બેદરકાર તંત્ર:સામખિયાળી-ચિત્રોડ હાઇવે પર તોતીંગ યંત્ર સામગ્રીને નડતરરૂપ વિજતાર અને હોર્ડીંગ હટાવવાની કામગીરીમાં ભ્રષ્ટાચારની ગંધ

સામખિયાળીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પીજીવીસીઅેલ તંત્ર અને નેશનલ હાઇવે અોથોરીટીની શંકાસ્પદ ભૂમિકા
  • મુન્દ્રા પોર્ટથી બાડમેર જવા નીકળેલા ચાર બોઇલરોને વીજતાર-હોર્ડીંગસ નડતા હતા: ટ્રાન્સપોર્ટ કંપની સાથે વ્યવહાર કરી સરકારી તિજોરીને પહોંચાડયું નુકસાન

મુન્દ્રા પોર્ટથી રાજસ્થાનના બાડમેર જિલ્લામાં લઇ જવાતી અો.ડી.સી. મશીનરીને નડતરરૂપ વિજતાર અને હોર્ડિંગસ હટાવવા માટે પીજીવીસીઅેલ તંત્ર અને નેશનલ હાઇવે અોથોરીટીની શંકાસ્પદ ભૂમિકા હોવાનું જણાયું હતું. ટ્રાન્સપોર્ટ કંપનીને રાજકીય વગથી લાભ પહોંચાડવા માટે સરકારી તીજોરીને નુકસાન પહોંચાડવામાં પીજીવીસીઅેલ તંત્ર અને નેશનલ હાઇવે અોથોરીટીઅે ખાયકી કરી હોવાની ગંધી અાવી રહી છે.

મુન્દ્રા પોર્ટથી બાડમેર જવા નીકળેલા ચાર મોટા બોઇલરોને સામખિયાળી ચિત્રોડ (રાપર) સુધીના વીજતાર તેમજ હોર્ડિંગસ નડતા હતા, જેથી ટ્રાન્સપોર્ટ કંપનીઅે સામખિયાળી વીજ તંત્રને વીજતાર થોડા સમય માટે હટાવી લેવા અરજી કરી હતી અને તેને દસ લાખ રૂપિયા સરકારી ભરણુ ભરવા માટે કવોટેશન અપાયું હતું. જો કે, બાદમાં 60થી 70 હજાર રૂપિયા સરકારી ભરણુ ભરી ત્રણ લાખ જેટલી રકમ રસીદ ઉપર લઇ વીજતાર હટાવવાની કામગીરી હાથ ધરવામાં અાવી હતી.

સામખિયાળી થી ચિત્રોડ સુધી 28 વીજપોલ બંધ કરી તેમાંથી તાર ઉતારવા માટે નિયમ પ્રમાણે 10 લાખનું કોટેશન આપ્યું હતું પણ ટ્રાન્સપોર્ટરે રાજકીય વગનો ઉપયોગ કરી ભલામણ કરાવતા ત્રણ લાખનો વ્યવહાર કરી વિજ તાર હટાવવાની કામગીરી હાથ ધરવામાં અાવી હતી. બીજી તરફ, NHAIની પણ ભૂમિકા શંકાના દાયરામાં હોવાનું જણાયું હતું. અમુક જુના પુલ પરથી 155 ટનની મશીનરી અને 45 ટનની ટ્રક ટોટલ 200 ટન જેટલી સામગ્રી પસાર કરાઈ હતી.

200 ટનના હેવી બોઈલર પરીવહન કરીને રાજસ્થાન મોકલાય છે ત્યારે હાઇવે પર આવતા હેડિંગ્સ ઉતારવામાં અાવ્યા હતા જેની મંજુરી નેશનલ હાઇવે અોથોરીટી ઇન્ડિયા પાસેથી મંજૂરી લેવામાં અાવી છે કે નહીં તેની તપાસ કરાય તો દુધનુ દુધ અને પાણીનું પાણી થાય તેમ છે. ગાંધીધામની અેક ટ્રાન્સપોર્ટ પેઢી જેના મોટાભાગના વાહનો અો.ડી.સી.માં જ ચાલતા હોય છે ત્યારે અા ટ્રાન્સપોર્ટ કંપની કાયદેસર કામ કરાવવાને બદલે અેક રાજકીય નેતાની ભલામણથી અધરો અધર વ્યવહાર કરી પોતાનો કામ નિપટાવ્યો હતો.

રાજસ્થાન પહોંચે તે પહેલા ભાવનગર જેવી ઘટના ન બને તો સારુ
ઘણા વર્ષો અગાઉ અો.ડી.સી.માં તોતિંગ મશીનરી લઇ જવાતી હતી જે બોઇલર ટ્રેઇલર પર રાખીને પુલ પરથી પસાર કરાઇ રહ્યું હતું. ભાવનગરના સત્રુજી નદીના પુલ પર અા બોઇલર નદીમાં ખાબકી ગયું હતું. અા તોતિંગ બોઇલર બ્રીજ પરથી પસાર કરવામાં અાવી રહ્યા છે ત્યારે રાજસ્થાન પહોંચે તે પૂર્વે કયાંક અાવી ઘટના ન બને તો સારૂ.

દસ લાખનું કવોટેશન અપાયું જ નથી : પીજીવીસીઅેલ
ગાંધીધામની ટ્રાન્સપોર્ટ પેઢીઅે અો.ડી.સી. પસાર કરવા માટે સામખિયાળીથી ચિત્રોડ સુધીના 28 વીજ તાર બંધ કરવા માટે દસ લાખ રૂપિયાનું ક્વોટેશન અપાયું હોવા અંગે સામખિયાળી પીજીવીસીઅેલ તંત્રના વિપુલ પુરોહીતે સમર્થન અાપ્યું ન હતું. તેમણે ઉમેર્યું હતું કે, દસ લાખ રૂપિયાનું કવોટેશન અાપવામાં અાવ્યું જ નથી, થોડા સમય માટે વીજપોલ બંધ કરી તાર હટાવી લીધા બાદ વાહન પસાર થઇ જાય તો તાર લગાવી પુરવઠો શરૂ કરી દેવા માટે 60થી 70 હજાર રૂપિયા સરકારી ફી ભરાવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...