રમ સર્જાશે.
ભુજ મંદિરના મહંત પુરાણી સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત ભગવદ્જીવનદાસજી, પાર્ષદવર્ય કોઠારી જાદવજી ભગત આદિ સંતોની પ્રેરણાથી નરનારાયણદેવ યુવક-યુવતી મંડળ દ્વારા યોજાનારો રાસોત્સવ સાંજે 6 વાગ્યાથી શરૂ થશે જેની તડામાર તૈયારીઓ થઇ રહી છે. તળાવને વિવિધરંગી લાઇટોથી સુશોભિત કરાઇ રહ્યું છે. 200 વર્ષ પહેલાં પંચાળમાં યોજાયેલા રાસોત્સવની મનોમન ઝાંખીને નજર સમક્ષ રાખી મંદિરના સંતોએ મહારાસોત્સવનું આયોજન કર્યું છે જેમાં સમગ્ર ભારતના જુદા જુદા શહેરો અને ગામડાઓમાંથી 281 જેટલા ગ્રુપો ભાગ લેશે.
તેમની સાથે 200 સંતો અને 200 સાંખ્ય યોગીબહેનો પણ રમઝટ બોલાવશે. જાદવજી લાલજી વરસાણીના પુત્ર રવીલાલ વરસાણી પરિવારના યજમાન પદે રાસોત્સવ માટે સ્વામી દેવપ્રકાશદાસજી સાથે કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે તેમ સ્વામી કપિલમુનિદાસજીએ જણાવ્યું હતું.
200 વર્ષ પહેલાં ભુજ મંદિરમાં મૂર્તિ સ્થાપિત થઇ
ભુજના સ્વામિનારાયણ મંદિરમાં નરનારાયણ દેવની જે મૂર્તિ છે તેને સ્વયં ભગવાન સ્વામિનારાયણે સ્થાપિત કરી હતી. આગામી વર્ષ 2023માં આ વાતને 200 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે તેને અનુલક્ષી રાસોત્સવનું આયોજન કરાયું છે.
વિવિધ વિભાગના વિજેતાઓને ઇનામથી પ્રોત્સાહિત કરાશે
મહારાસોસ્તવમાં ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા પુરૂષ અને મહિલાઓ માટે બેસ્ટ ફેન્સી ડ્રેસ એવોર્ડ, યુવક અને યુવતીઓ માટે અલગ અલગ બેસ્ટ ખેલૈયા એવોર્ડ આપવામાં આવશે. પ્રથમ, દ્વિતીય અને તૃતિય એ રીતે 12 ગ્રુપ સ્પર્ધકોને વિજેતા જાહેર કરી પારિતોષિકો એનાયત કરવામાં આવશે.
કચ્છમાં આ અગાઉ 6 સ્થળે મહારાસોત્સવ યોજાયા હતા
અગાઉ માધાપર, માંડવી, રવાપર, રામપર, નારાણપર અને માનકૂવા એમ છ સ્થળે મહારાસોત્સવ યોજાઇ ચૂક્યા છે જેમાં અંદાજીત 36 હજારથી પણ વધુ ખેલૈયાઓએ ભાગ લીધો હતો. ભુજમાં યોજાનારા રાસોત્સવમાં 15 હજારથી વધુ લોકો એકસાથે રાસ લેશે તેની સાથે અત્યાર સુધીનો 51,151ના આંકનો વિક્રમ સર્જાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.