અકસ્માત:મુન્દ્રાના ગુંદાલા પાસે સેવાભાવી દંપતીને કાર અકસ્માત નડ્યો, પત્નીનું ઘટનાસ્થળે મૃત્યુ, પતિ સારવાર હેઠળ

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રતાડીયા ગામથી પરત બીડદા જતી વેળાએ કોઈ વાહનની ટક્કર લાગતા કાર પલટી ગઈ હતી
  • અકસ્માતમાં કારમાં સવાર તારાબેન કોમલભાઈ છેડાને ગંભીર પ્રજારની ઇજા પહોંચતા ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું

કચ્છ સેવા સંઘના પૂર્વ પ્રમુખ અને સેવાભાવી કોમલભાઈ છેડા અને તેમની પત્નીને બીડદા પરત જતી વેળાએ ગુંદાલા નજીક અકસ્માત નડ્યો હતો. જેમાં પત્નીનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે કોમલભાઈને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં હતા, જ્યાં તેમની તબિયત હાલ સ્વસ્થ બતાવાઈ રહી છે. અકસ્માતના પગલે જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં દુર્ઘટના સ્થળે મદદ માટે પહોંચી આવ્યાં હતા. દંપતી રતાડિયા ગામથી પરત ફરી બીડદા જઈ રહ્યા હતા આ દરમિયાન કોઈ વાહનની ટક્કર લાગતા તેમની કાર પલટી ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો.

મુન્દ્રા મરીન પોલીસ મથકના પીએસઆઈ ગિરીશ વાણિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, આ અકસ્માતનો બનાવ આજે શનિવારે બપોરે 2.30ના અરસામાં ગુંદાલા ધોરીમાર્ગ પરના ભોરારા ઓવરબ્રિજ પર બન્યો હતો. જેમાં જૈન દંપતીની કારને પાછળથી કોઈ અજાણ્યા વાહન દ્વારા ટક્કર લાગતા બેકાબૂ બનેલી મારુતિ એક્સપ્રો કાર હવામાં ફંગોળાઈ જતા ચાર વખત પલટી મારી ગઈ હતી. જેના પગલે કારમાં સવાર 65 વર્ષીય તારાબેન કોમલભાઈ છેડાને ગંભીર પ્રજારની ઇજા પહોંચતા ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જેમના મૃતદેહને મુન્દ્રા સરકારી દવાખાને પૉસમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો. જ્યારે તેમના પતિ 66 વર્ષીય કોમલભાઈ છેડાને માથાના ભાગે ઇજા પહોંચતા પ્રથમ ભુજની જીકે હોસ્પિટલ બાદ બીડદા ખાતેની હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યાં હતા. જ્યાં હાલ તેમની હાલત ભયમુક્ત હોવાનું જાણવા મળ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, મૂળ માંડવી તાલુકાના બીડદા ગામના વતની અને હાલ મુંબઈના બોરીવલી રહેતા કોમલભાઈ છેડા કચ્છ સેવા સંઘમાં પ્રમુખ પદે સેવા આપી ચુક્યા છે અને અનેક સેવાભાવી પ્રવુતિ સાથે સંકળાયેલા છે. તેમની સાથે બનેલી દુર્ઘટનાના સમાચાર વાયુવેગે ફેલાઈ જતા સમગ્ર કચ્છ અને મુંબઇ જૈન સમાજમાં ભારે શોકની લાગણી ફેલાઇ હોવાનું રાહુલભાઈ દાવડાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...