તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:હેડ પોસ્ટ ઓફિસના જર્જરીત મકાનની છતમાંથી પોપડા ખર્યા : જાનહાનિ ટળી

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરની ટપાલ કચેરીની છત ગમે ત્યારે ધબાય નમ: થાય તેવી દહેશત
  • કચેરીનું નવું મકાન બનાવવા માટે શહેરીજનો દ્વારા ઉઠતી માંગ

ભુજની હેડ પોસ્ટ અોફિસના જર્જરીત મકાનની છતમાંથી બુધવારે સાંજે 5.30 વાગ્યાના અરસામાં પોપડા ખર્યા હતા, જો કે સદભાગ્યે જાનહાનિ ટળી હતી. હેડ પોસ્ટ ઓફિસમાં સમગ્ર સ્ટાફને આવવા-જવાનો તિજોરીની બાજુમાંથી જતો પાછળનો ભાગનો દરવાજો છે અને પોસ્ટ ઓફિસની ટપાલ પણ આર.એમ.એસ ઓફિસમાં આ રસ્તેથી જતી હોય છે તેમજ પોસ્ટમેન ભાઈઓ પણ આજ વિભાગમાં બેસે છે તેવામાં છતનો એક મોટોભાગ ધડાકાભેર તૂટી પડ્યો હતો.

આ ઉપરાંત વરસાદ પડે ત્યારે છત ઉપરથી પાણી સીધું અંદર આવે છે અને ઘણીવાર તો કોમ્પ્યૂટર સિસ્ટમ ઉપર પ્લાસ્ટિક ઢાંકવાની નોબત અાવે છે. એકવાર તો આખી છત ઉપર ડામર પાથરવામાં આવ્યો હતો. બેથી ત્રણ વાર પ્લાસ્ટરકામ પણ કરવામાં આવ્યું છે. આમ છતાં ઇમારત જ જર્જરીત હોઇ તેનો કોઇ નિવેડો અાવ્યો નથી અને સમારકામ પાછળ લાખો રૂપિયાનો ધુમાડો થતો રહે છે.

પોપડા ખર્યા બાદ અંદર દેખાતા કાટ ખાઈ ગયેલા સળિયા જોતા એવું લાગે છે કે, ગમે ત્યારે આખી છત ધબાય નમઃ થઈ જશે અને મોટી દુર્ઘટના થવાની પણ સંભાવના નકારી ન શકાય. કચ્છના સાંસદ વિનોદ ચાવડાઅે ભુજની સોર્ટિંગ ઓફિસ બનાવવા રસ લઈને મહેનત કરી હતી એ જ રીતે હવે આ હેડ પોસ્ટ ઓફિસની નવી ઇમારત માટે રસ લે એવી શહેરીજનો દ્વારા માંગ ઉઠી રહી છે.

છતનો જોખમકારક ભાગ રવિવારે કાઢી નખાયો
સૂત્રોના કહેવા મુજબ અત્યાર સુધી કાઉન્ટર વિભાગ, એકાઉન્ટ બ્રાંચ, પબ્લિક એન્ટ્રીગેટ અને બહાર નીકળવાના દરવાજા પાસે છતમાંથી પોપડા પડવાના બનાવો બની ચુક્યા છે. જો કે, અા અંગે હેડ પોસ્ટ અોફિસના નાયબ પોસ્ટ માસ્તર અનિલ વ્યાસનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, પોસ્ટ અોફિસનું મકાન જૂનું હોઇ બે વર્ષ અગાઉ પણ પોપડા ખર્યા હતા અને અત્યાર સુધી અાવી બે વખત ઘટના બની છે, જેથી રવિવારે જ છતનો જોખમકારક ભાગ કાઢી નાખવામાં અાવ્યો છે. છતના સમારકામ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઇ છે પરંતુ કોરોનાના કારણે કામ અટકી પડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...