તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘મેઘરાજા હવે તો મહેર કરો’:કચ્છમાં દુષ્કાળના ડાકલા વચ્ચે સપ્ટેમ્બરમાં વરસાદની આશા

ભુજ,નખત્રાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી મહિને મોન્સૂન ટ્રફ કચ્છ તરફ વળવાની સંભાવના : હવામાન વિભાગ
  • પવન પર સવાર થઇ ઉડતી ધૂળની ડમરીઅોમાં વરસાદની અાશા ગાયબ
  • પશ્ચિમ કચ્છમાં ધરતીપુત્રોનો પોકાર ‘મેઘરાજા હવે તો મહેર કરો’

કચ્છમાં અષાઢના આરંભે વરસાદ પડ્યા બાદ શ્રાવણ મહિનો અડધાથી વધુ વીતી જવા છતાં મેઘ મહેર ન થવાથી દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે. મેહૂલિયો રીસાઇ જતાં કિસાન અને માલધારી આલમ ચિંતામાં મુકાઇ છે તેવામાં હવામાન વિભાગે આશાના કિરણ સમાન સપ્ટેમ્બર મહિનામાં મેઘ કૃપા થવાની સંભાવના દર્શાવી છે.

ચાલુ સાલે ‘અષાઢી બીજ, વાદળ ને વીજ’ ઉક્તિ સાચી ઠારતા મેઘરાજાએ કચ્છી નવા વર્ષે મુહૂર્ત સાચવી લેતાં સરહદી જિલ્લામા સચરાચર વરસાદની આશા બંધાઇ હતી. ચોમાસુ સારૂં રહેશે તેવી અપેક્ષાએ કપિત વિસ્તારોમાં ધરતીપુત્રોએ વાવેતર કર્યું પણ છેલ્લા એક માસથી મન મૂકીને વરસાદ ન વરસતાં ખેતરોમાં ઉગી નીકળેલા છોડ બળી રહ્યા છે તો સીમાડાઓમાં ઘાસ ન હોવાથી પશુ પાલકો ચિંતામાં મુકાઇ ગયા છે. મોટા ભાગના જળાશયો તળિયા ઝાટક છે. આ તમામ સ્થિતિ દુષ્કાળની નિશાની બતાવી રહી છે પરંતુ હવામાન વિભાગને હજુ પણ સારા વરસાદની આશા છે.

ભુજ હવામાન વિભાગના પ્રભારી રાકેશકુમારે કહ્યું હતું કે, મોન્સૂન ટ્રફ (હવાના હળવા દબાણનો પટ્ટો) હાલે હિમાલયન બેલ્ટમાં છે તેને જોતાં ચાલુ માસના અંત સુધી કચ્છમાં વરસાદની સંભાવના નથી પણ સપ્ટેમ્બર માસની શરૂઆતમાં મોન્સૂન ટ્રફ નીચે આવતાં ઉત્તર-પૂર્વ ભારત બાદ પશ્ચિમ ભારતને તેનો લાભ મળશે. તેને જોતાં કચ્છમાં પણ આગામી માસમાં મેઘ મહેર થવાની આશા હજુ પણ અકબંધ છે. આ વર્ષે મોન્સૂન ટ્રફ હજુ પણ હિમાલય વિસ્તારમાંથી નીચે ન આવતાં વરસાદ ખેંચાઇ ગયો છે તેમ કહેતાં તેમણે ઉમેર્યું હતું કે, હવામાનની દ્રષ્ટિએ ચોમાસું હજુ પૂરું નથી થયું અને સપ્ટેમ્બર મહિનામાં વરસાદ વરસવાની સંભાવના નકારી શકાય નહીં. ઉલ્લેખનીય છે કે, કચ્છમાં અગાઉ પણ ભાદરવા માસમાં સારો કહી શકાય તેટલી માત્રામાં વરસાદ પડ્યો છે જેને પગલે હજુ પણ મેઘ મહેર થાય તેવી આશા જીવંત છે.

