તસ્કરો બેફામ:કચ્છમાં તસ્કરોએ માથું ઉંચક્યું : એક દિવસમાં 5 બનાવમાં 2.23 લાખની ચોરી, બેફામ બનેલા હરામખોરોએ મકાન, દુકાન, વાડીને બનાવ્યા નિશાને

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અંજારમાં બે ઘરમાંથી 87 હજારની માલમત્તા ઉસેડાઇ, એક દુકાનના તાળા તોડી ચોરીનો પ્રયાસ કરાયો

જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ ચોરીના કિસ્સા રોજિંદા બની ગયા છે, દરરોજ દુકાન, મકાન, સીમાડાઓ તસ્કરીના બનાવો બને છે, પોલીસ અમુક ગુનાઓનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપે છે, પરંતુ તસ્કરો ચોર-પોલીસ રમતા હોય તેમ દરરોજ નાની મોટી ઉઠાંતરીના બનાવો વધી રહ્યા છે. જે ચિંતાજનક છે.

પૂર્વ કચ્છના ઐતિહાસિક શહેર અંજારમાં ગત દિવસોમાં વરસાદની સાથે તસ્કરો પણ વરસી પઠ્યા હોય તેમ બે ઘર અને દુકાનના તાળા તૂટ્યા હતા જેમાં એક બંધ ઘરમાંથી 85 હજારના દાગીના, એક ઘર પાસે પાર્ક કરેલું બાઇક તેમજ એક ઘરમાંથી રૂ.2,000 રોકડ ચોરી થઇ હોવાની તેમજ એક દુકાનના તાળા તોડી ચોરીનો પ્રયાસ કરાયો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે.

અંજારના મફતનગરની શાળા નંબર 15 પાસે રહેતા અબ્દુલ હારૂન લંગાએ ફરિયાદ નોંધાવી છે કે, તેમના ઘરના અંદરના દરવાજાના તાળા તોડી તસ્કરોએ તેમના ઘરમાંથી રૂ.35,000 ની કિંમતનો સોનાનો હાર, રૂ.7,000 ની કિંમતની સોનાની કાનમાં પહેરવાની સેર, રૂ.1200 ની કિંમતની બે વીંટી, રૂ.3000 ની કિંમતના ચાંદીના બે જોડી સાંકડા, રૂ.10,000 ની કિંમતની સોનાની પોંચી, રૂ.5000 ની કિંમતના સોનાના પેંડલ, રૂ.2500 ની કિંમતના ચાંદીના જેર, રોકડા રૂ.10,000 ચોરી ગયા હતા

તેમજ પાછળની ગલીમાં રહેતા સલીમ ઇલીયાસ ખલીફા ના ઘર પાસેથી રૂ. 10,000 ની કિંમતનું બાઇક અને સામે રહેતા અનવર હુસેનના ઘરમાંથી રૂ.2000 રોકડ મળી કુલ રૂ.9,700 ની ચોરીને તસ્કરોએ અંજામ આપ્યો હતો તેમજ શેરીમાં રહેતા લધુભાઇ ગઢવીની દુકાનના તાળા તોડી ચોરીની કોશિષ કરાઇ હોવાની ફરિયાદ તેમણે અંજાર પોલીસ મથકે નોંધાવી છે. પીએસઆઇ સી.બી.રાઠોડે વધુ તપાસ હાથ ધરી છે.

ભારાસરમાં બંધ મકાનમાંથી 93 હજારની તફડંચી
તાલુકાના ભારાસર નારાણપર રોડ પર આવેલા બંધ મકાનને ટાર્ગેટ બનાવીને તસ્કરોએ ઘરના તાળા તોડી અંદરથી રોકડ રૂપિયા 7 હજાર અને 86 હજારની કિંમતના સોના ચાંદીના દાગીના સહિત 93 હજારના મુદામાલની ચોરી કરી જતાં ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો મુજબ ભારાસર ગામે પૂલીયા પાસે ભાડાના મકાનમાં રહેતા ભારાસર ખાતે આઇસીઆઇસીઆઇ બેન્કમાં નોકરી કરતા હરેશભાઇ ભીખાભાઇ મહેશ્વરી (ઉ.વ.27)ની ફરિયાદને ટાંકીને માનકુવા પોલીસે જણાવ્યું હતું કે, ચોરીનો બનાવ મંગળવારે રાત્રીના આઠ વાગ્યાથી બુધવારના સવાર દરમિયાન બન્યો હતો.

