તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિષ્ફળતામાંથી લેવાયો બોધપાઠ:સંભવિત ત્રીજી લહેરને પગલે કચ્છમાં 1500 બેડ વધારાશે

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બીજી લહેરમાં પરિસ્થિતિ વિકટ બનતાં તંત્રએ 20 દિવસથી આદરી આગોતરી તૈયારી
  • જિલ્લામાં આરટીપીસીઆર ટેસ્ટીંગ ડબલ કરવાની સાથે બાળકો અને સગર્ભાનો સરવે
  • આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્રએ મહામારી સામે બાથ ભીડવા માટે કમર કસી
  • અોક્સિજન લાઇન અપગ્રેડ કરવાની ચાલતી કામગીરી : વધારાના વેન્ટિલેટર પણ વસાવાશે

કચ્છમાં બીજી લહેર વધુ ઘાતક નીવડી હતી, ત્યારે તેમાંથી બોધપાઠ મેળવી સંભવિત ત્રીજી લહેરના આક્રમણને ખાળવા માટે કચ્છના વહીવટી તંત્રઅે અાગોતરી તૈયારીઅો આરંભી દીધી છેે. બીજી લહેરમાં જિલ્લા મથક ભુજ સહિત સમગ્ર કચ્છમાં સરકાર દ્વારા નિયત હોસ્પિટલો ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં પણ પથારી મળવી મુશ્કેલ હતી. તો વળી અોક્સિજન, રેમડેસીવીર ઇન્જેક્શન વગેરેની ભારે અછત સર્જાઇ હતી, જેના કારણે વધુ તાકતવાર બનેલા કાતિલ કોરોનાઅે અનેક લોકોના પરિવારનો માળો વીંખી નાખ્યો હતો ત્યારે સંભવિત ત્રીજી લહેરને લઇને આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્રઅે આગોતરૂં આયોજન ઘડી કાઢ્યું છે.

ડિઝાસ્ટર મામલતદાર સી.આર. પ્રજાપતિઅે વિગતો અાપતા જણાવ્યું હતું કે, સમગ્ર જિલ્લામાં અાગોતરા અાયોજનના ભાગરૂપે છેલ્લા 20 દિવસથી તૈયારીઅો ચાલી રહી છે. બીજી લહેરમાં જે સમયગાળામાં સાૈથી વધુ કેસ નોંધાયા હતા તે સ્થિતિને નજર સમક્ષ રાખી આયોજન ઘડી કાઢવામાં અાવ્યું છે, જે મુજબ બીજી લહેરમાં સંક્રમણ વધતાં અદાંજિત 4300 જેટલી પથારીઅો કરાઇ હતી, જેમાં 1500 જેટલી વધારાની પથારીની વ્યવસ્થા ઉભી કરાશે. આરટીપીસીઆર ટેસ્ટીંગ ડબલ કરવામાં અાવશે અને બાયપેપ, વેન્ટિલેટરની સંખ્યા વધારવામાં આવશે.

સંભવિત ત્રીજી લહેરની બાળકો પર વધુ અસર થશે તેવું કહેવાય છે ત્યારે અત્યારથી બાળકો અને સગર્ભા મહિલાઅોનો સરવે હાથ ધરવામાં આવી રહ્યો છે. સરકાર દ્વારા અપાતા અોક્સિજન, ઉપરાંત સ્થાનિકે ઇન્ડસ્ટ્રીયલ 6 અોક્સિજન પ્લાન્ટ કાર્યરત છે જ. જી.કે. જનરલ હોસ્પિટલમાં વધારાના અોક્સિજન પ્લાન્ટ સ્થપાયા છે. જી.કે. જનરલ હોસ્પિટલ ઉપરાંત, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને સરકાર હસ્તગતના કોવિડ કેર સેન્ટરોમાં અોક્સિજન લાઇન અપગ્રેડ કરવામાં આવી રહી છે.

સરકારના ધારાધોરણ મુજબ કરાર ઉપર વધારાના તબીબોની પણ નિમણૂક કરવામાં અાવશે. જિલ્લામાં કયાંય દર્દીઅોને તકલીફ ન પડે તે માટે અોક્સિજનની પૂરતી વ્યવસ્થા માટે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલથી લઇને સી.અેચ.સી. સુધી જરૂરિયાત મુજબ ચેઇન ગોઠવવામાં અાવશે. વધુમાં નિયત કરાયેલા તબીબોને અગાઉથી નિષ્ણાંતો દ્વારા તાલીમ પણ અપાશે. કલેક્ટર કચેરીમાં આવેલા કમાન્ડિંગ અેન્ડ કન્ટ્રોલ યુનિટને વધારાની કોપ્યૂટર સિસ્ટમ, વિવિધ સોફ્ટર સાથે અપગ્રેડ કરવામાં અાવશે.

