અરજી:બન્ની વિસ્તારમાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ શરૂ કરવા સામાજિક અગ્રણીની માંગ, અભ્યાસ માટે વિદ્યાર્થીઓએ ખેડવો પડે છે 100 કિમી જેટલો લાંબો પ્રવાસ

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોલેજ માટે લાંબા અંતરના કારણે વિદ્યાર્થીનીઓની સંખ્યા નહિવત
  • બન્ની વિસ્તારના વિદ્યાર્થીઓ માટે ખાવડા કોલેજ બને તો સ્થાનિક સ્તરે અભ્યાસ મળી રહેશે : શેરમામદ સમા

ભુજ તાલુકાના સરહદી વિસ્તાર બન્ની-પચ્છમમાં વિદ્યાર્થીઓને કોલેજના અભ્યાસ માટે 100 કિલોમીટર જેટલો લાંબો પ્રવાસ ખેડવો પડે છે. જેના કારણે છાત્રોનાં સમય અને શક્તિનો વ્યય થાય છે. તેમને પડી રહેલી હાલાકીમાંથી મુક્ત કરવા સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ મંજૂર કરવાની માંગ પચ્છમના સામાજિક અગ્રણીએ મુખ્યમંત્રીને પત્ર દ્વારા રજૂઆત કરીને કરી હતી.

ભુજ તાલુકાની ઉત્તર દિશાએ આવેલા બન્ની-પચ્છમ વિસ્તારમાં 101 જેટલા નાના-મોટા ગામડાઓ અને 85 હજાર જેટલી જનવસ્તી આવેલી છે. પ્રવાસન ક્રાંતિ તરફ ડગ માંડતા ખાવડા-ધોરડો સુધીના આ વિશાળ પંથકમાં દેશ-વિદેશના પ્રવાસીઓ આવે છે. ત્યારે આ સરહદી વિસ્તારમાં એક પણ સેલ્ફ ફાઈનાન્સ કે સરકારી કોલેજ આવેલી નથી. જેના કારણે આ વિસ્તારના છેવાડાના વિદ્યાર્થીઓને કોલેજ સુધીનો અભ્યાસ કરવા માટે 90થી 100 કિલોમીટરનું અંતર કાપી છેક ભુજ સુધી જવું પડે છે. તેમાં સરહદી બોર્ડર વિસ્તારમાં રહી ફરજ બજાવતા રાજ્ય અને કેન્દ્ર સરકારના કર્મચારીઓના છોકરા-છોકરીઓ પણ શામેલ છે. તેમને પણ કોલેજ અભ્યાસ માટે ભુજ જવું પડે છે. તેથી બન્ની પચ્છમમાં શિક્ષણનું સ્તર ઉપર લાવવા વિદ્યાર્થી ભાઈ બહેનોના ભવિષ્ય માટે કોલેજની તાતી જરૂરિયાત હોવાથી અગ્રણી ઉંમર શેરમામદ સમાએ મુખ્યમંત્રીને પત્ર દ્વારા રજૂઆત કરીને અરજી કરી હતી.

વિશેષ તંત્ર દ્વારા આ વિસ્તારને કચ્છ યુનિવર્સિટી સાથે સાંકળી બન્ની પચ્છમ વિસ્તારના ખાવડા ગામ ખાતે સરકારી આર્ટ્સ & કોમર્સ કોલેજ મંજૂર કરી આપવામાં આવે તો આ વિસ્તારમાં વિકાસમાં તે ખૂબ ઉપયોગી સાબિત થશે એવું અગ્રણી ઉંમર શેરમામદ સમાએ પોતાની અરજીમાં દર્શાવ્યું હતું. તેમણે અરજીમાં લખ્યું હતું કે પ્રવાસન ક્ષેત્રે સફેદ રણ, કાળો ડુંગર તેમજ વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે જાહેર થયેલા ધોળાવીરા પણ ઘડુલી સાંતલપુર રોડ થકી આ વિસ્તારને નજીક થઈ જશે, જેથી ખદીર વિસ્તારના વિદ્યાર્થીઓ માટે ખાવડા કોલેજ બને તો સ્થાનિક સ્તરે અભ્યાસ મળી રહેશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભવિષ્યમાં અહીં અનેક ઉદ્યોગો પણ ઉભા થઈ રહ્યા છે. આ ઉદ્યોગોમાં કામ કરતા કામદારો અને કર્મચારીઓના બાળકો પણ ખાવડામાં કોલેજ બને તો અભ્યાસ કરી શકશે. કોલેજ માટે લાંબા અંતરના કારણે વિદ્યાર્થીનીઓની સંખ્યા નહિવત છે. જો સ્થાનિક સ્તરે કોલેજ મળે તો કન્યા શિક્ષણમાં વધારો થઈ શકે છે. હાલની પરિસ્થિતિમાં આ વિસ્તારમાં કોલેજ ન હોવાથી આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે લાંબુ ટ્રાવેલિંગ અને બહારના રહેવા-જમવાનો ખર્ચ ન પોસાતો હોવાના કારણે આ વિસ્તારના ઘણા વિદ્યાર્થીઓ ધોરણ 12 પછી અભ્યાસ છોડી દે છે. જેના કારણે બોર્ડર વિસ્તારના ગામડાઓમાં શિક્ષણ ખુબજ ઓછું દેખાય છે. નોંધનીય છે કે સરકારના બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ તળે આ વિસ્તારમાં અદ્યતન બિલ્ડીંગો બનાવવાની જોગવાઇ પણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...