અરબી સમુદ્રમાં સંયુક્ત અભિયાન:કેફી દ્રવ્ય ઘુસાડવાના સીલસીલા વચ્ચે આવતીકાલથી ‘સાગર શક્તિ’ કવાયત

નારાયણ સરોવર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ભારતની એજન્સીઓ અરબી સમુદ્રમાં કરશે સંયુક્ત અભિયાન

ગુજરાતના દરિયામાં ચાલતા કેફી દ્રવ્યો ઘુસાડવા અને પકડાવાના સીલસીલા વચ્ચે દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા શુક્ર અને શનિવારે અરબી સમુદ્રમાં ‘સાગર શક્તિ કવાયત’ આદરશે. સીમા સુરક્ષા દળના નેજા હેઠળ બે દિવસ સુધી વિવિધ એજન્સીઓ સમુદ્રી સુરક્ષા અભિયાનમાં જોડાશે. માછીમારોને આ માટેની ગાઇડલાઇન આપવામાં આવી છે. હાલમાં સામેપાર પાકિસ્તાનમાં બીજી કોઇ ખાસ મુવમેન્ટ નથી, પરંતુ કચ્છમાં જખૌના દરિયામાંથી કરોડોનું કેફીદ્રવ્ય પકડાયા પછી છેલ્લે દેવભૂમિ દ્વારકામાં બે દિવસ પૂર્વે બે સ્થળેથી ડ્રગ્સ પકડાવાનો મહિનાઓનો સીલસીલો ચાલી રહ્યો હોવાથી ‘સાગર શક્તિ’ કવાયતને મહત્વની માનવામાં આવી રહી છે.

શંકાસ્પદ બોટ કે હીલચાલ દેખાય તો સુરક્ષા એજન્સીઓને જાણ કરવા તાકીદ
સુરક્ષા એજન્સીઓ તો સમુદ્રમાં કે કિનારા વિસ્તારમાં સખત જાપ્તો રાખશે જ પરંતુ માછીમારોને પણ કોઇ શંકાસ્પદ કે ગેરકાનૂની પ્રવૃત્તિ અથવા રાષ્ટ્રીય સુરક્ષા વિરોધી હીલચાલ કરતી વ્યક્તિ કે પછી બોટ નજરે પડે તો મરીન પોલીસ, સ્થાનિક પોલીસ તથા અન્ય સુરક્ષા એજન્સીઓનો તાત્કાલિક સંપર્ક કરવા કચ્છના મદદનીશ મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા અનુરોધ કરાયો છે.

મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા કન્ટ્રોલરૂમ ચાલુ કરાશે
તા. 19,20 નવેમ્બર દરમિયાન કચ્છ સહિત ગુજરાતના દરિયામાં ‘સાગર શક્તિ’ કવાયત હાથ ધરાઇ રહી હોવાથી મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી, ભુજ દ્વારા તા. 19ના સવારે 8 વાગ્યાથી કન્ટ્રોલરુમ ચાલુ કરાશે જેના નંબર 02832 253385 તથા ફેક્સ નં. 02832 250292 કાર્યરત રહેશે, જ્યાં એક રજીસ્ટર બનાવાશે અને અભિયાન સાથે સંકળાયેલી તમામ એજન્સી સાથે સંપર્ક રખાશે.

માછીમારોને જાગૃત રહેવા અપીલ, હેલ્પલાઇન નંબરનો કરો ઉપયોગ
અા અભિયાન દરમિયાન માછીમારો તેમને અપાયેલા સંદેશાઓ-સૂચનાનો મહત્તમ ઉપયોગ કરે, તમેજ માછીમાર આગેવાનો, માછીમારો, નાત પટેલ, બોટ એસોસિયેશન, બોટ માલિકો સંકટ સમયે કોસ્ટગાર્ડનો ટોલ ફ્રી નંબર 1093નો ઉપયોગ કરે તેવી અપીલ મત્સ્યોદ્યોગ વિભાગે કરી છે. ઉપરાંત મત્સ્ય બોટો, જાળ તથા માછીમારોને કોઇ હાનિ ન પહોંચે તે માટે સચેત અને જાગૃત રહેવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...