તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રાંત અધિકારી V/S પોલિટિશિયન:કડક - પ્રામાણિક અધિકારીની બદલી માટે રાજકીય પેંતરા!

ભુજ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાયદા મુજબ કામગીરીના આગ્રહી, પ્રજાલક્ષી કાર્યો માટે સક્રીય એવા
  • ભુજ વિસ્તારના લોકોને વર્ષો બાદ સારા અમલદાર મળ્યા છતાં સતાપક્ષના અમુક નેતાઓની ગેરકાયદે ભલામણમાં દાદ ન આપતાં કેબિનેટમંત્રી સુધી રાવ ખાધી

ભુજ વિભાગ પ્રાંત અધિકારી તરીકે પ્રામાણિક, કાયદા અન્વયે નિયત જોગવાઇ મુજબ કામગીરી કરવાના આગ્રહી અને પ્રજાલક્ષી કાર્યો માટે સક્રીય સનદી અધિકારી મનીષ ગુરવાનીએ સતાપક્ષના અમુક નેતાઓની ગેરકાયદે ભલામણમાં દાદ ન આપતાં અને રોકડું પરખાવી દેતાં, આ અધિકારીની બદલી કરાવવા માટે રાજકીય પેંતરા શરૂ થયા છે અને આ મુદ્દે દબાણ લાવવા માટે તાજેતરમાં ચૂંટણી વખતે કચ્છ આવેલા કેબીનેટ કક્ષાના મંત્રી સમક્ષ પણ રાવ પહોંચાડાઇ હતી. ભુજની પ્રાંત કચેરીમાં નાનામાં નાના માણસની આરોગ્ય, રેવેન્યૂ કે અન્ય વ્યાજબી રજુઆત જો નિયમો કાયદાની નિયત જોગવાઇ મુજબની હોય તો કોઇપણ પ્રકારની ભલામણ વિના તુરત કામગીરી થઇ રહી છે.

વર્તમાન સ્થિતિએ કોરોના મહામારીમાં પણ આ અધિકારીએ સકારાત્મક પગલા લીધા છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ કચ્છમાં 25 વર્ષ પહેલા અનિલ મુકીમ બાદ મનીષ ગુરવાનીએ ગેરકાયદેસર બાંધકામ તેમજ દબાણ દુર કરવામાં મહત્વની ભૂમિકા અદા કરી છે.

સરકારી જમીન પર દબાણ હોય કે પછી મંજૂરી વગરના બાંધકામો ગમે તેવા મોટા માથાઓ કે, રાજકીય નેતાઓના હોય પરંતુ તેમાં પાછીપાની કરાતી નથી. તાજેતરમાં કેટલાક ભુમાફિયાઓ દ્વારા સરકારી જમીન પર દબાણ કરાતાં, કોઇની શેહ શરમ રાખ્યા વિના કરોડોની સરકારી જમીન મુક્ત કરાવી હતી. તેવી જ રીતે ભુજ-મીરજાપર-માધાપરના ધોરીમાર્ગો ઉપરાંત પધ્ધર હાઇવે સુધી મોટા માથાઓ દ્વારા મંજૂરી વગર થતા કોમર્શીયલ બાંધકામો પર રોક લગાવી દીધી છે. અને આવી રીતે ચુકેલા બાંધકામો પર બુલડોઝર ફેરવી દીધા છે.

પૂર્વ રાજકીય હોદ્દેદારે તગડી રકમ મેળવી બાંધકામો પુન : ચાલુ કરાવી દેવાની આપી ખાતરી ?
આ સનદી અધિકારી ગુરવાનીએ ભુજ-માધાપર-શેખપીર રોડ પર થતા બાંધકામો પર રોક લગાવતા કચ્છના એક પૂર્વ રાજકીય અગ્રણી અને હાલ કોઇપણ હોદ્દો ન ધરાવતા અને પોતાને મુખ્યમંત્રીના નજીકના ગણાવતા નેતાએ કેટલાક મોટા ભૂમાફિયાઓ પાસેથી તગડી રકમ મેળવી તેમના ગેરકાયદેસરના બાંધકામો પુન: ચાલુ કરાવી દેવાની ખાતરી આપી હોવાનું કહેવાય છે.

સુત્રોના કહેવા અનુસાર પ્રાંત અધિકારીની બદલી કરાવી દેવાની પણ હૈયાધારણા આપી હોવાના અહેવાલે ભારે ચકચાર જગાવી છે. તાજેતરની અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે પ્રચાર માટે કચ્છ આવેલા રાજ્યના એક સિનીયર મંત્રી સમક્ષ આ પૂર્વ હોદ્દેદાર ઉપરાંત અન્ય રાજકીય અગ્રણીઓએ પ્રાંત અધિકારીની બદલી કરાવવા ભારે દબાણ કર્યું હતુ.

સતાધારી પક્ષના એક મોટા નેતાએ પણ ગેરકાયદે કામ માટે કર્યા હતા ધમપછાડા
સૂત્રોનું માનીએ તો થોડા દિવસો પહેલા સત્તા પક્ષના જ જિલ્લાના એક મોટા ગજાના નેતાએ પોતાના અંગત અને ગેરકાયદેસરના કામ માટે આ સનદી અધિકારી પર દબાણ કર્યું હતું. જો કે, કર્તવ્યનિષ્ઠા સામે આ મોટા ગજાના નેતા ફાવ્યા ન હતા અને જેથી તેમનો અહમ ઘવાયો હતો. નાની વ્યક્તિ હોય કે મોટા માથાઓ હોય કાયદા સમક્ષ બધા સમાન છે તેવું માનતા અધિકારીની બદલી માટે આ મોટા ગજાના નેતાએ પણ ધમપછાડા કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...