માવઠાની માર:અબડાસાના ગામેગામ અડધા ભાવે વેચાતી કેસર કેરી

રાયધણજર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુદરતી રીતે પકાય તે પહેલા વેચાતી કેરી આરોગ્ય માટે હાનિકારક

કુદરતી રીતે પંકાય તે પહેલા અબડાસા તાલુકાના ગામેગામ કેસર કેરી અડધા ભાવે વેચાઈ રહી છે, જે કોરોના વચ્ચે આરોગ્ય માટે ખતરનાક સાબિત થઇ શકે છે. કેસરની ખરીદી કરીને તેનો સ્વાદ લેતા પહેલા, કેટલીક સાવચેતી અને તકેદારી જરૂરી છે . ગત સપ્તાહે આવેલા વાવાઝોડાના કારણે ,ખાસ કરીને કેસર કેરીના હબ તરીકે જાણીતા માંડવી તેમજ નખત્રાણા પંથકમાં કેસર કેરીના પાકને નુક્સાન થયું છે. ત્યારે વાવાઝોડા માં ઝાડ પર થી પડી ગયેલ કાચી કેરીઓ ને સાવ ઓછા ભાવે વેચી દેવાની ફરજ પડી છે.જેના કારણે ખેડૂતોને આર્થિક નુકશાન વેઠવું પડી રહ્યું છે.

છૂટક વેપાર કરતા કેટલાક ફેરિયા, ખેડૂતો પાસેથી આવી કેરી લઈને, બોક્ષમાં પેકિંગ કરીને પોતાના નાના કેરિયર વાહનોથી અબડાસા તાલુકાના ગામડે ફરીને 40 થી 50 રૂપિયે કિલોના ભાવે વેચાણ કરી રહ્યા છે. સામાન્ય રીતે 80 થી 100 રૂપિયાના ભાવે વેચાતી કેરી હમણાં અડધા ભાવે વેચાઇ રહી છે.

જાણવા મળતી વિગતો મુજબ ઝાડ પર પાકેલી કેરી આવવાને થોડા દિવસોની હજી વાર છે અને જે કેરીઓ ઝાડ પરથી પડી ગયેલી છે તેમાં હજી શાખ જ નથી અને આવી કાચી કેરીને સંભવત અમુક ફેરિયાઓ કાર્બાઈડથી પકવી રહ્યા છે, જે આરોગ્ય માટે નુકસાનકારક છે. કાર્બાઈડ પાવડરફૂડ સેફ્ટી રેગ્યુલેશન 2011 ના નિયમ મુજબ એસેટિલિન ગેસ અથવા તો કેલ્શિયમ કાર્બાઈડથી પકવેલા ફળોના વેચાણ પર પ્રતિબંધ છે. આ તત્વને કારણે નર્વસ સિસ્ટમ અને પેટને લગતા ગંભીર રોગ થઈ શકે છે. જેથી લોકોને ખાસ તકેદારી રાખવી હિતાવહ છે.

કુદરતી અને કાર્બાઇડથી પકવેલી કેરીમાં આ છે તફાવત
કુદરતી રીતે પાકેલી કેરી અને કાર્બાઈડથી પકવેલી કેરીમાં મુખ્ય તફાવત એ છે કે , કુદરતી રીતે પાકેલી કેરી ચારે બાજુ એક સરખી પાકેલી નથી હોતી , જ્યારે કાર્બાઇડથી પકવેલી હોય તો દેખાવમાં ચારે બાજુ એકસરખી હોય છે. જે દેખાવમાં ભલે સારી હોય પણ કાર્બાઇડથી પકવેલી હોય છે.જે આરોગ્ય માટે નુકસાન કારક છે.

અન્ય સમાચારો પણ છે...