અકસ્માત:ભુજના દેશલપરમાં મધરાતે મીઠા ભરેલું ટ્રેલર મેડિકલ સ્ટોર સાથે અથડાયું, સદભાગ્યે જાનહાની ટળી

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નખત્રાણા બાજુથી ભુજ તરફ મીઠું ભરીને જતું ટ્રેલર ઢોળાવના કારણે સરકી ગયું
  • મેડિકલની દુકાનનાં શટર અને એલ્યુમિનિયમ સેક્શન તૂટી ગયા
  • ટ્રેલરની કેબિનના આગળના ભાગ અને એન્જિનમાં પણ ક્ષતિ પહોંચી

ભુજ તાલુકાના દેશલપર ગામના બસ સ્ટેશન પાસે ગઈકાલે બુધવારે મધ્યરાત્રીએ એક ટ્રેલર નજીકની ચાની હોટલ પર ઉભું રાખવામાં આવ્યું હતું, જે ઢોળાવ પર ઉભું હોવાથી સ્થળ પરથી સરકી ગયું હતું અને સીધું જ પાસેની એક મેડિકલ સ્ટોરની દુકાનમાં ઘુસી ગયું હતું. જો કે રાત્રીનો સમય હોવાથી સદનસીબે જાનહાની ટળી હતી.

આ અકસ્માતનો બનાવ મધરાત્રીના 3 વાગ્યાની આસપાસ બન્યો હતો. આ વિશે ગામના ચેતનભાઈ માવાણીએ જણાવ્યું હતું કે દેશલપરના બસ સ્ટેશન પાસે નખત્રાણા બાજુથી ભુજ બાજુ જતું મીઠું ભરેલું ટ્રેલર પાસેની ચાની હોટલ પર પાર્ક કરી તેનો ચાલક ચા પીવા રોકાયો હતો. દરમિયાન ટ્રેલર ન્યુટ્રલ સ્થિતિમાં હોવાથી અને ઢોળાવમાં ઉભુ રખાયું હોવાના કારણે સ્થળ પરથી સરકી ગયું હતું અને ત્યાં આવેલી મેડિકલ સ્ટોરમાં ઘુસી ગયું હતું. જેના કારણે મેડિકલની દુકાનનાં શટર અને એલ્યુમિનિયમ સેક્શન તૂટી જતા તેમાં નુકશાન પહોંચ્યું હતું. તો ટ્રેલરની કેબિનના આગળના ભાગ અને એન્જિનમાં પણ ક્ષતિ પહોંચી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે નખત્રાણા ભુજ ધોરીમાર્ગ પરના દેશલપર ગામના બસ સ્ટેશન નજીક દિવસ દરમિયાન લોકોની ભારે અવરજવર રહેતી હોય છે. વિવિધ બેંકની શાખાઓ, કતારબંધ વ્યાવસાયિક દુકાનો, રીક્ષા સ્ટેન્ડના કારણે ટ્રાફિકથી વ્યસ્ત રહેતા વિસ્તારમાં સર્જાયેલા અકસ્માતનો સમય સદનસીબે રાત્રીનો હોવાથી જાનહાની ટળી હતી. જો આ જ અકસ્માત દિવસ દરમિયાન સર્જાયો હોત તો જરૂર મોટી જાનહાની સર્જાત એવું સ્થાનિક લોકોએ કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...