તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કચ્છ યુનિવર્સિટીની પાછળ છલાંગ:રાજ્ય સરકારની રેન્કિંગમાં છેલ્લેથી સાતમા ક્રમે !

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશનલ રેટિંગ ફ્રેમવર્કમાં 34 યુનિવર્સિટીમાંથી 28 મા ક્રમે આવવાની સાથે માત્ર બે સ્ટાર પ્રાપ્ત કર્યા
  • ત્રણ વર્ષ પહેલા આ જ યાદીમાં કચ્છ યુનિવર્સિટીએ રાજ્યમાં 13 મા સ્થાને આવી હતી : 15 ક્રમાંક પાછળ ધકેલાઇ

ખૂબ જ મોટા સપનાઅો સાથે કચ્છ યુનિવર્સિટી વર્ષ 2003માં શરૂ કરવામાં અાવી હતી. ડિજિટલ યુનિવર્સિટીના નામે અોળખાતી અા શૈક્ષણિક સંસ્થામાં શરૂઅાતના વર્ષોમાં કામકાજ સારી રીતે ચાલ્યું. પરંતુ ત્યારબાદ કુલપતિ સહિતના સ્ટાફની સમયસર ભરતી કરવામાં મોડુ સહિતના કારણોના લીધે વિવાદ વધતા ગયા હતા. જેના પગલે યુનિવર્સિટીના રેટિંગ તથા કામકાજને અસર થઇ હતી. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા જ જારી કરાયેલી ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશનલ રેટિંગ ફ્રેમવર્કમાં કચ્છ યુનિવર્સિટીનો ક્રમ ગગડીને છેક 28માં અાવી ગયો છે.

માત્ર 2 સ્ટાર અાપવામાં અાવતા રાજ્યસ્તરે યુનિવર્સિટીની છાપ ખરાબ થઇ છે.અા અંગે મળતી વિગતો મુજબ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે વિવિધ યુનિવર્સિટીઅોની કામગીરીના અાધારે રેટિંગ અાપવામાં અાવે છે. ચાલુ વર્ષે પણ અા યાદી બહાર પાડવામાં અાવી છે. જેમાં રાજ્યની યુનિવર્સિટીની યાદીમાં કચ્છ યુનિવર્સિટીનો ક્રમે છેલ્લેથી સાતમા સ્થાને અાવ્યો છે. અેટલેકે રાજ્યની 34 યુનિવર્સિટીમાંથી કચ્છ યુનિવર્સિટીનો ક્રમ 28મો અાવ્યો છે. કચ્છ યુનિવર્સિટીનો સ્કોર 29.81 થયો હતો.

જે ખૂબ જ અોછો હતો. તથા તેના લીધે સીજીપીઅે સ્કોર માત્ર 1.8 રહ્યો હતો. અને માત્ર 2 સ્ટાર મળ્યા હતા. રાજ્યની 34 યુનિવર્સિટીઅોમાંથી 8ને માત્ર 2 સ્ટાર મળ્યા હતા. જ્યારે ટોચની 5 યુનિવર્સિટીઅોને 5 સ્ટાર મળ્યા હતા. નોંધનીય છે કે વર્ષ 2018માં કચ્છ યુનિવર્સિટીનો ક્રમ 13 ક્રમે અને 3 સ્ટાર પ્રાપ્ત કર્યા હતા. અા ત્રણ વર્ષમાં ક્રમમાં વ્યાપક ઘટાડો થયો છે.

શિક્ષણમંત્રીનું નામ જ બદલી નાંખ્યુ
કચ્છ યુનિવર્સિટીની બેદરકારીના કિસ્સા અવાર-નવાર બહાર અાવતા હોય છે. તેમ તા. 29/6ના યુની.ના યોજાનાર પદવીદાન સમારોહની અખબારી યાદીમાં પણ બેદરકારી બહાર અાવી હતી. જેમાં શિક્ષણમંત્રી તરીકે ભૂપેન્દ્રસિંહને બદલે ભૂતેન્દ્રસિંહ લખાઇ ગયું હતુ. અા વાત સોશિયલ મીડિયા પર ફેલાતા યુની.ની બેદરકારી અંગે યુવાનોઅે રોષ વ્યક્ત કર્યો હતો. અાખરે યુનિવર્સિટીઅે ભુલ સુધી શિક્ષણમંત્રીનું નામ સુધાર્યું હતું.

રેન્કિંગ અંગે તપાસ જારી, હવે ક્રમ સુધારાશે : વીસી
અા અંગે કુલપતિ જયરાજસિંહ જાડેજાઅે જણાવ્યું હતું કે, બહાર પાડેલા રેન્કિંગ અંગે સંશોધન કરવા અાદેશ કરાયા છે. ક્રમ શા માટે ગગડયો તે તપાસ કરવામાં અાવશે. અાગામી દિવસોમાં રીસર્ચ પર વધારો કરવામાં અાવશે. ચાલુ વર્ષથી જ યુનિવર્સિટી દ્વારા વિવિધ શૈક્ષણિક કાર્યક્રમો શરૂ કરી દેવાયા છે. 60થી વધારે વેબિનાર કરાયા છે. જેનો ફાયદો અાગામી રેટિંગમાં થશે.

શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફની ઘટ માથાનો દુ:ખાવો
સરકારે મોટા ઉપાડે કચ્છને યુનિવર્સિટી અાપી દીધી છે. પરંતુ સુવિધા અને ખાસ કરીને શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફની પુરતી ફાળવણી કરવામાં અાવતી નથી. ખાસ કરીને બિન શૈક્ષણક સ્ટાફની ભયંકર ઘટ છે. તેની અસર તમામ કાર્યવાહી પણ થાય છે. અા ઘટ પુરવા સ્થાનિક રાજકારણીયો કમર કસી ગાંધીનગર સુધી રજૂઅાત પહોંચાડે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...