તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છૂટછાટમાં વધારો:કચ્છમાં પણ મીની લોકડાઉન બાદ અનલોકમાં રાહત સાથે રોનક પાછી ફરી

ભુજએક દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકોએ સાવધ બની ગાઈડલાઈન પાળવી જરૂરી : આરોગ્ય અધિકારી

કોરોનાની બીજી લહેરના ઘેરા પરિણામ બાદ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના જાહેર સ્થળો અને 36 શહેરોમાં મીની લોકડાઉન લાદવામાં આવ્યો હતો. હવે જ્યારે કોરોના સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે. જેના પરિણામે અનલોકની પ્રક્રિયા હેઠળ 9 જુનના જાહેર કરાયેલા તંત્રના આદેશના પગલે આજ તાં 11 જૂનથી ફરી પ્રતિબંધિત ક્ષેત્રો ખુલવા પામ્યા છે. જેમાં મોટા મંદિર, જિમ, રેસ્ટોરાં, બાગ બગીચા સહિતના જાહેર સ્થળો ખુલી જતા આ સ્થળે લોકોની ચહલ પહલ આજથી જ જોવા મળી હતી.

ભુજના મંગલમ ચાર રસ્તા નજીકના રેસ્ટોરન્ટ અને નાસ્તાની લારી પર અલ્પાહાર માટે સ્વાદ રસિકો ઉમટી પડ્યા હતા. જ્યારે ભુજ અને ગંધીધામ શહેરના મોટા ભાગના જિમમાં સફાઈ કાર્ય કરવામાં આવ્યું હતું. ગાંધીધામના જિમ સંચાલકે આજ સાંજથી જિમ શરૂ કરવાની વાત કહી હતી. તો ગાંધીધામના સિંધુબાગ અને આદિપુરના મંદિર બાગમાં સવાર પહોરમાં સહેલાણીઓ આવી પહોંચ્યા હતા.જ્યારે ભુજના ખેંગારબાગના વોક વે શહેરીજનોએ આજથીજ ઉપીયોગ શરૂ કરી વોકિંગમાં નીકળી પડ્યા હતા. નાસ્તાના લારીધારકોને મુખ્યત્વે સાંજના ભાગે વેપાર વધુ રહેતો હોવાથી હવે સાંજના સાત વાગ્યા સુધી વેપાર કરવાની છૂટ મળતા આવકમાં વધારો થવાની આશા ધંધાર્થીઓએ વ્યક્ત કરી હતી.

બીજી તરફ એસ.ટી બસોમાં 60 ટકા મુસાફરોને છૂટ મળતા બસ મથકો પર ભીડ જોવા મળી હતી. અને મોટા ભાગની બસોમાં મર્યાદાથી વધુ મુસાફરો જોવા મળ્યા હતા. અને ડેપો પર રાહ જોતા પ્રવાસીઓ વગર માસ્કે ફરી રહ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ નહી કરતા લોકો બેદરકારી દાખવતા જોવા મળ્યા હતા. જે કોરોનાકાળમાં ગંભીર પરિણામ લાવી શકવાની આશંકા બુદ્ધિજીવીઓએ વ્યક્ત કરી હતી.

જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. માઢક સાહેબે કોરોના કેસો ઘટવાની સાથે લોકોની કોરોના પ્રત્યેની જાગૃતિ ન ઘટે તે માટે સાવધ રહેવાની અપીલ કરી હતી. અને હજુ પણ જરૂરી કામ વગર બહાર ન નીકળવા તથા કોરોના ગાઈડલાઈનનું સખ્તપણે પાલન કરવા પોતાની સાથે દરેક માટે હિતાવહ હોવાની ટકોર પણ કરી હતી.

ભુજ અને ગાંધીધામ શહેરમાં દુકાનોના સમયમાં એક કલાકનો વધારો અને રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને બેસાડવાની છૂટ અપાતા રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના ધંધાર્થીઓમાં ખુશી જોવા મળી હતી.

ભુજમાં સક્રિય 6 જેટલા જિમ સંચાલકોએ હજુ આવતીકાલથી જીમનું કાર્ય શરૂ કરશે.. ગાંધીધામમાં 8 જેટલા જિમ આવેલા છે. તેમાં 4 થી 5 જિમ સાફ સફાઈ કરવા ખુલ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...