ભુજોડી પાસે બુધવારે મોડી સાંજે બેફામ રીતે કાર ચલાવીને અકસ્માત સર્જયા બાદ રોફ જમાવતી યુવતીના પિતાને રાવ દેવા ગયેલા મોટા રેહાના બાઇક ચાલકને ડ્રીમ રીસોર્ટમાં બોલાવીને પાંચ શખ્સએ ધોકાથી માર મારી બંદુક બતાવીને ધાકધમકી કરતાં આરોપીઓ વિરૂધ માધાપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે. બેફામ ગાડી હંકારી રોફ જમાવતી દીકરીના બાપ સહિતનાઓએ ધોકા વડે માર મારી હુમલો કરતાં આ મામલો અંતે પોલીસ મથકે પહોંચ્યો હતો અને ફરિયાદના પગલે પોલીસે પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મોટા રેહા ગામે રહેતા બહાદુરસિંહ પથુભા જાડેજા (ઉ.વ.30) એ ડ્રીમ રિસોર્ટના માલિક મહેન્દ્ર પટેલ, પારસ પટેલ તથા અજાણ્યા પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી પોતાની મોટર સાયકલથી ભુજોડી ગામથી આશાપુરા કંપની તરફ જઇ રહ્યા હતા ત્યારે ભુજોડી ગામથી આગળ સામેથી પુરપાટ ઝડપે કાર લઇને આવતી યુવતીએ બાઇક સામે ગાડી લઇ આવતાં ફરિયાદી રોડ પર ફંગોળાઇ ગયા હતા. દરમિયાન કાર ચાલક યુવતીએ ગાળા ગાળી કરીને રોફ જમાવીને પોતે ડ્રીમ રિસોર્ટના માલિકની દિકરી હોવાનું જણાવી દાદાગીર કરી હતી.
જેથી ફરિયાદીએ ડ્રિમ રિસોર્ટના બોર્ડ પરથી યુવતીના બાતને જાણ કરતાં ફરિયાદીને યુવતીના બાબતે રિસોર્ટ પર બોલાવ્યો હતો. જ્યાં ગાળા ગાળી કરીને મહેન્દ્ર પટેલે બંદુક કાઢી હતી અને ફરિયાદીને અહીં ફરી દેખાઇશ તો, છોડશું નહીં કહીને મહેન્દ્ર પટેલ, પારસ પટેલ અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ ધોકાથી માર મારી ઇજા પહોંચાડી હતી.
ઘાયલને તેના મિત્રએ સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. માધાપર પોલીસે બહાદુરસિંહની ફરિયાદ પરથી મહેન્દ્ર પટેલ સહિત પાંચ જણાઓ વિરૂધ રાયોટીંગ અને આર્મ એક્ટ સહિતનો ગુનો નોંધી આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર પી.અમે.ચૌધરીએ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.