કાર્યક્રમ:ભુજ અને ધોરડોમાં 15મી સુધી એસ.પી.જી. ટીમ તૈનાત

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મોદી કાર્યક્રમ સંપન્ન કરી સાંજે દિલ્હી પરત ફરશે

વડાપ્રધાન મોદી બે પ્રોજેક્ટના ભૂમિપૂજન માટે કચ્છની એક દિવસની મુલાકાતે આવી રહ્યા છે જેને લઇને તા.11થી 15મી સુધી ભુજ અને ધોરડોમાં એસ.પી.જી. ટીમ તૈનાત રહેશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજ તાલુકાના ખાવડા નજીક આકાર પામનારા સોલાર પ્લાન્ટ અને માંડવી તાલુકાના ગુંદિયાળી નજીક ડિસેલીનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે. જેને લઇને તા.15-12ના ધોરડો ખાતે વિશાળ ડોમમાં કાર્યક્રમ યોજાશે. વડાપ્રધાન મોદી કચ્છની એક દિવસની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે સુરક્ષા લઇને તા.11-12, ગુરુવારથી તા.15-12, મંગળવાર સુધી ધોરડો અને ભુજ ખાતે આઇ.જી. કક્ષાના અધિકારીઓની સાથે કમાન્ડો સહિત એક-એક એસ.પી.જી. ટીમ ખડેપગે રહેશે.

સૂત્રોના જણાવ્યા મુજબ પી.એમ. મોદી તા.15ના બપોર પહેલા ભુજ આવી પહોંચેશે અને ત્યારબાદ હેલીકોપ્ટરથી ધોરડો ખાતેના હેલીપેડ પર ઉતરાણ કરશે. બપોરે બે મોટા પ્રોજેક્ટના ભૂમિપૂજન કર્યા બાદ વિશાળ ડોમમાં ઉપસ્થિત લોકોને સંબોધશે. સાંજે દિલ્હી જવા પરત ફરશે. ભૂમિપૂજન કાર્યક્રમને લઇને વહીવટી તંત્ર પણ સજ્જ છે. કાર્યક્રમના આયોજનમાં કોઇ ત્રુટી રહી ન જાય અને કોરોના મહામારી વચ્ચે ગાઇડલાઇનનું પાલન થાય તે માટે આરોગ્ય સહિત વિવિધ ટીમોની રચના કરાઇ છે. કાર્યક્રમને લઇને કલેક્ટર, ઉચ્ચ અધિકારીઓની સંબંધિત વિવિધ ટીમોની સાથે બેઠકોનો દોર ચાલી રહયો છે.

અન્ય સમાચારો પણ છે...