અકસ્માત:કચ્છ જિલ્લામાં આજે વિવિધ સ્થળે માર્ગ અકસ્માત સર્જાયા, એકના મોત સિવાય બાકી લોકોનો આબાદ બચાવ

ભુજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુન્દ્રા પાસે ઇકો કાર અને રીક્ષા વચ્ચે ટક્કર થતા મહિલા સહિત 2 જણ ઘવાયા
  • લખપતના દયાપર માર્ગે બોલેરો જીપ પલટી જતા તેમાં સવાર વ્યક્તિઓનો આબાદ બચાવ
  • અંજારના સાપેડા પાસે ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી જતા ત્રણને ઇજા પહોંચી

કચ્છમાં આજે મંગળવારે વિવિધ સ્થળે માર્ગ અકસ્માતની ઘટનાઓ બનવા પામી હતી. આજે વહેલી સવારે ભુજ તાલુકાના દેશલપર પાસે સ્કૂલબસ અને બોલેરો જીપ વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું, તો ત્રણ જણાને ઇજા પહોંચી હતી. આ સિવાય અન્ય ત્રણ માર્ગ અકસ્માતના બનાવ બન્યા હતા. જેમાં મુન્દ્રાના ડાક બંગલા સામે કેવડી નદી પર ઇકો કાર નંબર જીજે 12 ડીએસ 1757ની રીક્ષા નંબર જીજે12 બીયું 2280 સાથે ટક્કર સર્જાતા રીક્ષામાં સવાર સામાજિક કાર્યકર રીટા દેસાઈ અને અન્ય એક વ્યક્તિને ઇજા પહોંચી હતી. જેમને સારવાર અર્થે મુન્દ્રા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રીટાબેનને પગના ભાગે ગંભીર ઇજા હોવાથી તેમને ભુજની જી કે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું ઇબ્રાહિમ તુર્કએ જણાવ્યું હતું.

અન્ય અકસ્માતનો બનાવ લખપત તાલુકાના દયાપર પાસે બન્યો હતો. જેમાં સવારના 09:30ના સમયે દયાપરથી દોલતપર તરફ જતા માર્ગે પવનચક્કી કંપનીમાં કામ કરતી માનસી એન્ટરપ્રાઇઝ નામની ખાનગી કંપનીની બોલેરો જીપના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા જીપ માર્ગ વચ્ચે પલ્ટી ગઇ હતી. જેમાં સવાર 3થી 4 વ્યક્તિઓને સામાન્ય ઇજા સિવાય જાનહાની ટળી હતી. ત્યાં અકસ્માતના પગલે લોકોની ભીડ એકત્ર થઈ ગઈ હતી અને લોકોએ ઈજાગ્રસ્ત લોકોને જીપમાંથી બહાર નીકાળવામાં મદદ કરી હોવાનું ભરત ત્રિપાઠીએ જણાવ્યું હતું.

અન્ય એક બનાવમાં ભુજ-અંજાર માર્ગ પરના સાપેડા નજીક ગત રાત્રે 1 વાગ્યાની આસપાસ અમદાવાદ જતી પટેલ ટ્રાવેલ્સની બસ અકસ્માતે પલ્ટી ગઈ હતી. જેમાં સવાર કછરુલાલ, મામદ હુસેન ખલિફા અને અસરફ બાવાને નાની મોટી ઇજા પહોંચતા તેમને સારવાર માટે ભુજની જી કે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં પટેલ ટ્રાવેલ્સના જવાબદાર વ્યક્તિઓ ઘટનાસ્થળે પહોંચી મુસાફરોને મદદરૂપ બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...