અફવા:વરિષ્ઠ લોકોને મફત મુસાફરીના ખોટા મેસેજથી એસટીમાં પૂછપરછનો દોર

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એસટી કર્મચારી મહામંડળની ઓફિસે પૂછતાછનો મારો થયો

કોરોનાકાળ દરમિયાન દરેકને સોશીયલ મીડીયા પર ઉપયોગી અને બિન ઉપયોગી મેસેજનો ધોધ વહેતો. અફવા ફેલાવતા મેસેજ કે જેને ફેક મેસેજ કહેવાય છે, તે પણ નિરંતર આવતા. આવા મેસેજથી અનેક લોકો ગેરમાર્ગે પણ દોરાયા. આવો જ એક ગેરમાર્ગે દોરતો મેસેજ ગુજરાતભરમાં બે દિવસથી ફરી વળ્યો છે, કે 65 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે એસ.ટી.મહામંડળ દ્વારા સ્માર્ટ કાર્ડ યોજના શરૂ કરવામાં આવી છે અને જે મેળવનાર ચાર હજાર કિલોમીટર સુધીના પ્રવાસ સુધી કોઈ જ ટિકિટ લેવાની જરૂર નથી.

આ મેસેજ ફરતા સ્વાભાવિક જ 65 થી વધુની ઉંમરના લોકો તપાસ માટે મહામંડળની ઓફિસે અથવા તો હોદ્દેદારો અને સભ્યોને ફોન કરવા માંડ્યા. આ અંગે વિગત આપતા એસ. ટી. કર્મચારી મંડળ, ભુજ વિભાગના મહામંત્રી રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ ફેક મેસેજ છે. કોઇએ સાચું નહિ માનવું. આવી કોઈ જ યોજના જાહેર નથી થઈ. માટે કોઈએ ગેરમાર્ગે દોરાવું નહિ.

અમારા મહામંડળે આવી કોઈ જાહેરાત નથી કરી. મેસેજમાં આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ લઇને મહામંડળની ઓફિસે જવા માટે લખ્યું છે, માટે સહેજે સાચું હોવાની છાપ ઊભી થાય. નકલી મેસેજ અનેક ફરતા હોય છે, માટે ખરેખર તો આવા મેસેજ વગર વિચાર્યે ફોરવર્ડ પણ ન કરવા જોઈએ, કે જેથી વધુ લોકો હેરાન થાય.

અન્ય સમાચારો પણ છે...