રાજવી પરિવારની દિવાળી:કચ્છમાં રાજાશાહી સમયમાં આખું ભુજ શણગારવામાં આવતું ,અંતિમ રાજા પ્રાગમલજી ત્રીજાના નિધન બાદ પહેલી દિવાળી હોવાથી આ વર્ષે માત્ર સુકન સચવાશે

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છના પ્રાગમહેલની ફાઈલ તસવીર - Divya Bhaskar
કચ્છના પ્રાગમહેલની ફાઈલ તસવીર
  • ભુજમાં રાજવી પરિવારની દિવાળીમાં સંસ્કૃતિ અને સભ્યતાના દર્શન થતા હોય છે
  • વર્ષો પહેલા પ્રાગમહેલમાં દિવાળીએ થતી આતશબાજી જોવા લોકો ઊમટતા

કચ્છ જિલ્લામાં આ વર્ષે જ અંતિમ રાજા પ્રાગમલજી ત્રીજાનું નિધન થયું હોવાથી રાજવી પરિવારની મહારાવની ગેરહાજરીમાં આ પ્રથમ દિવાળી છે ત્યારે ફક્ત સુકન જ સાચવવામા આવશે. કચ્છના રાજવી પરિવારમાં દિવાળીના પર્વની ઉજવણીનો ભવ્ય ભૂતકાળ રહેલો છે. ખુદ મહારાવ દિવાળીના પર્વની ઉજવણીમાં સામેલ થતા અને હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરતા હતા.

ભુજનો રણજીત વિલા પેલેસ જ્યાં દિવાળીની ઉજવણી કરવામા આવતી
ભુજનો રણજીત વિલા પેલેસ જ્યાં દિવાળીની ઉજવણી કરવામા આવતી

અંતિમ મહારાવે 25 જેટલી પરંપરાગત ઉજવણી ચાલુ રખાવી હતી
કચ્છના મહારાવ પહેલા ખેંગારજીએ સવંત 1605માં માગસર સુદ 5ના કચ્છના અલગ રાજ્યની વિધિવત સ્થાપના કરી હતી. ત્યાંરથી દેશના આઝાદી કાળ સુધીમાં રાજાશાહી સાસનમાં વિવિધ તહેવારો રાજવી વહીવટ હેઠળ ઉજવાતા હતા. 1947 બાદ અમલમાં આવેલી લોકશાહી સાથે તહેવારોની ઉજવણીમાં ફેરફાર થયો પરંતુ તત્કાલીન સમયથી આજપર્યત રાજ પરંપરા અનુસાર ઉજવાતી વિવિધ ધાર્મિક પ્રણાલિકાઓ કાયમ રહેવા પામી છે. વાર્ષિક 25 જેટલી પરંપરાઓ આજે પણ ધાર્મિક વિધિવિધાન સાથે અંતિમ રાજા મહારાવ પ્રાગમલજી ત્રીજાએ ચાલુ રખાવી છે. તેમાં નવરાત્રિ પર્વે યોજાતી પતરી વિધિ હોય, કચ્છી નવું વર્ષ અષાઢીબીજ, કે પછી દેશના સૌથી મોટા તહેવાર દિવાળીની હોય. સદગત બાવા સાહેબ દ્વારા રાજવી ઠાઠ સાથે દરેક તહેવાર હર્ષોલ્લાસથી ઉજવાતા રહ્યા છે. મહારાવનું આ વર્ષેજ નિધન થતા આ દિવાળી સુકન સાચવવા પૂરતીજ રહેશે. પરંતુ આ પહેલાના સપરમાં દિવસોએ થતી ઉજવણીનો ઇતિહાસ ભવ્ય ભૂતકાળ ધરાવે છે.

