નુકસાન:અબડાસાના મોટી વમોટી આસપાસના વિસ્તારમાં તલનું વાવેતર નિષ્ફળ જતા ખેડૂોતમાં રોષ, બિયારણના કારણે વાવેતર નિષ્ફળ ગયું હોવાનો આક્ષેપ

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તલના વાવેતર પાછળ ખેડૂતોએ કરેલો ખર્ચ માથે પડ્યો
  • નખત્રાણા ડીવાયએસપી સમક્ષ ખેડૂતોએ લેખિત ફરિયાદ કરી

પશ્ચિમ કચ્છના અબડાસા તાલુકાના મોટી વમોટી અને આસપાસના ગામડાઓમાં તલનું વાવેતર કરનાર ખેડૂતોની હાલત કફોડી બની છે. નબળા બિયારણના કારણે તલનું વાવેતર નિષ્ફળ ગયું હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. આ મામલે નખત્રાણા ડીવાયએસપી સમક્ષ લેખિત ફરિયાદ પણ આપી છે.

કચ્છ જિલ્લામાં એક તરફ વરસાદ ખેંચાયો છે તો બીજી તરફ અબડાસા તાલુકાના મોટી વમોટી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક ખેડૂતોએ ખરીફ પાક માટે તલનું વાવેતર કર્યું હતું. ખેડૂતોનું માનીએ તો, તેઓએ દિવ્યા સુરભી નામની કંપનીનું બિયારણ ખરીદ્યું હતું અને વાવેતર કર્યું હતું. પરંતુ, વાવેતર નિષ્ફળ રહ્યું છે. જેના કારણે આ વિસ્તારના ખેડૂતોની હાલત દુકાળમાં અધિક માસ જેવી થઈ છે.

મોટી વમોટીના ખેડૂત હરેશભાઇ ભાનુશાળીએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે નખત્રાણા ખાતેના બે અલગ અલગ એગ્રો સેન્ટરમાંથી મેં 40 કિલો થેલી તલનું બિયારણ પ્રતિ કિલો રૂ 200ના ભાવે ખરીદ કર્યું હતું. દિવ્યા સુરભી નામની કંપનીનું બિયારણ સારી ઉપજની આશાએ ખરીદ્યું હતું. 28 એકરમાં આ તલનું વાવેતર કર્યું હતું, જેમાં એક એકર દીઠ રૂ. 6 હજાર જેટલી માલ મજૂરી બિયારણનો ખર્ચ કર્યો હતો જે એળે ગયો છે. આ માટે એગ્રો સંચાલક પાસે કંપનીના સંપર્ક નંબર માંગતા તેઓ દાદ આપતા ન હોવાથી નવ ખેડતુઓએ ભુજની ખેતી નિયામકની કચેરી, કલેકટર કચેરી અને નખત્રાણા ડીવાયએસપીને લેખિત ફરિયાદ કરી છે.

નખત્રાણા અને અબડાસા તાલુકાના 25 થી 30 ખેડૂતોએ આ બિયારણ આશરે 20 દિવસ પહેલા ખરીદ કર્યું હતું. જેમાં હંસરાજ લીલાધર ભાનુશાળી, પેરાજ દેવંશી મહેશ્વરી અને દેવેન્દ્રસિંહ રતનજી જાડેજા સહિતના અનેક ખેડૂતોને ભારે આર્થિક નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. ગત વર્ષે અતિવૃષ્ટિના કારણે ખરીફ પાક નિષ્ફળ નિવડ્યો હતો જ્યારે આ વર્ષે પણ બિયારણના કારણે દુઃખી થવું પડ્યું છે. તેમાં પણ વરસાદ ખેંચાઈ જતા હવે નવેસરથી વાવેતર કરવું પણ અશક્ય છે તેથી ખેડૂતો માટે પડ્યા પર પાટુનો તાલ સર્જાયો છે. તંત્ર યોગ્ય નિવારણ લાવે એવી ખેડૂતોની માંગ છે.

દરમ્યાન નખત્રાણા ખાતેના એગ્રો સંચાલકનો સંપર્ક કરતા આ વિશે તેમણે ફોડ પાડતા જણાવ્યું હતું કે કંપનીના જીએસટી ભાવે અમોએ તલના બિયારણનું ખરીદ વેંચાણ કર્યું છે. જે સિલ પેક થેલીમાં વેંચાણ કર્યું હતું. પરંતુ બિયારણ બિન ઉપજાઉ હોવાની ખેડૂતોની ફરિયાદના પગલે કંપનીનું ધ્યાન દોરતા આ બિયારણ સરકાર માન્ય હોવાનું જાણવા મળ્યું હતું. તેમ છતાં જો બિયારણમાંથી પાક ઉગતો ના હોય તો બિયારણના પૈસા પરત આપવા તેમજ નવું બિયારણ આપવાની વાત એગ્રો સંચાલક દ્વારા ખેડૂતોને કરવામાં આવી હતી જે વાતથી ખેડૂતો સહમત ના થતા આ પ્રશ્ન ખડો થયો છે.

અન્ય સમાચારો પણ છે...