કોરોના દર્દીની સ્થિતિ મુજબ ત્રિ-સ્તરીય સારવારની વ્યવસ્થા
દર્દીઅોની સ્થાનિકે ટેસ્ટિંગ સહિતની પ્રક્રિયા બાદ કોરોનાના હળવા, મધ્યમ લક્ષણો ધરાવતા દર્દીઅો અને વધારે તકલીફ વાળા દર્દીઅો માટે ત્રિ-સ્તરીય સારવારની વ્યવસ્થા ઉભી કરાશે. જે મુજબ હળવા લક્ષણો વાળા દર્દીઅોને કવોરેન્ટાઇન, મધ્યમ લક્ષણવાળા દર્દીઅોને સી.અેચ.સી., સરકાર દ્વારા નિયત કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં તેમજ જે દર્દીને વધુ પડતી તકલીફ હોય તેવા દર્દીઅો સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ કે, જિલ્લાની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર મળે તેવી વ્યવસ્થા કરાશે.

ધન્વંતરિ રથની સંખ્યા 100થી ઉપર લઇ જવાશે
જિલ્લામાં હાલે તાલુકા મુજબ ફાળવાયેલા ધન્વંતરિ રથની સંખ્યા અંદાજિત 74 જેટલી છે, જેમાં વધારો કરીને તેની સંખ્યામાં 100થી ઉપર લઇ જવાનું અાયોજન કરવામાં અાવ્યું હોવાનું ડિઝાસ્ટર મામલતદાર સી.અાર. પ્રજાપતિઅે જણાવ્યું હતું.

ખાનગી તબીબોની ટીમ આપશે અભિપ્રાય
બાળરોગ નિષ્ણાંત, ગાયકોનોલોજીસ્ટ અને ફિઝિશીયન સહિતના નિષ્ણાંત ખાનગી તબીબોની ટીમ બનાવવામાં અાવશે. જે ટીમ ત્રીજી લહેરને લઇને ઉભી કરવામાં અાવતી વ્યવસ્થામાં કયાં કચાસ રહી ગઇ છે અને જરૂરી સાધનો વગેરે સુવિધા ચકાસી પોતાનો અભિપ્રાય અાપશે.

ભુજમાં સમરસ હોસ્ટેલમાં બેડ વધારવા વિચારણા
ભુજમાં કચ્છ યુનિવર્સિટી પરિસરમાં અાવેલી બોયસ સમરસ હોસ્ટેલ-1 સુવિધાથી સજ્જ છે જ તેમાં વિસ્તૃતીકરણ કરીને બોયસ સમરસ હોસ્ટેલ-2માં પણ તે રીતે જરૂરી સુવિધા ઉભી કરાશે. ઉપરાંત યુનિવર્સિટી પરિસરમાં જ અાવેલી ગર્લ્સ સમરસ હોસ્ટેલ 1,2માં પરિસ્થિતિ મુજબ અારોગ્યની સેવા ઉપલબ્ધ કરાવવા માટેની વિચારણા હોવાનું ડિઝાસ્ટર મામલતદારે જણાવ્યું હતું.

સિટી સ્કેન મશીન વધારવાનું આયોજન
વર્તમાન સમયે જી.કે. જનરલ હોસ્પિટલમાં અેકમાત્ર સિટી સ્કેન મશીન છે ત્યારે મહામારીની બીજી લહેરને ધ્યાનમાં લેતાં આગામી સમયમાં હજુ વધારા બેથી ત્રણ સિટી સ્કેન મશીન વસાવવામાં અાવશે, જે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલોને ફાળવવા વિચારણા ચાલી રહી છે.

ઇ-સંજીવની વાનની સુવિધા ઉપલબ્ધ કરાવાશે
વર્તમાન સમયે ધન્વંતરિ રથ દ્વારા જે રીતે કામગીરી કરાય તે રીતે ઇ-સંજીવની મોબાઇલ સેવાના નામે સુવિધા ઉપલબ્ધ કરાશે. ઇ-સંજીવની વાન જરૂરી દવા સહિત ઉપયોગી સાધનોથી સજ્જ રહેશે અને તેમાં અેક મેડિકલ ટીમ પણ ખડેપગે રહેશે.

અંજાર આહીર સમાજવાડી પણ ઉપયોગમાં લેવાશે
ડિઝાસ્ટર મામલતદારે જણાવ્યું હતું કે, સંભવિત ત્રીજી લહેરને લઇને અાગોતરા અાયોજનના ભાગરૂપે અંજાર સ્થિત અાહીર સમાજવાડીમાં પણ કોરોના દર્દીઅો માટે આરોગ્યની સુવિધા ઉભી કરવા આયોજન હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...