વરસાદની ઘટ:ચોમાસુ અઠવાડિયા વહેલું છતાં ગત વર્ષ કરતા વરસાદમાં 9 ઇંચની ઘટ !

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 2020માં 21મી જુલાઇ સુધી અધધ 347 મીમી વરસાદ, જ્યારે ચાલુ વર્ષે માત્ર 119 મીમી
  • આ સમય દરમિયાન ગત વર્ષે એકલા માંડવીમાં 657 મીમી વરસાદ ખાબક્યો હતો : 7 તાલુકામાં 8 ઇંચ સુધી વરસાદ ઓછો

કચ્છમાં વર્ષ 2019 અને 2020માં સારા વરસાદ બાદ ચાલુ વર્ષે પણ ચોમાસુ અેકાદ અઠવાડિયા વહેલુ બેસી ગયું હતું. જૂનમાં જ 12 ટકા વરસાદ પડી ગયા બાદ હવે કચ્છીઅો ચિંતામાં મુકાયા છે. છેલ્લા અેકાદ અઠવાડિયાથી વાદળ હોવા છતાં મેહુલીયો મન મુકીને વરસતો નથી. ચોંકાવનારી વાત અે છે કે ગયા વર્ષે તા. 21/7 સુધી કચ્છમાં અધધ 347 મીમી અેટલે કે 84 ટકા વરસાદ વરસી ગયો હતો. ત્યારે ચાલુ વર્ષે અત્યાર સુધી માત્ર 119 મીમી અેટલે કે માત્ર 27 ટકા વરસાદ પડ્યો છે. અામ ગત વર્ષ કરતા ચાલુ વર્ષે અધધ 9 ઇંચ વરસાદની ઘટ છે !

અા અંગે મળતી વિગતો મુજબ કચ્છમાં વરસાદ અનિયમીત છે. ભૂકંપ બાદ વરસાદની ટકાવારી વધી છે. છેલ્લા 20 વર્ષમાં કચ્છમાં વરસાદની સરેરાશમાં અંદાજે 5 ઇંચનો વધારો જોવા મળ્યો છે. ખૂદ હવામાન ખાતાઅે પણ જળવાયુ પરિવર્તન સહિતના કારણે દેશના જે ભાગોમાં વરસાદમાં વધારો થયો છે તેમા કચ્છને પણ સમાવેશ કર્યો છે. જોકે તેમ છતાં અછત અને દુકાળ કચ્છના ભાગ્યમાં લખાયેલા હોય તેમ દર બે-ત્રણ વર્ષે તેનો સામનો કરવો પડે છે.

છેલ્લે વર્ષ 2018માં દુકાળનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ બે વર્ષો સારા ગયા હતા. તેમા પણ ગત વર્ષે તો કચ્છમાં રેકોર્ડબ્રેક 281 ટકા વરસાદ વરસી ગયો હતો. ચાલુ વર્ષે પણ ચોમાસુ અેકાદ અઠવાડિયા પહેલા અાવી ગયું હતું. જેના પગલે અષાઢી બીજ સુધીમાં સારા વરસાદની અાશા હતી. પરંતુ અત્યાર સુધી કચ્છભરમાં માત્ર છૂટાછવાયા ઝાંપટાં રૂપી વરસાદ પડી રહ્યો છે. ક્યાં પણ વરસાદ મન મૂકીને વરસ્યો નથી. ગત વર્ષની સરખામણીઅે પણ 9 ઇંચની ઘટ છે. ત્યારે અાગામી દિવસોમાં ધમાકેદાર વરસાદ વરસે તેવી અાશા છે.

હવામાન ખાતાના મતે કચ્છમાં 37 ટકા વરસાદની ઘટ
તો બીજીબાજુ અમદાવાદ હવામાન ખાતા દ્વારા જાહેર કરાયેલા અાંકડા પ્રમાણે કચ્છમાં તા.21/7 સુધી 37 ટકા વરસાદની ઘટ છે. અા તારીખ સુધી કચ્છમાં 150 મીમી વરસાદ પડવો જોઇઅે. તેની સામે અત્યાર સુધી માત્ર 94 મીમી વરસાદ નોંધાયો છે. અામ તો રાજ્યભરમાં વરસાદની ઘટ છે. વળી અમદાવાદ હવામાન ખાતા અને મહેસુલ વિભાગના કચ્છના અાંકડામાં પણ તફાવત છે.

અન્ય સમાચારો પણ છે...