કોરોનાનો કહેર:મુંબઇથી રાપર આવેલી સગર્ભાનું કોરોનાથી મોત

ભુજ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાવડિયારાનો તરૂણ હોમ ક્વોરન્ટાઇ હતો - Divya Bhaskar
પાવડિયારાનો તરૂણ હોમ ક્વોરન્ટાઇ હતો
  • વધુ છ સંક્રમિત જે પૈકી દરશડીના મૃતકના પરિવારના ચાર સભ્યો
  • રાપરના વૃધ્ધા અને પાવડિયારાના તરૂણનો સમાવેશ
  • સંક્રમિતોનો આંક પોણી સદી વટાવીને 78 થયો
  • અગાઉ માધાપરના વૃધ્ધ અને દરશડીના આધેડને ચેપી કોરોના ભરખી ચુક્યો છે

કચ્છમાં પ્રથમ બે લોક ડાઉન દરમિયાન અંકુશમાં રહેલા કોરોનાનો રાજ્ય બહારથી આવેલા લોકોને પગલે વિસ્ફોટ થયા બાદ હવે મોતનો આંક પણ વધી રહ્યો છે. બુધવારે દરશડીના દર્દીએ દમ તોડ્યાના બીજા દિવસે ગુરૂવારે રાપરની 30 વર્ષીય સગર્ભાને કોવીડ ભરખી ગયો હતો. જો કે ગર્ભમાં રહેલું બાળક મૃત્યુ પામતાં તેને ગંભીર હાલતમાં ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર કારગત નીવડે તે પહેલાં મહિલાએ અંતિમ શ્વાસ લીધા હતા. તો અન્ય છ દર્દીના રિપોર્ટ પોઝિટવ આવ્યા હતા જે પૈકી દરશડીના મૃતકના પરિવારના ચાર સભ્યોનો સમાવેશ થાય છે. તમામની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું. 

ગર્ભમાં જ બાળક મૃત્યુ પામવાની સાથે ગંભીર હાલતમાં ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી
મુંબઇથી રાપરના સુખડધાર વિસ્તારમાં રહેવા આવેલા 30 વર્ષના મહિલાના ગર્ભમાં પૂરા સમયના આરે બાળકનું મૃત્યુ થયું હતું જેને પગલે તેમની તબિયત લથડતાં પ્રથમ ગાંધીધામની રામબાગ હોસ્પિટલે લઇ જવાયા હતા જ્યાં કેસ જટિલ હોવાનું ફરજ પરના તબીબને જણાયું હતું અને તેમની સલાહ મુજબ ભુજની જનરલ હોસ્પિટલમાં બુધવારે દાખલ કરવામાં આવ્યા હતા. આ સમયે મૃત્યુ પામેલું બાળક તેમના ગર્ભમાં હતું. જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ફરજ પરની સ્ત્રીરોગ નિષ્ણાતોની ટીમે આ મહિલાને બચાવવાના શક્ય તમામ પ્રયાસ કર્યા હતા જે નાકામયાબ રહ્યા હતા અને ગુરૂવારે પરોઢિયે 5.11 કલાકે મહિલાએ પથારી પર અંતિમ શ્વાસ લીધા હતા. આ પૂર્વે તેમના કોરોનાને લગતા નમૂના લેવાયા હતા પણ રિપોર્ટ તેમના મોત બાદ પોઝિટિવ આવ્યો હતો. દરમિયાન વધુ 6 પોઝિટિવ કેસ બહાર આવ્યા હતા જેમાં દરશડીના મૃતકના પરિવારના  એક યુવાન અને ત્રણ મહિલા મળીને ચારનો સમાવેશ થાય છે. અન્ય બે કેસ પૈકી ભદ્રેશ્વર પાસેના પાવડિયારામાં મુંબઇથી આવેલા 17 વર્ષના તરૂણને કોવીડ-19 હોવાનું જણાયું હતું. આ ઉપરાંત રાપરના વાઘેલાવાસના 68 વર્ષના મહિલાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. જો કે તેમની ટ્રાવેલ હિસ્ટ્રી વિશે ડીડીઓએ અજાણતા વ્યક્ત કરી હતી. 

ગર્ભમાં બાળકના મૃત્યુથી મહિલાનું મોત થયાનું તારણ
રાપરના  સગર્ભાને અતિ નાજૂક હાલતમાં ગાંધીધામ બાદ ભુજ લાવવામાં આવ્યા હતા. તે દરમિયાન ચારથી પાંચ કલાક વીતી જતાં હાલત વધુ કથળી હતી. તબીબી સૂત્રો મુજબ બાળક ગર્ભમાંજ મૃત્યુ પામે તેવા કિસ્સામાં કટોકટી જેવી સ્થિતિ પેદા થાય છે અને માતાના લિવર તેમજ કિડની સહિતના અંગોને ભારે નુક્સાન થવાની સંભાવનાઓ રહે છે. આ કારણોસર મહિલાનું મોત થયું હોવાનું પ્રાથમિક તારણમાં બહાર આવ્યું હતું.

ભુજના તબીબોને ક્વોરન્ટાઇન કરાશે ?
મૃતક મહિલાને જનરલ હોસ્પિટલમાં નિષ્ણાત તબીબોએ પીપીઇ કીટ સહિતની સાવચેતી સાથે સારવાર આપી હતી. તેમને તથા નર્સિંગ સ્ટાફને ક્વોરન્ટાઇન કરવા કે નહિ તે બાબતે સરકારની માર્ગદર્શિકા મુજબ તબીબી પેનલ દ્વારા ડેથ ઓડિટની પ્રક્રિયા શરૂ કરાઇ હતી. 

પાવડિયારાનો તરૂણ હોમ ક્વોરન્ટાઇ હતો
મુંબઇથી મુન્દ્ર તાલુકાના પાવડિયારા આવેલો તરૂણ તા. 19થી 26 સુધી વડાલાની હોટેલમાં અને બાદમાં વધુ સાત દિવસ માટે ઘરે ક્વોરન્ટાઇન હતો. દરમિયાન તેનો રિપોર્ટ પોઝિટિવ આવતાં મુન્દ્રાની એલાયન્સ હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેમના સંપર્કમાં આવેલા 3 લોકોને આરોગ્ય વિભાગ દ્વારા વસઇ જૈન તીર્થમાં ક્વોરન્ટાઇન કરાયા હતા. ગામને કન્ટેઇન્મેન્ટ ઝોનમાં ફેરવવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયા હતા. 

127 પૈકીનો કોઇ રિપોર્ટ બાકી નહિ
બુધવારે તંત્ર દ્વારા 127 રિપોર્ટ પેન્ડિંગ હોવાનું જણાવાયું હતું જે પૈકી 7 પોઝિટિવ આવ્યા હતા અને 120ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. દરમિયાન ગુરૂવારે વિવિધ વિસ્તારોમાંથી આરોગ્ય વિભાગ દ્વારા વધુ સેમ્પલ લેવાયા હોવાનું જાણવા મળ્યું હતું જેના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...