સદગત મહારાવ સાથે મહારાણી પ્રીતિદેવીબા
સદગત મહારાવ સાથે મહારાણી પ્રીતિદેવીબા

રાજવી પરિવાર દ્વારા ધનતેરસથી નૂતનવર્ષ સુધી ઉજવણી
કચ્છના રાજવી પરિવાર દ્વારા થતી દિવાળીની ઊજવણી વિશે વાત કરવામાં આવે તો સપરમાં દિવસોએ વિશેષ પૂજા પાઠ કરવામાં આવે છે. ધનતેરસથી નવા વર્ષ પડવા સુધી ચાર દિવસ દરમ્યાન દરબારગઢ ખાતે આવેલા દેવસ્થાન 'ટીલા મેડી'ખાતે શાસ્ત્રોક વિધિ સાથે પૂજનવિધિ કરવામાં આવે છે. આ પ્રસંગે સદ્દગત બાવા સાહેબ અચૂક હાજરી આપતા, તેઓ જ્યારે મુંબઇ અને યુ.કે. ખાતે રહેતા ત્યારે પણ આજના દિવસે અહીં પહોંચી આવતા અને પૂજા પાઠની પરંપરાગત વિધિ કરતા. ચાલુ વર્ષે ધનતેરસની પૂજા સંપન્ન થઈ છે આજે કાળી ચૌદસ પ્રસંગે ટીલા મેડી ખાતે મહાકાળી માંના નૈવેધ ધરાવી કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા ( ભુજ કેડીસીસી બેંકના સભ્ય) દ્વારા પૂજાવિધિ કરશે. આવતીકાલે દિવાળીના વિશેષ ચોપડા પૂજન સાથે લક્ષ્મીપૂજન મહારાણી પ્રીતિદેવીબા દ્વારા કરવામાં આવશે. દેવ દેવીઓની આ વિશેષ પૂજામાં દેવપર ઠાકુર કૃતાર્થસિંહ જાડેજા, તેરા ઠાકુર મયૂર્ધ્વજસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવશે.

ભૂતકાળમાં યોજાયેલા કાર્યક્રમમાં આશીર્વાદ મેળવાત કુંવર ઈન્દ્રજીતસિંહ
ભૂતકાળમાં યોજાયેલા કાર્યક્રમમાં આશીર્વાદ મેળવાત કુંવર ઈન્દ્રજીતસિંહ

રાજવી પરિવારમાં દિવાળીની ઉજવણી
અંતિમ મહારાવ પ્રાગમલજી ત્રીજા જેમને બાવા સાહેબ તરીકે પણ સંબોધવામાં આવે છે. ધાર્મિક, પરોપકારી અને સમયનું ચુસ્તપણે અમલવારી કરતા બાવા સાહેબ દિવાળીની ઉજવણી નિવાસસ્થાન રણજીત વીલા ખાતે ઉમંગભેર કરતા. ભુજ મીરજાપર વચ્ચે આવેલા 19 એકર જગ્યામાં ફેલાયેલા 100 વર્ષ જૂના વિશાળ રણજીતવિલા પેલેસમાં દીપમાળા અને લાઈટિંગના સુશોભન કરવામાં આવે, અને અવનવા ફટકડાઓ હારબંધ ફોડવામાં આવે, ચારે તરફ ફૂટતા ફટકડાઓ વચ્ચે રાજ મહેલમાં થતી આતશબાજી અલગજ તરી આવતી. વીલા ખાતે રહેતા 32 જેટલા સ્ટાફ કર્મચારી અને તેમના પરિજનો સાથે ખુદ મહારાવ સાહેબ આતશબાજીનો આનંદ મેળવતા. આ વેળાએ બાવા સાહેબની સાથે મહારાણી સાહેબા પણ જોડાતા. રાણી સાહેબા અને મહારાવે હર્ષોલ્લાસના પાવનપર્વ દિવાળીની ઉજવણી 65 વર્ષથી સાથે કરતા આવ્યા છે. મહારાવ વિનાની આ પ્રથમ દિવાળી છે.

