વર્ષોની પરંપરા નાગપંચમી ભુજીયાનો મેળો ગત વર્ષે પ્રતિબંધ હોવાથી નહોતો ઉજવાયો, તો આ વર્ષે નિયમો હળવા થતા લોકો ભૂજિયાની તળેટીએ આવ્યા હતા, પણ જ્યાં મેળો ભરાતો ત્યાં પાર્કિંગ રાખ્યું હતું. ભુજંગ દેવના દર્શન માટે દર વર્ષ કરતા વધુ ભાવિકો દેખાયા હતા, પણ મેળામાં પાંખી હાજરી હતી. સવારથી શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો ભૂજિયા પર દર્શનાર્થે આવ્યા હતા. તો અનેક યુવાનો કિલ્લાની દીવાલ પર થઈને સ્મૃતિવન સુધી ફરવાનો આનંદ લીધો હતો. તો ઐતિહાસિક જીતના માનમાં શાહી સવારી પણ રાજવી પરિવારના વંશજો બે અલગ અલગ સમયે આવી પૂજા કરી હતી.
અંતિમ રાજવીના વારસદારોએ પૂજનવિધિ કરી
નાગપંચમીના તહેવાર નિમિતે પરંપરાનુસાર કચ્છના રાજવી પરિવારના સીધી લીટીના વારસદાર સભ્યો દ્વારા રાજ પરિવારના મોભી મહારાજ કુમાર હનવંતસિંહજીની ઉપસ્થિતિમાં ભુજંગદેવની પૂજા કરવામાં આવી હતી. કુમાર પ્રતાપસિંહજી દ્વારા પ્રથમ ભુજીયાની તળેટીમાં ક્ષેત્રપાળ દાદા તથા બાદમાં શીખર પર આવેલા ભુજંગદેવની પૂજા કરવામાં આવી હતી, જેમાં રાજપરિવારના શાલિનીકુમારી, ત્રિશુલિની કુમારી, અનિરુધ્ધસિંહ અને મેઘદીપસિંહે ભાગ લીધો હતો.
આ પ્રસંગે ભુજના નગરપતિ ઘનશ્યામ ઠક્કર, સેનીટેશન કમિટીના ચેરમેન કમલ ગઢવી, જિલ્લા ભાજપ મહિલા મોરચાના રસિકબા કેસરીયા, શહેર ભાજપ ઉપપ્રમુખ નિકુલ ગોર, નારાણજી જાડેજા, પબુ ગઢવી ‘પુષ્પ ‘, જિલ્લા રાજપુત ક્ષત્રિય યુવા પાંખના મહામંત્રી મહાવિરસિંહ જાડેજા, ઉપપ્રમુખ પ્રદીપસિંહ વાઘેલા, ખાસ મહેમાન તરીકે રાજસ્થાનના રામગઢ પચવારાના શક્તિ પ્રતાપ સિંહ હાજર રહ્યા હતા. કોવિડ નિયમોના પાલન સાથે શાસ્ત્રોક્ત વિધિ કૃપાલ મહારાજે તથા પૂજનવિધિ પૂજારીએ કરાવી હતી.
રાજ પરિવાર વતી રોહા ઠાકોરના હસ્તે વિધિ સંપન્ન
ભુજીયા ડુંગર પર બિરાજમાન ભુજંગ દેવની પુજા અર્ચના કચ્છ રાજવી મહારાઓ પ્રાગમલજી ત્રીજાના દેહાવસાન બાદ મહારાણી પ્રિતિદેવીના આદેશ મુજબ ભુજંગ દેવની પુજા રોહા જાગીર પરિવારના ઠાકોર પુષ્પેન્દ્રસિંહજી દ્વારા સંપન્ન કરવામાં આવી. સવારે પ્રાગમહેલમાં દેવસ્થાનક પર પુજા વિધિ બાદ શાહી સવારી ભુજીયા તળેટી પહોંચી. કંુવર ઈન્દ્રજીતસિંહ જાડેજાએ મહેમાનોનો પરિચય કરાવ્યો હતો.
દેવપર ઠાકોર કૃતાર્થસિંહ, તેરા ઠાકોર મયુરધ્વજસિંહ,રોહા જાગીર કુંવર અક્ષય રાજ, રાજપુત ક્ષત્રિય સમાજના પૂર્વ પ્રમુખ જોરાવરસિંહ રાઠોડ, કચ્છ ઈતિહાસ પરિષદના સાવજસિંહ જાડેજા, કરણીસેના પ્રમુખ વિરભદ્રસિંહ, વકીલો અવનીશ ઠક્કર,અશ્વિન ઠક્કર, ઈતિહાસવિદ પ્રમોદ જેઠી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. નગરપતિ ઘનશ્યામભાઈ ઠક્કરે સ્થાનકના વિકાસ માટેના પ્રશ્નો હલ કરવાની ખાત્રી આપી હતી. ભુજંગ દેવની પુજાવિધિ સ્થાનકના પુજારી વાઘજી રાજુ સંજોટ પરિવાર દ્વારા કરવામા આવી હતી. હમલા મંજલના ખાનજી દેવાજી બાપુના પુસ્તક ‘દ્વારિકા દર્શન’નું વિમોચન રોહા ઠાકોર અને આગેવાનોએ કર્યું હતું. આયોજન રજનીકાંતભાઈ જોશી એ સંભાળ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.