ગઢશીશાના ગ્રામજનો અને તત્કાલીન પીઅાઇ રમેશ ગોજીયા સામસામે અાવી ગયા હતા જેમની બદલી ભુજ બી ડિવિઝન પોલીસ મથકે કરાઇ હતી. ભુજમાં ગેરકાયદેસર પ્રેકટીસ કરતા પકડાયેલા તબીબને બી ડિવિઝન પોલીસે પકડી લીધા બાદ ગુનો દાખલ કર્યો હતો, છતાંય પણ 25 હજાર રૂપિયા લેતા સત્તાપક્ષના દસેક નગરસેવકો અેસપી અને સાંસદ વિનોદ ચાવડાને ફરિયાદ કરી હતી. પીઅાઇની રાવ ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ સુધી પહોંચી હોવાનુ જાણવા મળ્યું છે.
ગુરુવારે સાંજે ભુજના દાદુપરી રોડ પર ડોકટર અરવિંદ મિસ્ત્રી નામના દવાખાનામાં ડીગ્રી વિના અબ્દુલ ચૌહાણ (ઉ.વ.60) ગેરકાયદે પ્રેકટીશ કરતો હોવાથી બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. ગુનો દાખલ કર્યા બાદ અાખી રાત લોકઅપમાં પુરી દેવાયા હતા અને સવારે જામીનની કામગીરી હાથ ધરાઇ હતી. તમામ કાયદાકીય જોગવાઇ મુજબ પ્રક્રિયા પુર્ણ કર્યા બાદ પણ બી ડિવિજન પીઅાઇ રમેશ ગોજીયાઅે 25 હજાર રૂપિયા લીધા હોવાનો અાક્ષેપ થયો છે.
ભાજપના કાર્યક્રમ ઇમરાન ચાૈહાણે અા વાત નગરસેવકોને કરી હતી જેથી અનીલ છત્રાળા, ધીરેન લાલન, કાસમ કુંભાર, સીધીક સમા, હનીફ માંજોઠી, ઇમરાન પરમાર, મોહસીનખાન પઠાણ, કીરણ ગોરી, રાજેશ ભાંડેલ તેમજ અંબાલાલ રાજગોર સહિતના ભાજપના અાગેવાનો સાંસદ વિનોદ ચાવડા અને અેસ.પી. સાૈરભ સીંઘ પાસે બી ડિવિઝન પીઅાઇ રમેશની રાવ લઇ પહોંચ્યા હતા. રજૂઅાત સાંભળ્યા બાદ તાત્કાલીક ઇમરાન ચાૈહાણનું નિવેદન લેવા તજવીજ હાથ ધરાઇ હતી અને સાંજે નગરસેવકોની હાજરીમાં ડીવાયઅેસપી સમક્ષ સમગ્ર હકીકત લખાવી હતી.
નોંધનીય છે કે, અેકાદ માસ પૂર્વે બદલી થયા બાદ ભુજ અાવેલા રમેશ ગોજીયાની કામગીરી ગઢશીશા વિસ્તારમાં વિવાદમાં રહી હતી. જેના પગલે ગ્રામજનો અને પીઅાઇ સામસામે અાવી ગયા હતા. વધુમાં સુત્રોઅે કહ્યું હતું કે, સાંસદ વિનોદ ચાવડા પાસે રજૂઅાત કરતા તેમણે ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહને ટેલીફોનિક ફરિયાદ કરી હતી અને તેમણે અેસ.પી. સાૈરભ સીંઘને ફોન કરીને પીઅાઇની રાવ બાબતે યોગ્ય તપાસ કરવા કહ્યું હતું. જો કે, અા વાતને અેસપી સાૈરભ સીંઘે સમર્થન અાપ્યું ન હતું અને નો કોમેન્ટ કરી હતી.
અા અંગે અેસપી સાૈરભ સીંઘે જણાવ્યું હતું કે, સત્તાપક્ષના નગરસેવકો બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેકટર રમેશ ગોજીયાની રાવ માટે અાવ્યા હતા અને 25 હજાર રૂપિયા લીધા હોવાનો અાક્ષેપ તેમણે કર્યો છે જેની ખાતાકીય તપાસના અાદેશ ડીવાયઅેસપીને અપાયા છે. નિવેદન તેમજ સીસીટીવી ફુટેજ અેકત્ર કરી અાગળની તપાસ હાથ ધરાશે તેમ ઉમેર્યું હતું.
તમામ કાર્યકરો સાંસદ ચાવડા પાસે પહોંચ્યા
થોડાક દિવસ પૂર્વે ભાજપ શહેરના યુવા અાગેવાન કમલેશભાઇ ખત્રીના ઘર પાસે કોઇ શખ્સો દારૂ પીધેલી હાલતમાં જેમ-તેમ બોલતા હોવાથી તેમને દુર જવા કહ્યું હતું. જો કે, નશામાં ધુત શખ્સોઅે મારવાનો પ્રયાસ કરતા કમલેશભાઇઅે તેમને માર્યો હતો. જે બનાવમાં કમલેશભાઇ અને તેમની પત્ની સામે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતો. તો થોડા જ દિવસોમાં 25 હજાર લીધાનો બનાવ બનતા તમામ નગરસેવકો અને કાર્યકરો સાંસદ વિનોદ ચાવડા પાસે પહોંચ્યા હતા અને મામલો છેક ગૃહ રાજયમંત્રી સુધી પહોંચ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.