હાલ કોરોનાની માહામારીને કારણે શાળા કોલોજો બંધ છે અને ઓનલાઇન શિક્ષણનો વ્યાપ વધ્યો છે ત્યારે ઓનલાઇન શિક્ષણ બાબતે એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. ભુજના પ્રમુખસ્વામી નગરમાં ભાટીયાવાડી નજીક રહેતા શ્રીમંત પરિવારમાં ભાઇ બહેન વચ્ચે ઓનલાઇન શિક્ષણ માટે ટેબલોઇટ બાબતે ઝઘડો થતાં નાના ભાઇએ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે.
માહિતગાર સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ પ્રમુખ સ્વામીનગરમાં રહેતા અને મુળ ચીરઇ ગામના મહેન્દ્રસિંહ જાડેજાના એકના એક 15 વર્ષના પુત્ર મનનસિંહ મહેન્દ્રસિંહ જાડેજાએ ગુરૂવારે બપોરે ત્રણ વાગ્યાના અરસામાં પોતાના ઘરના ઉપરના ઓરડામાં પંખા પર દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધો હતો. ભુજની શાંતિનિકેતન સ્કુલમાં દસમાં ધોરણમાં અભ્યાસ કરતા હતભાગી મનનસિંહની મોટી બહેન જે અગ્યારમાં ધોરણમાં અભ્યાસ કરતી હોઇ તે બે કલાકથી ટેબલોઇટ પર ઓનલાઇન શિક્ષણ કરી રહી હતી.
નાના ભાઇ મનનસિંહ બહેનને હવે ટેબલોઇટ મને ભણવા માટે આપ તેવું કહેતા બહેને ટેબલોઇટ આપવાની ના કહેતાં ભાઇ-બહેન બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જેનું મનપર લાગી આવતાં મનનસિંહએ પોતાના ઘરના ઉપરના માળે આવેલા રૂમમાં જઇને પંખા પર ફાંસો ખાઇ આત્માહત્યા કરી લીધી હતી. બનાવની જાણ થતાં પરિવારજનો તેમજ આસપાસ રહેતા લોકોએ બાળકને તાત્કાલિક ભુજની ખાનગી હોસ્પિટલમાં લઇ જતાં હાજર પરના તબીબે મૃતજાહેર કર્યો હતો. બનાવને પગલે પરિવારજનોમાં અરેરાટી સાથે આક્રંદ છવાઇ ગયો હતો. જોકે બનાવ સંદર્ભે આ લખાય છે ત્યાં સુધી કોઇ નોંધ થઇ ન હતી.
ઓનલાઇન શિક્ષણ બંધ કરવા જિલ્લા શિક્ષણ અધિકારી પાસે આક્રોશ
સુત્રોના જણાવ્યા પ્રમાણે કચ્છમાં ઓનલાઇન શિક્ષણ જ્યારથી ચાલુ થયું છે તે પછી છાત્રોના મોતનો આ ચોથો બનાવ બન્યો હોવાનું અને આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ આક્રોસ ઠાલવવામાં આવ્યો હોવાનું અને ઓનલાઇલ શિક્ષણ બંધ કરવા અનુરોધ કરાયો હોવાનું બહાર આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.