નારાયણ સરોવર : કચ્છમાં બે દિવસ પવનની ગતિ અોછી થવાની સાથે તાપમાનનો પારો ઉંચકાયો હતો અને ભારે બફારા વચ્ચે જિલ્લાવાસીઅોમાં વરસાદ પડશે તેવી અાશા બંધાઇ હતી પરંતુ બુધવારના સવારથી જ પવનની ઝડપ વધવાની સાથે ધૂળની ડમરીઅો ઉડતાં વરસાદની અાશા ગાયબ થઇ ગઇ છે અને જગતના તાતના લલાટે ચિંતાના વાદળો ઘેરાયા છે. જિલ્લાના પવિત્ર ધાર્મિક સ્થળ નારાયણ સરોવર સહિત અરબ સાગરના કિનારા ગામોમાં બુધવારે સવારથી ભારેખમ પવન સાથે ધુળની ડમરીઅો ઉડી હતી. ધુળના કારણે અેક કિ.મી.ના અંતર સુધી કાંઇ દેખાતું ન હતું, જેના કારણે વાહન ચાલકોને 1 કિ.મી.નું અંતર કાપવું મુશ્કેલીરૂપ બન્યું હતું.

ઝડપી પવન ફુંકાયો તો પણ કંડલા ગરમીમાં અવ્વલ
બુધવારે મોટા ભાગના કચ્છમાં સામાન્ય કરતાં વધુ ગતિએ પવન ફૂંકાયો હતો. કંડલ બંદરે દિવસભર સરેરાશ પ્રતિ કલાક 16 કિલો મીટરની ઝડપે પવન ફૂંકાયો હતો તેમ છતાં મહત્તમ 35.3 ડિગ્રી તાપમાન સાથે બંદરીય વિસ્તાર રાજ્યમાં સૌથી ગરમ રહ્યો હતો. ત્રીજા ક્રમના ઉષ્ણ કંડલા એરપોર્ટ મથકે ઉંચું ઉષ્ણતામાન 34.8 ડિગ્રી રહ્યું હતું જ્યારે 20 કિલો મીટરની ગતિએ વાયરો વાયો હતો. ભુજમાં પ્રતિ કલાક 10 કિલો મીટરની ઝડપ સાથે પવન ફૂંકાવની સાથે મહત્તમ 34.4 જ્યારે નલિયા ખાતે 33.1 ડિગ્રી નોંધાયું હતું.

સારા વરસાદની આશાએ પશ્ચિમ કચ્છના નખત્રાણા, અબડાસા, લખપત તાલુકામાં કપિત ખેતી કરતા ખેડુતોએ વાવેતર કર્યા બાદ મેઘ મહેર ન થતાં ખેતરમા ઉભો પાક મુર્જાતા ધરતીપુત્રોની ઉંઘ હરામ થઈ ગઈ છે. સાતમ-આઠમના તહેવારો છતાં પણ વરસાદ ન વરસતા પર્વોના રંગ ફિકા લાગી રહ્યા છે.

જળાશયો પણ તળિયા ઝાટક થઈ જતાં ઉભા મોલને જીવતદાન આપવાનો પડકાર ઉભો થયો છે. તાલુકાના મોસુણા, નારણપર, રામપર, અબડાસાના નરેડી, વમોટી, બિટ્ટા, તેરા, ખારૂઆ સહિતના અનેક ગામમા સારા ચોમાસાની અપેક્ષાએ કિસાનોએ મગ, તલ, ગુવાર અને મગફળીનું વાવેતર કર્યુ છે પણ વરસાદ ખેંચાઈ જતા નજર સામે ઉભો પાક બળી રહ્યો છે. ક્યાંય તળાવ કે ડેમોમાં પાણી ન હોતાં મુશ્કેલી બેવડાઇ છે. મોંઘાદાટ બિયારણ, ખાતર અને દવાઓના ખર્ચ સાથે વાવેતર કરનારા ધરતીના તાત મેઘરાજાને વરસી પડવા પ્રાર્થના કરતા જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...