દેશ દુનિયાના લોકોની જિંદગી હરામ કરનાર કોરોના મહામારીની બીજી લહેર સુનામી બનીને ત્રાટકી રહી છે. લોકો પરેશાન છે. ત્યારે સમગ્ર દેશ અને દુનિયા કોરોના મુક્ત બને, તે માટે પૂર્વ કચ્છના ભચાઉ નજીક એક સંત દ્વારા ઘોમઘખતા તાપમાં અગ્નિ સાધના કરાઈ રહી છે. મધ્યપ્રદેશના ખાંડવા જિલ્લાના કાલાઘુડી પ્રાંતમાંથી કચ્છ ખાતે પધારેલા સંત પંકજમુની, લોક કલ્યાણ અને વિશ્વ શાંતિ અર્થે ઉગ્ર તપસ્યા કરી રહ્યાં છે.
11 દિવસીય ચાલનારી આ તપસ્યાનો આજે ત્રીજા દિવસ
તપસ્વી સંત માત્ર નારિયળ પાણી આરોગી 42 ડીગ્રી તાપમાનમાં ચોતરફ અગ્નિની જ્વાળાઓ વચ્ચે આસન પર બેસી અગ્નિ સાધના કરી રહ્યાં છે. ભચાઉની પશ્ચિમ દિશાએ આવેલા મહાવીર હનુમાન મંદિર પટાંગણમાં આ તપસ્યા ચાલી રહી છે. સામાન્ય માનવી 10 મિનિટ પણ તડકામાં નથી રહી શકતો. જ્યારે 11 દિવસીય ચાલનારી આ તપસ્યાના ત્રીજા દિવસે પસીનાથી રેબઝેબ બનેલા આ બાપુનો જુસ્સો અવિશ્વસનીય લાગતો હતો.
સંત એક પણ રૂપિયાની દક્ષિણા લેતા નથી
તપસ્વી સંતના સેવક કરમરીયા ગામના માજી સરપંચ શંકર પુના છાંગાએ રૂબરૂ મુલાકતમાં જણાવ્યું હતું કે ભચાઉ પાસેના મહાવીર હનુમાનજી મંદિર ખાતે ચાલતી અગ્નિ સાધનાની ખાસ જાહેરાત કરાઈ નથી. તેમ છતાં જો કોઈ ભાવિક દર્શન કરવા આવે છે, તો તેમને સરકારની માર્ગદર્શિકાનું સખ્ત પાલન કરાવાઈ રહ્યું છે. એમ.પી.થી પધારેલા સંત ભારત ભ્રમણ દરમ્યાન વર્ષમાં એક વખત જરૂર તે કચ્છની મુલાકત લે છે.
તેમના જ્ઞાન દ્વારા યોજાતા સત્સંગ પ્રવચન સાંભળવા એ પણ એક લાહ્વો છે. સમગ્ર દેશમાં તેમના સેવકો આવેલા છે. પોતે એક પણ રૂપિયાની દક્ષિણા લેતા નથી. એવા વિરલ સંત દ્વારા કોરોના મુક્તિ યજ્ઞનો પ્રારંભ થયો છે, જે ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ મહત્વની બની રહેશે.
મંદિરના સંચાલક અને સેવક જીવાભાઈ રબારી આ યજ્ઞવિધિની સંપૂર્ણ જવાબદારી સંભાળી રહ્યાં છે. તેમનણે કહ્યું હતું કે દરરોજ એક ટ્રેક્ટરથી વધુ છાણા આ સાધના દરમ્યાન વપરાય છે. વહેલી સવારથી સાંજ સુધી અગ્નિ પ્રજ્વલિત રહે છે. આ માટે બાપુની નજર સતત જોતી રહે છે, ક્યાંય આગ બુઝાઈ તો નથીને.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.