પંચાયતની ચૂંટણીના પડઘમ:કચ્છ જિલ્લાની સૌથી મોટી નખત્રાણા પંચાયતને વિકાસશીલ બનાવવા ત્રણ પેનલ મેદાનમાં, બે વચ્ચે ખરાખરીનો જંગ

ભુજએક મહિનો પહેલા
  • ગામની સમરસ પેનલ અને એકતા પેનલ વચ્ચે રસાકસીભર્યો ખેલ જોવા મળવાની સંભાવના
  • નખત્રાણામાં 25 હજારની વસ્તી, 16 હજાર 200 જેટલા મતદારો
  • બંને પેનલોએ રોડ-રસ્તા, પાણી સહિતના વિકાસ કાર્યો કરવાની વાત કરી
  • મણિનગર સહિતના વિસ્તારોમાં ગટરની સુવિધાનો અભાવ, વિજેતા પેનલ ઉકેલ લાવે તેવી અપેક્ષા

પશ્ચિમ કચ્છના નખત્રાણામાં મૂળભૂત સુવિધાનો અભાવ આજે પણ લોકોને સતાવી રહ્યો છે. તેમાં કોરોનાકાળને લઈ સરકારી ગ્રાન્ટ ના મળતા અનેક જાહેર આયોગના કાર્યો અટકી પડ્યા છે. જે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મુખ્ય મુદ્દા બન્યા છે અને વિકાસના કાર્યો કરી બતાવવા ત્રણેય પેનલના ઉમેદવારો પ્રચાર પ્રસાર સાથે વ્યાયામ કરતા જોવા મળી રહ્યા છે. જો કે મુખત્વે બે પેનલ વચ્ચે 20 વોર્ડમાંથી 15 બેઠક પર ખરાખરીનો જંગ હોવાનું સામે આવ્યું છે.

અહીં અનુસૂચિત જાતિની સ્ત્રી અનામત બેઠક માટે ચૂંટણી જંગ જામશે. અહિની 25 હજારની વસ્તીમાં મુખત્વે પટેલ, મુસ્લિમ, અનુસૂચિત જાતિ, લોહાણા, રબારી, ક્ષત્રિય સહિતની જ્ઞાતિ ધરાવતા આ મથકમાં કુલ 16 હજાર 200 જેટલા મતદારો છે. જે આગામી તા. 19 ડિસેમ્બરના રોજ યોજાનાર પંચાયતની ચૂંટણીમાં પોતાનો સરપંચ ચૂંટી ગ્રામ વિકાસના કાર્યમાં પોતાનો સહકાર આપવા થનગની રહ્યા છે. જે અહિંનો રાજકીય માહોલ જોતા સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે.

સમરસ પેનલમાં 'માટલા'ના નિશાન પર વોર્ડ 15 પર ચૂંટણી લડી રહેલા સરપંચ પદના ઉમેદવાર રિદ્ધિબેન મયૂર વાઘેલા શિક્ષિત ઉમેદવાર છે. તેમણે એમએ સુધીનો અભ્યાસ કર્યા બાદ નાયબ મામલતદારની પરીક્ષા ઉત્તીર્ણ કરી છે. પરંતુ કલાસ 1 અથવા 2ના પદ માટે તેઓ જીપીએસસીની પરીક્ષા આપવા માટે તૈયારી કરી રહ્યા હોવાથી નાયબ મામલતદારની ફરજ સ્વીકારી ના હોવાનું તેમના પતિ મયુરભાઈએ જણાવ્યું હતું.

રોડ-રસ્તા, પાણી સહિતના વિકાસ કાર્યો કરાશે : સમરસ પેનલ

વધુ જણાવતા તેમણે કહ્યું હતું કે વિકાસના કામો કરવા અમે ચૂંટણીમાં ઝપલાવ્યું છે. આ માટે અમે સત્તામાં આવ્યા બાદ પ્રથમ આધુનિક યુગ સાથે કદમ મિલાવવા પંચાયત કચેરી ખાતેથી નવા સોફ્ટવેરની શરૂઆત કરશું. જેના દ્વારા ગામનો દરેક નાગરિક પોતાના મોબાઈલ મારફતે પંચાયતની કામગીરી જોઈ શકશે અને ઓન લાઈન પંચાયતના તમામ વેરા પણ ભરી શકશે. આ સિવાય ગામની 30 વર્ષ જૂની ગટર લાઈનના નવીનીકરણનું કાર્ય કરવાની તેમણે નેમ લીધી છે. તેમણે રોડ-રસ્તા, પાણી સહિતના વિકાસ કાર્યો કરવાની વાત પણ કરી હતી. જેના માટે ચૂંટણી જંગ જીતવા અત્યારે સવારથી રાત સુધી ડોર ટુ ડોર પ્રચાર કરી તેઓ તેમની નીતિઓ વિશે દરેક નાગરિકને મળીને જણાવી રહ્યા છે.

