તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યક્ષપ્રશ્ન:બોલો, સુધરાઇએ 2 લાખનો ખર્ચ બચાવવા 18.90 લાખ ખર્ચી નાખ્યા

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરની ગટર સમસ્યા ઉકેલવાના હવાતિયા છે કે, અણઆવડત છુપાવવાના ? બાકી છે હવાતિયા
  • રાત્રે કામ કરતા કર્મચારીઓને છૂટા કરવાનો ભૂલ ભરેલો નિર્ણય લોકો માટે ત્રાસદાયક બન્યો

ભુજ નગરપાલિકાએ દરરોજ રાત્રે ગટરની ચેમ્બર્સ અને લાઈનની સફાઈ માટે 25 જેટલા સફાઈ કામદારો રાખ્યા હતા. જે તમામનો મહિને કુલ પગાર માત્ર 2 લાખ રૂપિયા થતો હતો, જેમાં ભ્રષ્ટાચારની શંકાથી તમામેતમામ કર્મચારીઓને છૂટા કરી દીધા, જેથી શહેરમાં ગટરની ચેમ્બરમાંથી ગંદા પાણી બહાર નીકળવા લાગ્યા અને રેલવ સ્ટેશન પાસેના માર્ગો તળાવમાં ફેરવાઈ ગયા. જે ભૂલને છુપાવવા માટે ખેડૂતો અને બદઈરાદો ધરાવનારા વ્યક્તિ દ્વારા આચરાયેલું માનવસર્જિત કૃત્ય ગણાવવાની કોશિષો થઈ રહી છે.

એટલું જ નહીં પણ સમસ્યાના ઉકેલ રૂપે નગરપાલિકાએ મહિને 18 લાખ 90 હજાર રૂપિયાના ખર્ચે સુપર સકર મશીન ભાડે રાખ્યું છે. આમ, 2 લાખનો ખર્ચ અટકાવવા 18 લાખ 90 હજાર ખર્ચીને અણઆવડતું ઉદાહરણ પૂરું પાડ્યું છે.ભુજ શહેરમાં ભૂકંપ પછી ચારે દિશાઓમાં નવી નવી વસાહતો વિસ્તરતી અને વિકસતી ગઈ છે, જેથી ઠેરઠેર પાણી અને ગટરની લાઈનો પથરાતી ગઈ છે, જેમાં થોડા થોડા અંતરે નાના નાના ગટરના પાઈપને જોડતી ચેમ્બર્સ અને ચેમ્બર્સમાંથી પેટા મુખ્ય લાઈન હોય છે.

આમ, ક્રમશ: ગટરની લાઈનના પાઈપની સાઈઝ 1, 1.5, 2, 3 અને છેલ્લે 4 ફૂટની ગટરની મુખ્ય લાઈનના પાઈપ હોય છે. જેને જોડતી થોડા થોડા અંતર મુખ્ય ચેમ્બર્સ પણ હોય છે, જેથી ગટરના પાઈપમાંથી પસાર થતા ગટરના પાણીમાં ક્યાંય રૂકાવટ અાવે તો સફાઈ કામદારો અને મશીનથી સફાઈ કરી શકાય. ગટરની લાઈનમાં વહેલી સવારથી દિવસભર જોશભેર ગટરના ગંદા પાણી વહેતા હોય છે, જેથી ગટરનો ઘન કચરો ગંદા પાણીના જોશભેર વહેતા પ્રવાહમાં તણાઈ જાય છે. પરંતુ, રાત્રે 3 વાગ્યાની આસપાસ પ્રવાહ ધીમો પડે છે, જેથી ગંદા પાણીમાં રહેલો ઘન કચરો પાઈપ અને ચેમ્બર્સમાં તળીયે જમા થવા લાગે છે.

જેને દરરોજ રાત્રે 3 વાગ્યા દરમિયાન સાફ કરવાની કામગીરી કરવી પડે છે. જે માટે ભુજ નગરપાલિકાઅે 25 જેટલા સફાઈ કામદારો રાખ્યા હતા. જે તમામેતમામ સફાઈ કામદારોને કુલ માસિક પગાર માત્ર 2 લાખ રૂપિયા જ થાય છે. પરંતુ, ભુજ નરગપાલિકાના અણઘડ પદાધિકારીઓને અચાનક શંકા જાગી, જેથી તેમણે રાત્રિની સિફ્ટ રદ કરી નાખી અને કર્મચારીઓને છુટા કરી નાખ્યા. પરિણામે ગટરની લાઈન અને ચેમ્બર્સમાં કાદવ કિચડ જમા થવા લાગ્યા, જેથી ચેમ્બર્સમાંથી ગટરના પાણી બહાર નીકળવા લાગ્યા અને માર્ગો ઉપર ગંદા પાણીનું તળાવ બની ગયું.