મહારાવ દ્વારા ટીલા મેડી પર કરાતી પૂજાવિધિની ફાઈલ તસવીર
મહારાવ દ્વારા ટીલા મેડી પર કરાતી પૂજાવિધિની ફાઈલ તસવીર

દિવાળીની ઉજવણીનો ભવ્ય ભૂતકાળ
રાજાશાહી વખતે યોજાતી દિવાળીએ કહેવાય છે કે પાંચ નાકા અને છઠ્ઠી બારી સહિત આખું ભુજ ધજા પતાકા દ્વારા શણગારવામા આવતું. આ વિશે કચ્છ ઇતિહાસ પરિષદના સેક્રેટરી પ્રમોદભાઈ જેઠીએ વિગતો આપતા કહ્યું હતું કે 75 વર્ષ પહેલા ગુલામીકાળ સુધી વડીલો અને બુજુર્ગો પાસેથી સાંભળેલી વાતો મુજબ દિવાળી પર્વે પ્રાગમહેલને ખાસ સુશોભિત કરવામાં આવતો, મહેલમાં રહેલા ચારેય છેલ છતરમાં ફાનસ અંદર દિવા પ્રગટાવી ગોઠવવામાં આવતા જે આખી રાત ચાલુ રહેતા અને દૂર સુધી જોવા મળતા. એ સમયે આમ પ્રજા ફટાકડા ના ફોડતા ત્યારે દરબાર ગઢ ખાતે વિવિધ રમત સાથેની અનોખા ફટાકડા સાથેની આતશબાજી જોવા નગરજનો ઊમટતા. અને વહેલી સવારે મહારાવ સાહેબ દ્વારા દેવસ્થાનની પૂજા આરતી કરાયા બાદ શુભેચ્છકો સાથે સ્નેહ મિલન યોજતું. જેમાં મુલાકાતીઓ રાજાના ચરણે નારિયેળ રાખતા અને સામે લોકોને સાકરના પેડા આપવામાં આવતા. આ પરંપરા હજુ સુધી ચાલુ છે. ભુજનો પ્રાગ મહેલ અને મુંબઈના વિટી સ્ટેશનની ભવ્ય ઇમારત બ્રિટિશ ઇજનેર વિલકેને બનાવી છે. 150 વર્ષ પહેલાં બીજા પ્રાગમલજી મહારાવએ પ્રાગ મહેલ બનાવડાવ્યો હતો.

રાજનું નૂતન વર્ષ
મહારાવ સાહેબની દિવાળી અને નૂતન વર્ષની પ્રણાલિકા વિશે કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજાએ કહ્યું કે સદ્દગત મહારાવ પ્રાગમલજી ત્રીજા દ્વારા દિવાળીની સાંજે ટીલા મેડી ખાતેના દેવસ્થાને ધાર્મિક પૂજા અર્ચના બાદ રાત્રે રણજીત વીલા ખાતે ફટાકડા ફોડી આતશબાજી કરવામાં આવતી. અને વહેલી સવારે ભુજના માં આશાપુરા મંદિરે દર્શન પૂજા બાદ રણજીત વીલા ખાતે બેઠક યોજાતી, સ્નેહ મિલનમાં કચ્છના જિલ્લા કક્ષાના ઊંચ અધિકારીઓ, રાજકીય પદાધિકારીઓ, સામાજિક અગ્રણીઓ વગેરે મળવા આવે , મહારાવના ચરણે નારિયેળ ધરી નવા વર્ષની શુભેચ્છાની આપ લે કરતા. મહેમાનોનું રાજઘરના સાથે સ્વાગત કરવામાં આવતું. શિસ્તબંધ રીતે મહાનુભાવો, લોકો પેલેસના ખુલ્લા પટાંગલમાં હરિયાણા વાતાવરણમાં , લહેરાતી વનરાજી વચ્ચે સ્નેહમિલન યોજતું જેમાં કચ્છની રાજ પરંપરાની સંસ્કૃતિ અને સભ્યતાના દર્શન થતા જોવા મળે. આ વર્ષે મહારાવની વિદાયનું પ્રથમ વર્ષ હોવાથી સુકન સાચવવા પૂરતી ઉજવણી થશે.