અમારો મુદ્દો સર્વાંગી વિકાસનો : એકતા પેનલ

સામેની તરફ વોર્ડ 14 પર ચૂંટણી લડી રહેલા એકતા પેનલના સરપંચ પદના ઉમેદવાર ભચિબેન કરમશી બડીયા વતી દેવજી બડીયાએ વાત કરતા જણાવ્યું હતું કે અમારો મુખ્ય મુદ્દો સર્વાંગી વિકાસનો છે. જેના માટે અમે સર્વ સમાજને સાથે રાખીને ગામના જે વિકાસના કામ નથી થતા તે નિર્વિવાદ કરવા માંગીએ છીએ. એટલે જ પેનલનું નામ પણ તેમણે એકતા પેનલ રાખ્યું છે. આ માટે તેઓ ગામના ખૂણે ખૂણે પહોંચી ગ્રામજનોને તેમની પારદર્શી પંચાયતની યોજનાઓ વિશે માહિતી આપી પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સત્તામાં આવતાની સાથે મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા તેઓ કામ કરશે અને નગરમાં ગટર, લાઈટ, પાણી, રખડતા ઢોર સહિતની સુવિધાઓ પૂર્ણ કરશે.

મુખત્વે બે પેનલ વચ્ચેનો જંગ

નખત્રાણાના ગ્રામજનો સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે મુખત્વે બે પેનલ વચ્ચેનો જંગ છે. તેમાં સમરસ અને એકતા એમ બંન્ને પેનલ સત્તા માટે મજબૂત દાવેદારી નોંધાવે છે. તેથી એક તરફી જંગ હોય એવું ના કહી શકાય. સમરસ પેનલના રિદ્ધિબેન વાઘેલા પરિવારનું નામ અને કામ કામ કરી જાય એમ છે. તો સામે એકતા પેનલમાં પણ સારી છાપ ધરાવતા અને બિન રાજકીય ઉમેદવારો હોવાથી તેમની સાફ છબી પણ તેમના હિતમાં હોય એવું દેખાય છે.

ગામમાં રખડતા ઢોર, પાણી ભરાવ સહિતના પ્રશ્નો

ગામના વેપારી અગ્રણી દિનેશભાઇ જોશી સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે કોરોના કાળને લઈ જે સરકારી ગ્રાન્ટ મળતી બંધ થઈ તેને લઈ સુવિધાના કામો અટકી ગયા છે. ગામની મુખ્ય જરૂરિયાત પીવાનું પાણી છે, જે નથી મળી રહ્યું. આ માટે નર્મદાનું પાણી ગામને મળતું થાય તે ખૂબ જરૂરી છે. આ સિવાય નવા વિકસેલા મણિનગર સહિતના વિસ્તારોમાં ગટરની સુવિધાનો અભાવ છે. અહીં ગટર છલકવાની કાયમી સમસ્યા રહે છે તો ગામમાં રખડતા ઢોર, પાણી ભરાવ સહિતના પ્રશ્નો છે તેનો આગામી વિજેતા પેનલ ઉકેલ લાવે એવી અપેક્ષા છે.

ત્રીજી પેનલ 7 વોર્ડ પર ચૂંટણી લડી રહી છે તેના મહિલા સરપંચ પદના ઉમેદવાર ડાઈબેન પૅથાભાઈ મારવાડા છે તેમના પક્ષનું નિશાન છે ગેસનો ચૂલો જ્યારે વોર્ડ નંબર 8 પરથી સભ્યપદ માટે એપક્ષ ઉમેદવાર નવીનભાઈ સોની ઉભા રહ્યા છે

અન્ય સમાચારો પણ છે...