પરંતુ, પદાધિકારીઓએ પોતાની ભૂલ સુધારવાને બદલે ખેડૂતો ઉપર દોષનો ટોપલો ઢોળ્યો કે, તેઓ ખેતી માટે ગટરના પાણી ખેંચવા ચેમ્બર્સ અને પાઈપમાં અધરોધ ઊભા કરે છે. એટલું જ નહીં પણ બદઈરાદો ધરાવતી વ્યક્તિના માનવસર્જિત કૃત્ય પણ ગણાવ્યા. જોકે, ઈજનેરી કાૈશલ્ય ધરાવતા અનુભવી અને નિવૃત ઈજનેરોનું કહેવું છે કે, દિવસના ભાગે ગંદા પાણીનો પ્રવાહ એટલો જોશભેર વહેતો હોય કે 4 ફૂટના ડાયામીટરની ગટરની મુખ્ય લાઈનના પાઈપમાં માણસ પણ તણાઈ જાય, જેથી કચરા નાખી અવરોધ સર્જતા માનવસર્જિત કૃત્યની વાત ગળે નથી ઉતરતી. એ સિવાય ખેડૂતો પાણી ખેંચતા હોય તો માર્ગો ઉપર પાણી કેમ ઉતરી આવે. ઉલ્ટું ખેંચાઈ જાય.

12 પમ્પિંગ સ્ટેશન પણ ચલાવી નથી શકાતા
ભુજ શહેરના ગટરના ગંદા પાણીને છેક નાગોર રોડ પાસે એસટીપીમાં ધકેલવા માટે જુદા જુદા 12 સ્થળે પમ્પિંગ સ્ટેશન પણ છે. જે આઈયાનગર, વૃંદાવનનગર, ઉમાનગર, પ્રભુનગર, સંજોગનગર, આશાપુરાનગર, હંગામાી આવાસ જી.આઈ.ડી.સી., બીપીન ભટ્ટ નગર, શક્તિનગર, ભાનુશાલીનગર, ભૂતેશ્વર, નાગોર રોડ પાસે આવેલા છે. જે પમ્પિંગ સ્ટેશન પણ અવારનવાર બંધ પડી જાય છે, જેથી આઈયાનગર, બી.એસ.એફ. પાટિયા પુલ પાસે હમીરસરની મુખ્ય આવ, ભાનુશાલી નગર પાસે મુખ્ય આવમાં ગટરના પાણી વહી નીકળતા હોય છે.

ભ્રષ્ટાચારની અાશંકા છે તો ઠેકો પણ વિકલ્પ છે
ડ્રેનેજ શાખામાં જે કર્મચારીઓ દિવસે કામ કરતા હતા. એજ કર્મચારીઅોના નામ રાત્રે કામ કરતા કર્મચારીઓની યાદીમાં બોલતા હતા, જેથી ભ્રષ્ટચારની આશંકાથી રાત્રિની કામગીરીની સિફ્ટ રદ કરી દેવાઈ છે અને કહેવાયું છે કે, જે કામગીરી કરવી હોય તે દિવસના ભાગે કરો. પરંતુ, અહીં સવાલ એ છે કે, કર્મચારીઓની હાજરીમાં ભ્રષ્ટાચારની આશંકા છે તો પાઈપ અને ચેમ્બર્સની સફાઈનો ઠેકો પણ આપી શકાય. જે કર્મચારીઓના રાત્રિની હાજરીના કુલ પગાર ખર્ચ 2 લાખની અપસેટ પ્રાઈઝે હોવો જોઈએ.

ડિઝલના ભાવ વધ્યા છતાં જૂના ભાવે ભાડાથી અચરજ
ભુજ નગરપાલિકા દ્વારા ગયા 2020ના દિવાળીના તહેવારો સમયે બે સુપર સકર મશીન ભાડે રખાયા હતા. ત્યારે અને અત્યારે ડિઝલના ભાવમાં 20થી 25 રૂપિયા વધારો થયો છે, જેથી ત્યારે જે ભાડું હતું અેનાથી અત્યારે ઊંભું ભાડું હોય એ સ્વાભાવિક રીતે સમજી શકાય એવી વાત છે. પરંતુ, આશ્ચર્યજનક રીતે ત્યારે જે દરે ભાડે રખાયું હતું એજ દરે અત્યારે ભાડે મળ્યું છે. વળી ત્યારે સફાઈની કામગીરી માટે પાણીના ટેન્કર નગરપાલિકા દ્વારા પૂરા પાડવામાં આવતા હતા. જે હવે ઠેકેદારે જ મેળવી લેવાના રહેશે. આમ, અસંભવ ઘટનાએ અચરણ જ નહીં પણ ભ્રષ્ટાચારની શક્યતા તરફ સોય તાકી છે.

2020ના વર્ષમાં સુપર સકર મશીનમાં શંકા સેવાઈ હતી
ગયા 2020ના વર્ષમાં દિવાળી સમયે બે સુપર સકર મશીન ભાડે રખાયા હતા. જેની કામગીરમાં પણ શંકા સેવાઈ હતી, જેથી ત્યારબાદ દોઢેક મહિનામાં પરત કરી દેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...