નગરપાલિકામાં 4થી અેપ્રિલે ટેન્કર મારફતે મફત પાણી વિતરણ મુદ્દે વિપક્ષ પ્રેરિત મહિલા મોરચા અાવ્યો હતો. જે બાદ પદાધિકારીઅોઅે નગરસેવકો માટે મફત સેવા બંધ કરી વોટર ટેન્કર સપ્લાયની પ્રત્યેક વર્ધીઅે 200 રૂપિયા ચાર્જ નક્કી કર્યો હતો, જેથી 18મી અેપ્રિલ સુધીમાં 1 લાખ 40 હજાર રૂપિયા જેટલી અાવક થઈ ગઈ છે.
વોટર ટેન્કર સપ્લાય બ્રાન્ચ ઉપર કબજો જમાવવા છેલ્લા દોઢ બે વર્ષથી શાસક અને વિપક્ષ નગરસેવકો વચ્ચે મફત ટેન્કર લેવા માટે હોડ જામી હતી, જેથી અવારનવાર અરાજકતા અને તંગદિલી ફેલાતી હતી. 4થી અેપ્રિલે વોર્ડ નંબર 1થી 3માં નળ વાટે નર્મદાના પાણી અાવતા બંધ થયા હતા અને વોટર ટેન્કર સપ્લાયમાં શહેરના નાગરિકોઅે પૈસા ખર્ચીને નોંધાવેલી વર્ધી પેન્ડિંગ પડી હતી. જે વચ્ચે વિપક્ષી નગરસેવકોઅે વોર્ડ નંબર 1થી 3ના નાગરિકોની પાણીની વર્ધીઅો તાત્કાલિક પૂરી કરવા દબાણ કર્યું હતું, જેથી અે દિવસ પૂરતી વોટર ટેન્કર સપ્લાય સેવા જ બંધ કરી દેવાઈ હતી. જે બાદ 4થી અેપ્રિલે વિપક્ષ પ્રેરિત મહિલા મોરચા અાવ્યો હતો.
જેના પગલે નગરપતિ ઘનશ્યામ અાર. ઠક્કરે અન્ય પદાધિકારીઅો સાથે બેઠક યોજી હતી અને નગરસેવકોને વિશ્વાસમાં લઈને મફત વોટર ટેન્કર સપ્લાય સેવા બંધ કરી દીધી હતી. પ્રત્યેક ટેન્કરે 200 રૂપિયા ચાર્જ નક્કી કર્યો હતો. જેના સારા પરિણામો 15 દિવસમાં જ મળવા લાગ્યા છે. વોટર ટેન્કર સપ્લાય બ્રાન્ચ હેડ દક્ષેષ ભટ્ટે જણાવ્યું હતું કે, છેલ્લા 15 દિવસમાં જ 700 વર્ધીઅો નોંધાઈ છે અને તમામને 48 કલાકમાં પાણી પૂરું પાડી દેવાયું છે. અામ, નાગરિકોને સેવા સુલભ થઈ ગઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.