આજે ડો. બાબાસાહેબ આંબેડકરની 131મી જન્મ જયંતિ નિમિત્તે રાપર તાલુકાના વિવિધ કર્મચારીઓના મોરચા દ્વારા સરકારી કર્મચારીઓની જૂની પેન્શન યોજના રાજ્ય સરકાર દ્વારા લાગુ કરવામાં આવે તેવી માંગ સાથે ધારાસભ્યને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાપરની અયોધ્યાપુરી કુમાર શાળા ખાતે શિક્ષક મંડળ, આરોગ્ય વિભાગ, તલાટી મંડળ, માધ્યમિક શિક્ષણ મંડળ અને મહેસુલ સહિત રાજ્યના વિવિધ પ્રકારના વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ જોડાયા હતા. સમગ્ર રાજ્યમાં આજે જે-તે વિસ્તારના ધારાસભ્યને આવેદનપત્ર આપવાના કાર્યક્રમ અંતર્ગત આજે રાપર તાલુકા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા રાપરના ધારાસભ્ય સંતોકબેન આરેઠીયાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
રજૂઆતમાં રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અરજણ ડાંગર, જિલ્લા તલાટી મંડળના પ્રમુખ વિજયગીરી ગૌસ્વામી, રાપર તાલુકા તલાટી મંડળના પ્રમુખ જસવંતસિંહ સોલંકી, આરોગ્ય કર્મચારી મંડળના રામજી પરમાર, ગ્રામ સેવક મંડળના સંજય રાઠોડ, માધ્યમિક શિક્ષણ સંધ સહિત અને રાજ્ય સરકારના વિવિધ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જ્યારે રાપરના ધારાસભ્ય સંતોકબેન આરેઠીયાના કાર્યાલય ખાતે કર્મચારીઓ આવેદનપત્ર આપવા ગયા ત્યારે ધારાસભ્ય ઉપસ્થિત નહોતા કે ના કોઈ જવાબદાર વ્યક્તિ હાજર જોવા મળ્યા હતા. એટલે કર્મચારીઓએ ધારાસભ્યના કાર્યાલય ખાતે ફરજ બજાવતા કર્મચારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. પરંતુ ધારાસભ્ય હાજર ના રહેતા કર્મચારીઓની રજૂઆત કોણ સાંભળે અને કેવી વ્યથા છે તે કોની પાસે રજૂ કરવી એ ચર્ચા જાગી હતી. આમ આજે રાપર તાલુકાના વિવિધ કર્મચારીઓના મોરચાની રજૂઆત રાપરના ધારાસભ્ય સાંભળી શક્યા નહોતા.
આ કાર્યક્રમમાં આંબાભાઈ મકવાણા, મહાદેભાઈ કાગ, વિપુલ પટેલ, સુર્ય શંકર ગોર, મનજીભાઈ ચાવડા, અશોક ચૌધરી, હિતેશ પ્રજાપતિ, મિતેશ પટેલ, ગજુભા ચૌહાણ, સુરેશ ઠાકોર, ભુરાભાઈ પરમાર, યોગેશ સોઢા, ચેતન સોનાગ્રા, જસવંત લેઉવા, જીતેન્દ્ર સિંધવ, દિપક ચૌધરી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.