કમોસમી વરસાદ:આગાહી ન હોવા છતાં કચ્છમાં ધાબડિયા માહોલ વચ્ચે ચાર તાલુકામાં છૂટા છવાયા ઝાપટાં વરસ્યા

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કમોસમી વરસાદથી એરંડા સહિતના તૈયાર પાકોને નુકસાન થવાની ખેડૂતોને ભીતિ
  • ભુજના લોરિયા, અંજાર અને કેટલાક ગામોમાં, રાપર પંથકમાં આડેસર હાઇવે પટ્ટી, માણાબા, બામણસર, સઈ, ડાભુંડા,મોટી રવ, બેલા, ભચાઉ તાલુકાના જંગી, કંથકોટ વિસ્તારમાં માવઠું

અરબ સાગરમાં સર્જાયેલા હવાના હળવા દબાણને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં માવઠાની આગાહી કરાઇ હતી જેમાં કચ્છનો સમાવેશ ન હતો તેમ છતાં ગત મોડી રાત્રે અને વહેલી સવારે ત્રણ તાલુકામાં છૂટા છવાયા ઝાપટા વરસ્યા હતા. ભુજના લોરિયા વિસ્તારમાં, અંજારમાં સ્થાનિકે અને કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં, રાપર પંથકના આડેસર હાઇવે પટ્ટી, બામણસર, માણાબા, સઈ, ડાભુંડા,મોટી રવ, બેલા, ભચાઉ તાલુકાના જંગી અને કંથકોટમાં માવઠું થયું હતું. મોટા ભાગના જિલ્લામાં ધાબડિયા માહોલ સાથે દિવસે પણ ઠંડક અનુભવાઇ હતી.

ભુજ તાલુકાના લોરિયા વિસ્તારમાં વહેલી સવારે ઝાપટું પડતાં માર્ગો ભીંજાયા હતા. આ પંથકમાં મોટા ભાગે એરંડાનો પાક લેવાય છે તેને આંશિક નુક્સાન થવાની સંભાવના ખેડૂતોએ વ્યક્ત કરી હતી. અંજારમાં સવારે 7.30ના અરસામાં વરસેલા ઝાપટાથી માર્ગો ભીંજાયા હતા. તાલુકાના અમુક ગામોમાં પણ આ અરસામાં સામાન્ય છાંટા પડયા હતા. માવઠા બાદ સૂર્યના દિવસભર દર્શન ન થતાં ઠંડક અનુભવાઇ હતી.

ગત મોડી રાત્રે રાપર તાલુકાના આડેસર હાઇવે પટ્ટી, બામણસર,માણાબા,સઈ, ડાંભુડા,મોટી રવ,પ્રાથળ પટ્ટીના બેલા સહિત ના વિસ્તારમા કમોસમી ઝાપટા પડતાં કેટલીક જગ્યાએ વોકળા વહી નીકળ્યા હતા. માવઠાના કારણે એરંડા સહિતના પાકને નુકસાન થશે તેવી ભીતિ મોટી રવના હઠુભા જાડેજા એ વ્યક્ત કરી હતી. માણાબામા બે જોરદાર ઝાપટા પડતાં શેરીમાં પાણી વહી નીકળ્યા હોવાનું સરપંચ અકબરભાઈ રાઉમાએ જણાવ્યું. જીરું, ઘઉં, રાયડો ઈસબગુલ સહિતના વાવેતરને પણ ફટકો પડ્યાની ચિંતા કિસાનોએ વ્યક્ત કરી હતી.ભચાઉ તાલુકાના જંગીમાં ગત રાત્રે ઝાપટું વરસ્યું હતું. કંથકોટમાં પણ ધાબડિયા માહોલ સાથે સામાન્ય ઝાપટું વરસ્યું હોવાના વાવડ મળ્યા હતા.

દિવસે ઠંડક રહેશે, રવિવારથી કચ્છભરમાં વાતાવરણ સૂર્ય પ્રકાશિત થશે
રાજ્યની સાથે કચ્છમાં પણ લો પ્રેશરના પગલે સર્જાયેલો ધાબડિયો માહોલ શનિવાર સુધી જોવા મળશે અને રવિવારથી વાતાાવરણ સૂર્ય પ્રકાશિત થશે તેમ જણાવતાં ભુજ હવામાન વિભાગના પ્રભારી રાકેશકુમારે કહ્યું હતું કે, કચ્છમાં છૂટા છવાયા સ્થળે છાંટા કે સાવ સામાન્ય ઝાપટાની સંભાવના છે, વરસાદ પડે તેમ નથી. તડકો ન નીકળવાના કારણે મહત્તમ તાપમાન ઘટશે જ્યારે ન્યૂનતમ વધવાની વકી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

અંજાર, ભચાઉ અને મુન્દ્રામાં રાત્રે ઝરમર
રાત્રે 10 વાગ્યાના અરસામાં અંજારમાં ફરી ઝરમર વરસ્યો હતો. ભચાઉમાં વિચિત્ર હાજરી રહી હતી. નગરના ફૂલવાડીમાં હળવું ઝાપટું પડ્યું હતું તો મહારાણા પ્રતાપ ગેટ વિસ્તાર કોરો રહ્યો હતો. તાલુકાની કાંઠાળ પટ્ટીના છાડવારા, જંગી, આમલિયારા, શિકારપુર સહિતના ગામોમાં રાત્રે 10.30ના ગાળામાં ઝાપટું વરસ્યું હતું. મુન્દ્રામાં પણ 10 વાગ્યાના અરસામાં માર્ગો ભીંજાય તેવા છાંટા પડ્યા હતા.કુકમાથી રતનાલ સુધી છાંટા પડ્યા હતા.

મહત્તમ તાપમાન સરેરાશ 3 ડિગ્રી ઘટ્યું
કચ્છભરમાં સવારથી વાદળો છવાઇ જતાં મહત્તમ તાપમાન સરેરાશ 3 આંક ઘટવાની સાથે દિવસે ઠંડક પ્રસરી હતી તો ન્યૂનતમ પણ સરેરાશ 3 ડિગ્રી ઉંચકાતાં અગાઉ અનુભવાતી ઠંડક આંશિક ઘટી હતી. રાજ્યમાં મોખરે રહેલાં નલિયામાં 14.4 ડિગ્રી સાથે ઠંડી અનુભવાઇ હતી જ્યારે દિવસનું તાપમાન 29 ડિગ્રી નોંધાયું હતું. જિલ્લા મથક ભુજમાં ઉંચું 27.4 અને નીચું ઉષ્ણતામાન 21.2, કંડલા એરપોર્ટ મથકે 27.6 તથા 20.5 જ્યારે કંડલા પોર્ટ પર મહત્તમ 27.7 અને લઘુતમ 22 ડિગ્રી નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...