કાળઝાળ ગરમી:કચ્છ પર સૂર્ય નારાયણનો પ્રકોપ, કંડલા (એ) 45.2 ડિગ્રીએ ધખ્યું, સમુદ્ર તટે હોવા છતાં કંડલામાં મહત્તમ પારો 44.5 પર પહોંચ્યો

ભુજ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામ-અંજાર વિસ્તાર સતત બીજા દિવસે સર્વાધિક ગરમીથી બેહાલ બન્યો

કચ્છમાં ચાલુ માસની શરૂઆતથી જ સૂર્ય નારાયણનો પ્રકોપ હોય તેમ કાળઝાળ ગરમીમાં લોકો શેકાઇ રહ્યા છે. કંડલા એરપોર્ટમાં મહત્તમ વધુ ઉંચે ચડીને 45.2 ડિગ્રીએ પહોંચ્યું હતું જેના લીધે રાજ્યભરમાં સતત બીજા દિવસે સર્વાધિક ગરમ રહેલા ગાંધીધામ અને અંજાર વિસ્તારમાં આગ ઝરતી ગરમી અનુભવાઇ હતી. રાજ્યમાં બીજા ક્રમે ગરમ રહેલા કંડલા બંદરે મહત્તમ 44.5 પર પહોંચ્યું હતું. ગાંધીધામ અને અંજાર પંથકને આવરી લેતા કંડલા એરપોર્ટ મથકે ગુરૂવારે પડેલી ગરમીનો વિક્રમ બીજા જ દિવસે તૂટ્યો હતો અને શુક્રવારે અધિકત્તમ 45.2 ડિગ્રીએ પહોંચ્યું હતું.

આભમાંથી વરસતી ગરમી અને ધરતી પર ફૂંકાયેલા ગરમ પવનથી લોકો બેહાલ બન્યા હતા. ચૈત્ર માસના પ્રથમ અઠવાડિયામાં જ અગનવર્ષા થઇ રહી છે ત્યારે વૈશાખમાં કેવી હાલત થશે તેવા વિચારે લોકો અકળાયા હતા.સમુદ્ર તટે હોવા છતાં કંડલા બંદરે મહત્તમ પારો એક ઝાટકે 6 આંક ઉંચે ચડીને 44.5 પર પહોંચતાં લોકો રીતસરના શેકાયા હતા. અંગ દઝાડતી ગરમીના કારણે બપોરે માર્ગો સૂમસામ બન્યા હતા. પોર્ટ પર કામ કરતા શ્રમિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

જિલ્લા મથક ભુજમાં ઉંચું ઉષ્ણતામાન એક આંક નીચે ઉતરીને 42.4 રહેતાં ગરમીમાં આંશિક રાહત રહી હતી તેની સાથે રાજ્યના સૌથી ગરમ 10 મથકોની રેસમાંથી શહેર બહાર નીકળી ગયું હતું. જો કે, ન્યૂનતમ 26.6 ડિગ્રી સાથે મોડી રાત્રિ સુધી ગરમીની આણ રહી હતી. નલિયામાં પણ પારો બે ડિગ્રી ઉંચે ચડીને 39 પર પહોંચતાં નગરજનો કાળઝાળ ગરમીથી પરસેવે રેબઝેબ થયા હતા. રણકાંધીના ગામોમાં પણ છેલ્લા સપ્તાહથી વરસી રહેલી અગન વર્ષાના પગલે જન જીવન અસ્તવ્યસ્ત બન્યું છે. મધ્યાહ્ને સૂર્ય નારાય જાણે કોપાયમાન થયા હોય તેવી લૂ ફૂંકાતાં રણકાંધીના ગામો ભઠ્ઠામાં ફેરવાઇ ગયા હતા.

હજુ બે દિવસ ગરમીનું મોજું રહેશે : હવામાન વિભાગ
હવામાન વિભાગે કચ્છમાં ફરી વળેલા ગરમીના મોજાને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તો જિલ્લાના તંત્રે લોકોને ખાસ કરીને બપોરના સમયે કામ વિના બહાર ન નીકળવા અનુરોધ કર્યો છે. કચ્છમાં રવિ અને સોમવારે ગરમીનું મોજું રહેશે ત્યાર બાદ આંશિક રાહત થવાની સંભાવના દર્શાવાઇ છે.

રાજ્યના 10 ગરમ મથકો

કંડલા (એ)45.2
કંડલા44.5
સુરેન્દ્રનગર44.5
અમરેલી44
અમદાવાદ44
ડિસા43.8
ગાંધીનગર43.8
રાજકોટ43.7
કેશોદ43.2
વડોદરા43.2
અન્ય સમાચારો પણ છે...