કચ્છ જિલ્લાના વાગડ પંથકમાં અંધશ્રદ્ધાની પરાકાષ્ઠાનો એક કિસ્સો સામે આવ્યો છે. રાપરના ગેડી ગામે અંધશ્રદ્ધાના કારણે જમાઈએ અન્ય શખ્સો સાથે મળી તેના સસરા અને અન્ય પાંચ લોકોના હાથ ઉકળતા તેલમાં નખાવતા ચકચાર મચી છે. 6 લોકો દાઝી જતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી છે. તો બીજી તરફ આ મામલે પોલીસમાં જાણવાજોગ દાખલ કરાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
પત્ની ગુમ થતા જમાઈએ અન્ય લોકો સાથે મળી કૃત્યુ આચર્યું
પ્રાપ્ત વિગતો અનુસાર રાપર તાલુકાના હમીરપર ગામની નજીક આવેલી ભક્તિ વાંઢની કન્યાના લગ્ન ગેડી ગામે રત્ના કાના કોળી સાથે સમાજના રીતિ રીવાજ મુજબ થયા હતા. પરંતુ બે માસ પહેલા જમાઈ સાથે પિયર આવેલી દીકરી જમાઈના ગયા બાદ થોડા દિવસમાંજ ગુમ થઈ ગઈ હતી. જે અંગે બન્ને પક્ષના લોકોએ તપાસ કરી હતી, પરંતુ પરિણીતાનો કોઈ પત્તો લાગ્યો નહોતો. આ અંગે બન્ને પક્ષે વાદ વિવાદ ચાલી રહ્યો હતો દરમ્યાન ગઈકાલે જમાઈ સહિત સાસરા પક્ષના કુલ 9 લોકો દ્વારા પિયર પક્ષના સસરા હીરા ધરમશી કોળી સહિત કુલ 6 વ્યક્તિને સમાધાન કરવા ગેડી ગામે બોલાવ્યા હતા ત્યાંથી નજીક આવેલા માતાજીના મંદિરે લઈ જવાયા હતા.
સમાધાન માટે બોલાવી બળજબરી પૂર્વક ગરમ તેલમાં હાથ નખાવ્યા
બન્ને પક્ષના લોકો મંદિરે પહોંચ્યા બાદ જમાઈ દ્વારા સસરા પક્ષના લોકો પર વહેમ રાખી મારી પત્નીને તમે ભગાડી મૂકી છે અથવા વેચી દીધી છે એવું કહેવાયા બાદ જો આમ ના કર્યું હોય તો પહેલાથી તૈયાર રાખવામાં આવેલા તેલના ગરમ કડેયામાં હાથ નાખવાનું કહેવામાં આવ્યું હતું તેમ કરવામાં ના આવતા ધોકા લાકડી સહિતના હથિયારો સાથે ધાકધમકી કરી સસરા પક્ષના છ લોકોના હાથ ગરમ તેલમાં નખાવ્યા હતા. આ ઘટનાને પગલે તમામ છ લોકોના હાથ બળી જતા રાપર સરકારી દવાખાને આજે સારવાર માટે આવતા પોલીસમાં જાણ કરાઈ હતી. પોલીસે હીરા ધરમશી કોળીના નિવેદન પરથી હાલ જાણવા જોગ ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી
આ સમગ્ર મામલે રાપર પોલીસ સ્ટેશનના પીઆઈ પી.એન.ઝીઝુંવાડિયાનો સંપર્ક કરાતા તેઓએ કહ્યું હતું કે, આ મામલે જાણવાજોગ દાખલ કરવામા આવી છે. ફરિયાદીની ફરિયાદ નોંધવાની કામગીરી ચાલુ છે. ફરિયાદ નોંધાયા બાદ આરોપીઓને ઝડપવાની કામગીરી હાથ ધરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.