ભુજ શહેરમાં ચોરીના બનાવો વધી રહયા છે તે વચ્ચે શનિવારે સવારે એક વિચિત્ર બનાવ સામે આવ્યો હતો. વિજયરાજજી લાયબ્રેરીમાં એક વિદ્યાર્થી વાંચવા માટે ગયો હતો અને બહાર નીકળ્યો ત્યારે તેની સાઇકલ ચોરાઇ ગઇ હોવાનું માલુમ પડતા પોલીસને જાણ કરી સીસીટીવી કેમેરામાં તપાસતાં સાઇકલ ચોર એક પાગલ જણાંતા સાઇકલ કબજે લઇ લેવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ બનાવ સવારે નવ વાગ્યાથી અગ્યાર વાગ્યાની વચ્ચે બન્યો હતો. એક યુવાન પોતાની સાયકલ લઇ રામધૂન પાસેના પુસ્તકાલયમાં વાંચવા ગયો હતો. અને બહાર તેને સાયકલ પાર્ક કરી હતી. બાદમાં તરત જતી વખતે તેની સાયકલ જોવામાં ન આવતાં તેણે આસપાસ તપાસ કરી હતી. બાદમાં એ ડિવિઝન પોલીસ મથકમાં સાઇકલ ચોરાયાની જાણ કરવા જતાં પોલીસે તાત્કાલિક નેત્રમ સીસીટીવી કેમેરાઓની મદદ લીધી હતી. જેમાં સાઇકલ લઇને જતો એક શખ્સ કેમેરામાં કેદ થઇ ગયો હતો.
જેથી ફરિયાદ માટે આવેલા યુવકને સાથે રાખીને સાઇકલ સાથે શખ્સને પકડી પાડ્યો હતો. આમ તો, ચોરી કે અન્ય કોઇ ફરિયાદ માટે આવનારા અરજદારોને પોલીસ ટાળતી હોય છે . પરંતુ આ ઘટનામાં પોલીસે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરતાં ચોરાઉ સાઇકલ સાથે શખ્સ પકડાઇ ગયો હતો. જો કે, પકડાયેલો શખ્સ ભિક્ષુક અને પાગલ જણાતાં સાઇકલ કબજે લઇ તેને જાવા દેવામાં આવ્યો હતો.
અગાઉ એક નાની સાઇકલ પણ ચોરીને જતો રહ્યો હતો
સુત્રોના જણાવ્યા પ્રમાણે પકડાયેલ શખ્સ પાગલ છે પરંતુ તેની એક માનસિકતા વારંવાર જોવા મળી છે. તે ફરતાં ફરતાં જ્યાં સાયકલ પડી હોય તે ઉઠાવીને હાલતો થાય છે. થોડા દિવસો પહેલા એક નાની સાઇકલ ખેભે ઉચકીને હાલતો થયો હતો. અને લોકોનું ધ્યાન જતાં તેને પકડી પાડ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.