કાર્યવાહી:નિવૃત્ત નાયબ મામલતદારનો પુત્ર પાસા તળે સુરત ધકેલાયો, માધાપરની યુવતિને પણ આપઘાત માટે કરી હતી મજબૂર

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ત્રણેક માસ પૂર્વે યુવતિને છરી ઝીંકી કર્યો હતો હત્યાનો પ્રયાસ

ભુજના નિવૃત્ત નાયબ મામલતદારના પુત્રને બે યુવતિની પજવણીના ગંભીર ગુનામાં ધરપકડ અને જામીન પર છૂટયા બાદ હવે પોલીસ તંત્રે પાસાનું હથિયાર ઉગામી સુરતની લાજપોર જેલમાં ધકેલ્યો હતો. બે વર્ષ પૂર્વે માધાપરની યુવતિને અાત્મહત્યા કરવા મજબુર કર્યો હતો તો ત્રણ માસ પૂર્વે યુવતિને પ્રેમસબંધ રાખવા માટે જબરદસ્તી કરી પેટમાં છરીનો ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરવા બદલ જેલમાં ધકેલાયો હતો. નિવૃત નાયબ મામલતદાર રવાજી જાડેજાનો પુત્ર નરેન્દ્રસિંહ જાડેજાને પશ્ચિમ કચ્છ પોલીસે પાસાના વોરંટ તળે અટક કરી સુરતની લાજપોર જેલમાં ધકેલ્યો હતો.

નરેન્દ્ર જાડેજાઅે બે વર્ષ પૂર્વે માધાપરમાં રહેતી યુવતિને પ્રેમસબંધ રાખવા માટે જબરદસ્તી કરી માનસિક ત્રાસ અાપતા યુવતિઅે અાપઘાત કરી મોતને ભેટી હતી, જે બનાવમાં રીક્ષાચાલક પિતાઅે દિવ્ય ભાસ્કને વ્યથા ઠાલવતા સમગ્ર કરતુતને પ્રકાશિત કરાયા બાદ અાત્મહત્યા કરવા દુષ્પ્રેરણા અંગે ગુનો દર્જ થયો હતો.

તો ત્રણ માસ પૂર્વે પોલીટેકનીક કોલેજ નજીક રહેતી યુવતિને પ્રેમસબંધ રાખવા માટે જબરદસ્તી કરી પેટના ભાગે છરીનો ઘા ઝીંકી દેતા ગંભીર ઇજાઅો પહોંચી હતી, જે બનાવમાં હત્યાના પ્રયાસની કલમ તળે ગુનો દર્જ થયા બાદ તેની ધરપકડ કરાઇ હતી. જો કે, કોર્ટમાંથી જામીન પર છુટયાના થોડા દિવસમાં જ પશ્ચિમ કચ્છ પોલીસે તેની પાસાની દરખાસ્ત કરી જિલ્લા પોલીસ વડા તરફથી હુકમ થતા તેની અટકાયત કરી સુરતની લાજપોર જેલમાં ધકેલી દેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...