વાગડના તાલુકા મથક ભચાઉથી 5 કીમી દૂર વાડી વિસ્તારમાં આવેલા ઐતિહાસિક લોધેસ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસની શિવ પૂજાના પ્રથમ સોમવારે નગરના બ્રહ્મ પરિવાર દ્વારા લઘુ રુદ્રી યોજાય છે. છેલ્લા ઘણા વર્ષથી બ્રહ્મ પરિવાર આ પાવન અવસરે મહા પ્રસાદનું આયોજન કરી રહ્યા છે.
મંદિરનો ઇતિહાસભચાઉથી ઉત્તર દિશાએ નવાગામ નજીકના વાડી વિસ્તારમાં આવેલું ભોળા દેવ શંકર મહાદેવનું મંદિર ઘણા વર્ષો જૂનું છે. કહેવાય છે કે વર્ષો પૂર્વે જ્યારે સિંધુ નદીના વહેણ કચ્છમાં વહેતા હતા ત્યારે આ સ્થળની આસપાસ વસવાટ કરતા લોધી પરિવારના લોકો માછીમારી માટે દરિયો ખેડવા જતા ત્યારે તેમની જાળમાં શિવલિંગ મળી આવ્યું હતું, જેનું સ્થાપન આ સ્થળે કરવામાં આવ્યું હતું. ત્યારથી લોધેસ્વર મહાદેવના નામે સ્થાપિત થયેલ મંદિર આજે વર્ષોથી વાગડ વિસ્તારના શ્રાદ્ધળઓના હૃદયમાં અદકેરું સ્થાન ધરાવે છે.
2001ના ભૂકંપમાં જૂનું મંદિર જર્જરિત થઈ જતા સમસ્ત ભચાઉ ગામના લોકો દ્વારા જીર્ણોધ્ધાર થતા વિશાળ મંદિર નિર્માણ પામ્યું છે. અહીં દર્શને આવતા ભક્ત પરિવારો માટે બેસવા માટે બેન્ચીસ અને પીવાના પાણીની સગવડતા સાથે આસપાસનું સુંદર વાતાવરણ આનંદદાયક બની રહે છે. મંદિર સમીપે જૈન સમાજ સંચાલિત તાલુકાની સૌથી મોટી ગાયોની પાંજરાપોળ પણ કાર્યરત છે.
લઘુરુદ્રીભોળા ભંડારી મહાદેવ શિવજીના પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન અહીં પણ પુરા ભાવ સાથે ભગવાન શિવની આરાધના કરવામાં આવે છે. ખાસ શ્રાવણના પ્રથમ સોમવારે ભચાઉના બ્રહ્મ સમાજના શંભુલાલ દેવશંકર જોશી પરિવાર દ્વારા ઘણા વર્ષોથી લઘુ રુદ્રનું આયોજન કરવામાં આવે છે. જેમાં વહેલી સવારથી બપોર સુધી લાંબી ચાલતી રુદરીની ધાર્મિક વિધિ દરમ્યાન વિદ્વાન બ્રહ્મણોના મંત્રોચ્ચાર સાથે મંદિરના ગર્ભગૃહ અંદર શિવલિંગ ઉપર પંચામૃત સમાં દૂધ, દહીં, નારિયેળ પાણી, શેરડી રસ સહિતના દ્રવ્યોથી જળાભિષેક કરવામાં આવે છે. શાસ્ત્રીપદે નરેન્દ્રભાઈ દવે પોતાનું યોગદાન આપે છે. સાથેસાથે શિવલિંગ અને મંદિરને વિવિધ સુંગધિત ફૂલોની હરમાળાથી શણગારવા આવે છે. લઘુ રુદરીના દર્શન માટે માત્ર ભચાઉજ નહીં સમગ્ર તાલુકામાંથી અને છેક મુંબઇ વસતા પટેલ, જૈન સમાજના ભાવિકો પધારે છે.
હિન્દૂ શાસ્ત્રોમાં બ્રહ્મ ભોજન કરાવવાનું અનેરું મહત્વ રહેલું છે પરંતુ અહીંના બ્રહ્મ સમાજના પરિવાર દ્વારા લોકો માટે ધાર્મિક વિધિ દરમ્યાન મંદિર પાસે મહા પ્રસાદનું આયોજન કરવામાં આવે છે જેનો હજારો ભાવિકો આમંત્રણને માન આપી પ્રસાદ ગ્રહણ કરે છે. છેલ્લા બે વર્ષથી કોરોનાકાળના પગલે મહાપ્રસાદનો કાર્યક્રમ મુલતવી રાખવો પડ્યો છે. એવું લઘુ રુદરીના વ્યવસ્થાપક જીનેન્દ્રભાઈ જોશી (ટીના મારાજ)એ જણાવ્યું હતું. કોરોના આવ્યો પણ શ્રાવણ માસમાં દર્શન માટે ભક્તોની શ્રદ્ધામાં ઓટ આવી નથી અને સમગ્ર શ્રાવણમાં આ મંદિરમાં દિવસભર જય ભોલેનો નાદ ભાવિકો ગુંજતો રાખે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.