ફરિયાદી અને તેનો પરિવાર નારાણપર ગામે પ્રસંગમાં ગયો હતો. પાછળ તેમના ભારાપર ખાતે આવેલા બંધ મકાનનું કોઇ અજાણ્યા શખ્સોએ તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા. ઘરમાં કબાટમાંથી રોકડ રૂપિયા 7 હજાર તેમજ રૂપિયા 86 હજારના સોના ચાંદીના ઘરેણાઓ સહિત કુલ 93 હજારના મુદામાલની ચોરી કરી ગયા હતા. માનકુવા પોલીસે બનાવની નોંધ લઇને તસ્કરોનો તાગ મેળવવા આગળની તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

રાપરની વાડીમાંથી તસ્કરોએ 6 હજારનો હાથ માર્યો
રાપર : રાપરના તકિયાવાસમાં રહેતા 52 વર્ષીય ખેડૂત કરમણભાઇ વસ્તાભાઇ વાવીયાએ રાપર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, ગત તા.30/8 ના દિવસે 12 થી 4 વાગ્યા દરમિયાન તેમની વાડીમાં કોઇ અજાણ્યા ઇસમોએ વાડીમાં રાખેલો રૂ.6,300 ની કિંમતના એરંડાનો 120 કિલો જથ્થો, રૂ.500 ની કિંમતના ટ્રુક્ટરના ઓજારો મળી કુલ રૂ.6,800 ની ચોરીને અંજામ આપી ગયા હતા. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે વાડી વિસ્તારમાં થતી ચોરીની જાણકારી મેળવ્યા બાદ ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યા પ્રમાણે મોડી નોંધાવી હોવાનું જણાવ્યું હતું.

ભુજમાં દુકાન પાસેથી 37 હજારની રોકડ-મોબાઇલની ઉઠાંતરી
પશ્ચિમ કચ્છમાં જાણે કાયદાનો કોઇ ડર ન હોઇ તેમ બિદાસ્ત પણે તસ્કરો ચોરીના બનાવોને અંજામ આપી રહ્યા છે. મોટા ભાગની ચોરીના બનાવો હજુ અનડીટેક્ટ છે ત્યાં ભુજના ભીડ વિસ્તારમાં મેમણ જમાત ખાના નજીક આવેલી દુકાન પાસે પાર્ક કરેલી બાઇક પર લટકતી થેલીને કાપો મારીને તેમાંથી રોકડ રૂપિયા 27 હજાર તેમજ 10 હજારની મોબાઇલ ચાર્જર મળીને કુલ 37 હજારના મુદામાલની ચોરી કરી તસ્કરો પલાયન થઇ જતાં ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ભાવેશ્વર નગરમાં આદર્શ ટાવરમાં રહેતા અને મેમણ જમાત પાસે શ્રીજયા એજન્સી નામની દુકાન ધરાવતા ભરતભાઇ રામજીભાઇ ગણાત્રાની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, ચોરીનો બનાવ મંગળવારે રાત્રે દસ વાગ્યાના અરસામાં બન્યો હતો. વેપારી દુકાન વધવવા પૂર્વે દુકાનમાં કામ કરી રહ્યા હતા. અને તેમની દુકાન બહાર પાર્ક કરેલી મોટર સાયકલ પર થેલીઓ લટકાવી હતી. દરમિયાન કોઇ અજાણ્યા બે શખ્સોએ બાઇક પર લટકેલી થેલીને કોઇ ધારદાર વસ્તુથી કાપો મારીને થેલીમાં રહેલા રોકડ રૂપિયા 27 હજાર અને દસ હજારની કિંમતના મોબાઇલ અને ચાર્જર સહિતનો માલ ચોરીને નાસી ગયા હતા. એ ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સો વિરૂધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...