કડક કાર્યવાહી:પૂર્વ કચ્છના એસ.પી. દ્વારા પાર્ટી કરનાર LCBના ચાર પોલીસ કર્મીઓને અંતે સસ્પેન્ડ કરાયા

ભુજ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કર્મચારીઓ વિરુદ્ધ આગળની તપાસ DySPને સોંપવામાં આવી

જન્મ દિવસની પાર્ટીમાં નાચગાન કરી જાહેરનામનો ભંગ કરનાર પૂર્વ કચ્છના લોકલ ક્રાઈમ બ્રાન્ચના ચાર પોલીસ કર્મચારીઓનો પાર્ટી કરતો વીડિયો વાયરલ થયો હતો. જેના અનુસંધાને ગઈકાલે આ ચારેય પોલીસ કર્મીઓની પોલીસ હેડ ક્વાર્ટર ખાતે તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી હતી. જેના બાદ આજે પૂર્વ કચ્છ પોલીસ વડા મયૂર પાટીલ દ્વારા વીડિયોમાં દેખાતા ચારેય પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અને હજુ આગળની તપાસ DySPને પણ સોંપવામાં આવી છે.

જાહેરનામનો ભંગ કરી નાચ, ગાન અને ફટાકડા ફોડ્યા

અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ કચ્છ LCB (ગાંધીધામ)માં ફરજ બજાવતા પોલીસ કર્મચારી બાબુલાલ નાગાજણભાઈ, રામદેવસિંહ બહાદુરસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ રાતનલાલ પુરોહિત અને પ્રવીણભાઈ નારણભાઇ દ્વારા કોરોના પરિસ્થિતિ વચ્ચે જન્મ દિવસની પાર્ટીમાં અન્ય લોકો સાથે જાહેરનામનો ભંગ કરી નાચ, ગાન અને ફટાકડા ફોડીને કાયદાના ધજાગરા ઉદાડતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેના ભાગરૂપે ભાન ભૂલેલા આ ચારેય શોખીન પોલીસ કર્મીઓની પ્રથમ ભૂજ હેડ ક્વાર્ટર ખાતે બદલી કરી દેવામાં આવી હતી. અને આજે પૂર્વ કચ્છના એસ.પી દ્વારા કડક પગલાં લઈ સસ્પેન્ડ કરી દેવાયાની ઘટના પ્રકાશમાં આવી છે.

ગુનેગાર જણાતા ધરપકડ સહિતના પગલાં લેવામાં આવશે

અલબત્ત પૂર્વ કચ્છ એસ.પી. મયૂર પાટીલે આજે મીડિયા સમક્ષ પોતાનું નિવેદન જાહેર કર્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર જન્મ દિવસની પાર્ટી ઉજવતા ચારેય LCBના કર્મચારીઓનો વીડિયો ગઈકાલે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તેમાં તેઓ કોરોના ગાઈડલાઈનનું પાલન નથી કરી રહ્યાનું સાફ દેખાય છે. અને કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડાવતા દેખાય છે. આ બદલ સામેલ ચારેય કર્મીઓ વિરુદ્ધ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી, હેડ ક્વાર્ટર ખાતે બદલી કરી દેવામાં આવી છે. અને આ મામલાની તપાસ DySPને સોંપવામાં આવી છે. જેમાં ગુનેગાર જણાતા ધરપકડ સહિતના પગલાં લેવામાં આવશે.

વિશેષ જે રીતે વીડિયોમાં છેલબટાઉ યુવાનોની માફક પાર્ટીના ઉન્માદમાં ભાન ભૂલી કોરોનાકાળમાં નિયમો નેવે મૂકીને LCBના કર્મચારીઓ નાચ ગાન કરીને ખુદ કાયદાનો ભંગ કરતા દેખાઈ રહ્યા છે. તો આ પાર્ટીમાં ઠંડપીણાં કે ગરમપીણાં (દારૂ) પીવાનો પણ આરોપ ઉઠવા પામ્યો છે.

રિસોર્ટના મેનેજરે ના કહી છતાં માન્યા નહિ અને ઉજવણી કરી
મળતી વિગતો મુજબ અંજારના પી.આઈ. દ્વારા જ્યારે જાત તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે રિવેરા ફાર્મના મેનેજર દિપાસુકુમાર મહંતોએ જણાવ્યું હતું કે, વીલા બુક કરાવનાર દીપ ગઢવીને મળી વાત કરી હતી કે તમે ઘણા લોકો ભેગા થયા છો, અને આ વીલામાં આતશબાજી કરવાની મનાઈ છે અને પોલીસ આવી જશે તેવી ચર્ચા કરી હોવા છતાં દીપ ગઢવી દ્વારા જન્મદિવસ એલ.સી.બીમાં નોકરી કરતા બાલુભાઈનો છે જેથી પોલીસ નહીં આવે તેવી વાત કરી આતશબાજી કરી અને ડાન્સ કરવાનું ચાલુ રાખ્યું હતું.

અંજારમાં ફરજ બજાવી ચૂકેલા સુરતના PSI વિરુદ્ધ ગુનો નોંધાયો
અંજાર પોલીસસ્ટેશનમાં ઘણો સમય ફરજ બજાવી ચૂકેલા અને પ્રખ્યાત થઈ ચૂકેલા ઇકબાલ આરબ કે જે હાલે સુરત શહેર પોલીસ મથકમાં પી.એસ.આઈ તરીકે ફરજ બજાવી રહ્યા છે. તે પણ આ જન્મદિવસની ઉજવણીમાં મહેફિલ માણતા અને ડાન્સ કરતા વીડિયોમાં જોવા મળ્યા હતા. જેમના વિરુદ્ધ પણ અંજાર પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...